ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજરોજ વડોદરા ખાતે માન.રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રિય મંત્રીશ્રી જગત પ્રકાશ નડ્ડાજીની અધ્યક્ષતામાં અને પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીની વિશેષ ઉપસ્થિતિમાં સરદાર @૧૫૦ યુનિટી માર્ચ અંતર્ગત આયોજીત “સરદાર ગાથા” કાર્યક્રમ યોજાયો.
આ પ્રસંગે શ્રી જે.પી. નડ્ડાજીએ સંબોધન કરતાં જણાવ્યુ કે, આ યુનિટી માર્ચ સૌ માટે સૌભાગ્યની ક્ષણ છે. કેન્દ્રિય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાજીને આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીની કલ્પનાને સાકાર કરવા અને તેને જમીન પર ઉતારવાનું સાથે સરદાર સાહેબની સ્મૃતિને દેશભરના યુવાનો સુધી પહોંચાડવા માટે યુનિટી માર્ચના કાર્યક્રમ બદલ અભિનંદન પાઠવ્યા હતા. સરદાર સાહેબ રાષ્ટ્રીય હીરોની સાથે સાથે રાષ્ટ્ર પુરુષ પણ હતા. રાષ્ટ્ર પુરુષના રૂપમાં પ્રાચીન દેશની કલ્પના હતી તેને કાર્યરૂપ એક માત્ર સરદાર સાહેબે કર્યું છે. આજે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અને વિકસિત ભારતની કલ્પના કરી રહ્યા છીએ પરંતુ એક ભારત બનાવવાનું કામ એકમાત્ર સરદાર સાહેબે કર્યું છે. માત્ર આ પેઢી જ નહીં બલ્કે આવનાર દશકો સુધી સરદાર સાહેબને યાદ રાખશે જેમણે એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવામાં યોગદાન આપ્યું. સરદાર સાહેબ માટે સત્યની ખોજ અને સત્યને સાથ આપવાનું કાર્ય જ તેમના જીવનનો સંકલપ હતો. સરદાર સાહેબ અમદાવાદના પ્રતિષ્ઠિત બેરિસ્ટર તરીકે પ્રસ્થાપિત હતા પરંતુ મહાત્મા ગાંધીજીના આહ્વાનથી વ્યક્તિગત જીવનને છોડીને રાષ્ટ્ર જીવન જીવવાનું શરૂ કર્યું હતું. ખેડાનો સત્યાગ્રહ હોય કે બારડોલીનો સત્યાગ્રહ આ બંનેના આંદોલનમાં ખેડૂતો ઉપર થઈ રહેલા અન્યાય માટે કોર્ટ રૂમ છોડીને ખેડૂતો સાથે ઊભા હતા. ખેડા અને બારડોલીના આંદોલનમાં અંગ્રેજોને સબક શીખવાડયો અને સફળતા મેળવી ત્યારબાદ કિસાનોના નેતા તરીકે પ્રસ્થાપિત થયા અને સરદારનું બિરુદ મળ્યું. બ્રિટિશરોના રાજમા વિકટોરિયા ગાર્ડન હતું આજે તે તિલક ગાર્ડનના નામે જાણીતું છે તેમાં લોકમાન્ય તિલકની મુર્તિને સ્થાપિત કારનાર માત્ર સરદાર સાહેબ હતા અને તેનું અનાવરણ મહાત્મા ગાંધીજીએ કર્યું હતું. આઝાદીની લડાઈની સાથે નવા વિઝનથી દેશને જાગૃત કરવાનું કાર્ય સરદાર સાહેબે કર્યું હતું. સરદાર સાહેબે શૌર્ય, હિંમત, કમિટમેન્ટ અને સાર્વજનિક જીવનના માધ્યમથી રાષ્ટ્રને મજબૂત કરવાનું કાર્ય કર્યું છે.
શ્રી નડ્ડાજીએ વધુમાં જણાવ્યુ કે, ૫૬૨ રજવાડાને એક દોરમાં પરોવવું એ કોઈ નાની ઘટના નથી. જ્યારે જુનાગઢ અને હૈદરાબાદના નિઝામે નજર બદલી ત્યારે લશ્કરી કાર્યવાહી કરી જોડવાનું કાર્ય પણ કર્યું હતું. જવાહરલાલ નહેરૂજીએ એક રાજ્યનો નિર્ણય પોતે કરવાનું કહ્યું અને તે નિર્ણય ભારતની એક્તા અને અખંડિતતામાં નાસૂર બન્યો જેને આપણે કલમ ૩૭૦ના નામે જાણીએ છીએ. સરદાર સાહેબે ૫૬૨ રજવાડાઓને ભેગા કર્યા પરંતુ દેશનો આ એક હિસ્સો જવાહરલાલ નહેરુના કારણે વંચિત રહી ગયો. અલગ પ્રધાનમંત્રી અને વિધાનસભા તેમજ દેશના નિયમો ત્યાં લાગુ ન પડે અને માત્ર જમ્મુ કશ્મીરની વિધાનસભાએ પારિત કરેલા નિયમો જ લાગુ પડે તે પ્રકારનું નાસૂર કાર્ય જવાહરલાલ નહેરુએ કર્યું. જ્યારે સરદાર સાહેબને યાદ કરીએ ત્યારે સૌએ ધ્યાન રાખવું જોઈએ કે દેશની સેવા, એક્તા અને અખંડિતતા માટે કામ કરનાર કોણ હતું અને કેવા લોકોએ દેશને કમજોર કરવાનુ કાર્ય કર્યું છે. આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીની ઈચ્છા શક્તિ અને કેન્દ્રિય ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહની રણનીતિથી ૧૯૫૦-૫૧ માં લગાવેલી ૩૭૦ની ધારાને ધરાશાહી કરવાનું કાર્ય કર્યું છે. સરદાર સાહેબના સ્વપ્નને ૨૦૨૦માં આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ૩૭૦ની કલમ નાબૂદ કરી એક ભારતના સંકલ્પને પૂર્ણ કર્યો. ૩૭૦ નાબૂદીકરણ પહેલા રિઝર્વેશન નહોતું, જમ્મુ કશ્મીરની વ્યક્તિ નોન જમ્મુકાશ્મીરી સાથે લગ્ન કરે તો પ્રોપર્ટી હક્ક રદ થઈ જતાં હતા, ડોમેસ્ટિક વાયોલન્સ કાયદો ત્યાં લાગુ નહોતો. સરદાર સાહેબે ૫૬૨ રજવાડા ભેગા કર્યા અને જવાહરલાલ નેહરુએ એક નાસૂર કશ્મીરનું સર્જન કર્યું અને મોદી સાહેબે તેને એક કરી સરદાર સાહેબના સંકલ્પને સાચા અર્થમાં પૂર્ણ કર્યો.
