ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજરોજ વડોદરા મહાનગર ખાતે માન.પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીની વિશેષ ઉપસ્થિતિમાં બૂથ પ્રમુખ સંમેલન યોજાયું. આ પ્રસંગે વડોદરા લોકસભાના ઉમેદવારશ્રી ડૉ.હેમાંગભાઈ જોશીએ સ્વાગત પ્રવચન કર્યું હતું.
આ પ્રસંગે માન.પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ સંબોધન કરતાં જણાવ્યુ કે, કાર્યકર્તાઓ ઓછામાં ઓછા સમયમાં વધુ કામ કરે એવા મંત્ર સાથે ભારતીય જનતા પાર્ટી કામ કરે છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં તમે સૌ 156 સીટ જીત્યા તે બદલ સૌને અભિનંદન. આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની લોકપ્રિયતા અને ગુજરાત અને દેશના વિકાસ માટે મોદી સાહેબનું યોગદાન, લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે તેમની સક્ષમતા, બહેનો સુરક્ષિતતા અનુભવે છે માટે પહેલો જશ મોદી સાહેબને જાય છે. બીજો જશ આદરણીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબને કે જમણે આખી જિંદગી ગુજરાતને ખૂંદી વળ્યા અને ઉમેદવારોની પસંદગીમાં જેમનું ખૂબ મહત્વનુ સ્થાન છે એટલા માટે બીજો જશ આદરણીય અમિતભાઈ શાહ સાહેબને આપવો જોઈએ. ત્રીજો જશ ગુજરાતના મતદાતા ભાઈ બહેનોને જાય છે કે જમણે આપણી નાનીમોટી ભૂલોને માફ કરી અને મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે મત આપ્યા. 2022ની વિધાનસભાની ચૂંટણી પછી જ્યારે નેશનલ ટીવી ચેનલમાં વાત કરવાનો સમય મળ્યો ત્યારે કહ્યું હતું કે, મારી આંખમાં આંસુ દેખાતા નથી પરંતુ, હ્રદય મારુ રડે છે. 182નો સંકલ્પ હતો પણ ખૂબ ઓછા મતોની લીડથી માત્ર 26 સીટ જ હાર્યા હતા. અહી બેઠેલા તમામ ભાઈ બહેનો સંકલ્પ બદ્ધ છે અને આપેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે.
શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યુ કે, હું તો આજે અહિયાં બૂથ પ્રમુખોને જવાબદારી આપવા માટે આજે અહિયાં આવ્યો છું. તમામ બૂથ પ્રમુખ એ પોતાના બૂથના નેતા છે. તમારા બૂથમાં પ્રદેશ અધ્યક્ષ રહેતા હોય તો એ પણ તમારી નીચે આવે છે. બૂથ પ્રમુખ દ્વારા સોંપવામાં આવેલ કામ એ ધારાસભ્ય, સાંસદ, મંત્રી હોય કે પછી જીલ્લા પ્રમુખ હોય તેને સૂચન આપવામાં આવેલ કાર્ય કરવું પડે આ અધિકાર બૂથ પ્રમુખોને છે. આવતી કાલે સવારે બૂથ પ્રમુખે તેમના ઘરે 13 લોકોની બૂથ કમિટી છે તેની મિટિંગ બોલાવવાની છે. પેજ કમિટીની તાકાતને ઓછી નહીં આંકતા આ પેજ કમિટીથી આપણે રિઝલ્ટ મેળવ્યું એના કારણે આજે સમગ્ર દેશની અંદર દરેક રાજયમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પેજ કમિટી બનાવીને કામ કરી રહ્યો છે અને એ જ આપણું ગુજરાત મોડલ છે. તમારા વિસ્તારમાં કોઈ મતદાતા વિક્લાંગ હોય, કોઈની ઉંમર 85 થી વધારે હોય અને મતદાન કરવા જઈ શકે તેવી સ્થિતિમાં ના હોય તો તેમની વિગત જીલ્લા પ્રમુખને આપજો જેથી કરીને એમના મતદાન માટે કલેક્ટર એક અધિકારીની નિમણૂક કરીને અને તેમના ઘરે મતદાન કરાવવા જશે.
શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યુ કે, જ્યારે તમે લાભાર્થીના ઘરે જશો અને પૂછશો કે તમને મોદી સાહેબની યોજનાનો લાભ મળ્યો છે તો તુરંત જ જવાબ મળશે કે હું પાકા મકાનમાં રહી શકું છું તો એ આદરણીય મોદી સાહેબની બનાવેલી યોજનામાંથી લાભ મેળવીને રહું છું. તમે આયુષ્યમાન યોજનાના લાભાર્થીને મળશો અને પૂછશો કે તમને મોદી સાહેબની યોજનાનો લાભ મળ્યો તો તુરંત જ હસતાં મુખડે આશીર્વાદ સાથે જવાબ મળશે કે હા, 05 લાખનો ખર્ચ હતો અને પૂરેપુરું બિલ આયુષમાન યોજના અંતર્ગત મોદી સાહેબે ભર્યું છે. આપણાં ગુજરાતમાં આયુષ્યમાન યોજના અંતર્ગત કેન્દ્ર સરકારના 05 લાખ અને રાજ્યના આદરણીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 05 લાખનો વધારો કરી એમ કુલ 10 લાખ આ યોજના અંતર્ગત મળે છે. હું જ્યારે બોલ્યો હતો કે 182 જીતવાની છે, મારી પાસે કોઈ જાદુઇ લાકડી નહોતી મને મારા કાર્યકર્તાઓમાં વિશ્વાસ હતો, તમારી સંગઠન શક્તિમાં વિશ્વાસ હતો, તમે પાર્ટી માટે જે રીતે કમિટેડ છો એટલા માટે અમે 182 નો સંકલ્પ કર્યો હતો અને આજે પણ હું કહું છું કે, ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા રેકોર્ડ કરવા માટે સર્જાયેલો છે. આ વખતે 26 માંથી 26 સીટ જીતીશું અને દરેક સીટ પર 05 લાખથી વધારે લીડથી જીતીશું. તમે સંકલ્પ કરો કે મોદી સાહેબને જિતાડવાના છે, તેમના હાથ મજબૂત કરવાના છે તેમને 400 પાર લઈ જવાના છે. મારે રિઝલ્ટ જોઈએ છે અને રિઝલ્ટ તમે મને આપી શકો એવી તાકાત તમારા સૌ કાર્યકર્તાઓમાં છે. હું પ્રદેશ અધ્યક્ષ તરીકે આપ સૌને 04 જૂને વડોદરા લોકસભાના ઉમેદવારની વિજય યાત્રામાં જોડાવા માટે આમંત્રણ આપું છું.
આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઈ ઝડફિયા, લોકસભાના ક્લસ્ટર ઇન્ચાર્જ શ્રી પ્રદીપસિંહ જાડેજા,લોકસભાના પ્રભારીશ્રી ભરતસિંહ પરમાર, વડોદરા શહેર ના પ્રમુખશ્રી ડૉ વિજયભાઇ શાહ, વડોદરા જીલ્લા પ્રમુખ શ્રી સતિષભાઇ પટેલ, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, મુખ્ય દંડકશ્રી બાલકૃષ્ણભાઈ શુક્લા, લોકસભાના ઉમેદવારશ્રી હેમાંગભાઈ જોશી, લોકસભાના સંયોજકશ્રી ભુપેન્દ્રભાઈ લાખાવાલા, મેયર શ્રીમતી પિંકીબેન સોની, ધારાસભ્યશ્રીઓ શ્રી યોગેશભાઈ પટેલ, શ્રી મનીષાબેન વકીલ, શ્રી કેયૂરભાઈ રોકડિયા, શ્રી ચૈતન્યભાઈ દેસાઇ, શ્રી કેતનભાઈ ઇનામદાર, વિધાનસભાના ઉમેદવાર શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, શહેરના મહામંત્રીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, પૂર્વ મંત્રીશ્રીઓ, પૂર્વ સાંસદશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.