શ્રી નડ્ડાજીએ વધુમાં જણાવ્યુ કે, કોંગ્રેસે ષડયંત્રથી અને ઈરાદાઓથી સરદાર સાહેબને ઇતિહાસ માંથી ભૂલાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો. સરદાર સાહેબના અવસાન બાદ આશરે ૪૦ વર્ષ પછી સરદાર સાહેબને ભારત રત્ન સાથે સન્માનીત કરવામાં આવ્યા. સરદાર સાહેબનું કદ, ફરજ અને સરદાર સાહેબે સમગ્ર જીવન દરમ્યાન ભારતને જે આપ્યું હતું તે પ્રમાણે સાચા અર્થમાં સરદાર પટેલને યાદ કરી અને શ્રદ્ધાંજલી અર્પિત આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કરી છે. મોદી સાહેબના આહ્વાનથી દેશના તમામ ગામેગામ અને શહેરો માંથી માટી એકઠી કરી અને કેવડીયામાં એક્તા દીવાલ બનાવવામાં આવી અને આજે પણ તે ત્યાં પ્રસ્થાપિત છે. વિશ્વની સૌથી ૧૮૨ મીટરની સરદાર સાહેબની પ્રતિમા એ માત્ર મુર્તિ નહીં બલ્કે સમગ્ર દેશનું ગૌરવ છે. આ યાત્રામાં દેશમાંથી જોડાયેલા તમામ યુવાનો ઇતિહાસના સાક્ષી નહીં પરંતુ અભિન્ન અંગ છે. યુવાનોને આ ક્ષણ શૌભાગ્યશાળી ગણાવી અને ૧૫૦મી જન્મજયંતીએ સરદાર સાહેબના જન્મસ્થળ કરમસદથી કેવડીયા સુધીની યાત્રાના અભિન્ન અંગ બનવા બદલ શ્રી નડ્ડાજીએ અભિનંદન પાઠવ્યા હતા.
પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ સંબોધન કરતાં જણાવ્યુ કે, સરદાર@૧૫૦ યુનિટી માર્ચ અંતર્ગત સમગ્ર દેશના જીલ્લાઓમાં આ યાત્રા યોજાઇ છે જેમાં ગૂજરાત રાજયમાં પણ દરેક વિધાનસભા સહ આ યાત્રા યોજાઇ છે. સરદાર સાહેબનું અખંડ ભારતનું સ્વપ્ન હતું, આ સ્વપ્નને પૂર્ણ કરવા માટે દેશની ૧૪૦ કરોડ જનતા આ સેવાયજ્ઞમાં જોડાઈ છે. સતત ૪ દિવસથી ચાલી રહેલી યાત્રા કરમસદથી કેવડીયા સુધી યોજાઇ છે જે લગભગ ૧૫૨ કી.મી છે. સરદાર સાહેબે આહ્વાન કર્યું હતું કે અખંડ ભારત બનવું જોઈએ અને ત્યારે ૫૬૨ રજવાડાઓને એક કરી અખંડ ભારતનું નિર્માણ થયું. આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સ્ટેચ્યું ઓફ યુનિટીના નિર્માણથી આજે સમગ્ર દેશ જ નહીં બલ્કે વિશ્વને ગૌરવ અપાવ્યું છે. વિશ્વભરના પ્રવાસીઓ આજે સરદાર સાહેબના દર્શને આવે છે અને સૌ માટે એ ગર્વની વાત છે. આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આત્મનિર્ભર ભારત નિર્માણના સંકલ્પથી આજે સમગ્ર દેશ સાથે મળીને આ સેવાયજ્ઞમાં જોડાયો છે.
આ કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાજી, કેન્દ્રિય મંત્રીશ્રી વિરેન્દ્ર કુમારજી, કેન્દ્રિય રાજ્ય મંત્રીશ્રી રાવનીતસિંઘ બિટ્ટુજી, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઈ ઝડફિયા, વડોદરા મેયરશ્રી પિંકીબેન સોની સહિત સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, શહેર/મહાનગરના હોદ્દેદારશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ તેમજ દેશભરના યુવાનો જોડાયા હતા.
