ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે ગાંધીનગર લોકસભાના લોકલાડીલા સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહના હસ્તે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં એએમસીના ૬૫૧ કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યના ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા.
કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહે નેતાજી સુભાષબાબુની જન્મજયંતી નિમિતે શ્રદ્ધાંજલિ પાઠવતા કહ્યું કે સુભાષચંદ્ર બોઝે બે સૂત્રો આપ્યા “ચલો દિલ્લી” અને “તુમ મુઝે ખુન દો, મે તુમ્હે આઝાદી દૂંગા” આ બે સૂત્રોએ આઝાદીના જંગમાં ભારતના બધા જુવાનીયાઓને જોમ ભરવાનું કામ કર્યું. કલકત્તાથી લઈ વાયા પાકિસ્તાન, અફઘાનિસ્તાન, રશિયા, સાયબેરીયા અને જર્મની સુધી અંગ્રેજોથી છુપા રહીને કરેલી યાત્રા અને આઝાદ હિન્દ ફોજની સ્થાપના એ યુગો યુગો સુધી ભારત ભૂલી નહીં શકે, ભારત માતાના એ મહાન સપૂતે પોતાનું સર્વસ્વ બલિદાન ભારત માતાની ગુલામીની જંજીરો તોડવા માટે આપ્યું હતું.
શ્રી શાહે વધુમાં જણાવ્યું કે, આ રાણીપના પ્રજાજનોએ પાંચ વાર ધારાસભ્ય અને બે વાર લોકસભાનો સદસ્ય ચૂંટ્યો. ઘણીવાર પૂછે કોઈ કે આ રાણીપ વાળા કંટાડતા નથી ત્યારે મારો જવાબ હતો કે, હું રાણીપથી નથી કંટાળ્યો અને રાણીપ વાળા મારાથી નથી કંટાડ્યા. ઘણા કાર્યો અધૂરા હતા પણ આજે રાણીપ, નારણપુરા, ચાંદલોડિયા અને ઘાટલોડિયાના મધ્યમ વર્ગના પરિવારના બાળકોને પરવડે તેવા એમ્યુઝમેન્ટ પાર્ક અને ખાણીપીણીનું મોટું બજાર શરૂ કરવા જઈ રહ્યા છીએ. જે જગ્યા પરથી રાણીપમાં મચ્છરો આવતા હતા એ જગ્યાથી હવે બાળકોના ખિલખિલાટ અને ખુશીના અવાજો રાણીપમાં ગુંજશે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રાજ્યની ભાજપા સરકારે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સાથે મળીને આજુબાજુના વિસ્તારોમાં કોન્ક્રીટ રોડ બનાવી દીધા છે. આનાથી રાણીપ ક્ષેત્રનો સંપૂર્ણ પરીદૃશી બદલાઈ જશે.
શ્રી શાહે વધુમાં જણાવ્યું કે, ચેનપુર અંડરપાસનું કામનું આજે લોકાર્પણનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. રાણીપ, ન્યુ રાણીપ, ચેનપુર, ડી-કેબિન મિનિટોમાં જોડાઈ જશે પાણી ન ભરાય તેવા અંડરપાસનું કાર્ય શ્રી ભુપેન્દ્રભાઇ પટેલની સરકારે કર્યું છે. તેઓએ કહ્યું કે ચાંદખેડામાં ફ્લોરાઈડ પાણીની સમસ્યા હતી તેને ઉકેલવા તે જમાનામાં જ રૂ. ૧૬૦૦ કરોડના ખર્ચે નર્મદાનું પાણી આવે તેવી વ્યવસ્થા કરી હતી. વસ્તી વધી, જળસંચય ઘટ્યા અને ફ્લોરાઈડ વધ્યો તેને નિયંત્રણમાં રાખવા માટે આજે જ ૩૫૦ સોસાયટીઓમાં વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટે ઊંડા કૂવા બનાવવાનું કામ શરૂ થયું છે. શ્રી શાહે આવનારી પેઢીની ચિંતા કરીને ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં પ્રત્યેક સોસાયટીમાં પર્કોટિંગ વેલ બનાવવા અપીલ પણ કરી હતી.
શ્રી શાહે સોલાર એનર્જીના ઉપયોગ પર ભાર આપતા કહ્યુંકે આદરણીય શ્રી નરેન્દ્રભાઇ મોદીજીએ પ્રધાનમંત્રી રૂફટોપ યોજના શરૂ કરી છે અને આ સરકારી યોજનામાં ૮૦ હજારની ગ્રાન્ટ અને બાકીની બેન્કની લોન પણ મળે છે. આ સોલર લગાવવાનું કામ દુનિયામાં કોઇ કરે કે ન કરે અમદાવાદીઓએ જરૂર કરવું જોઈએ. આપણે આપણો જ વિચાર કરીએ તો સમાજ ના ચાલે આપણે ભવિષ્યની પેઢીનો પણ વિચાર કરવો જોઈએ તેમ ટાંકીને પ્રત્યેક ઘર સોલાર રૂફ ટોપ સાથે સુસજ્જ બને તે માટે હિમાયત કરી હતી. આદરણીય નરેન્દ્રભાઇ મોદીજી હંમેશા ૨૫ વર્ષ પછીનું વિચારીને પ્લાનિંગ કરતાં હોય છે.
શ્રી શાહે કહ્યું કે આંગણવાડીમાં ભણતા બાળકો માટે દૂધ અને પૌષ્ટિક આહાર આપવાની વ્યવસ્થા શરૂ થઈ છે. તેઓએ નાગરિકોને આંગણવાડી દતક લેવા અનુરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે ગાંધીનગર લોકસભાની લગભગ ૩૦ ટકા આંગણવાડીઓને લોકોએ દત્તક લઈને આ યોજનાનો ખર્ચ ઉઠાવવાનું કાર્ય કર્યું છે. પરંતુ વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ આ તમામ ઉણપો આપણી ભાવિ પેઢીને ક્ષમતા વિહીન ન બનાવે તેના માટે આપણે કામ કરવાનું છે. આજે અનેક ભૂમિપૂજન અને લોકાર્પણના કાર્યક્રમો થયા છે.તેઓએ સૌ મતદાર ભાઈઓ બહેનો વતીથી ગુજરાત સરકાર અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજીનો આભાર વ્યક્ત કર્યો હતો. શ્રી શાહે જૂનો વાયદો પૂરો થવા પર અને જળસંચયનું કામ શરૂ થવા અંગે આનંદ વ્યક્ત કર્યો હતો.
અંતમાં શ્રી શાહે જણાવ્યું કે, અત્યારે પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે. આ મહાકુંભ ૧૪૪ વર્ષે આવે છે. તેઓએ આ અલભ્ય અવસરનો લાભ લેવા ઉપસ્થિત સૌને આગ્રહ કર્યોં હતો.
શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતાં જણાવ્યું કે, વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિકાસની રાજનીતિનો નવો ઇતિહાસ રચ્યો છે. તેમની દ્રઢ નિશ્ચયતા અને વિઝનરી નેતૃત્વના પરિણામે ૫૦૦ વર્ષ પછી અયોધ્યામાં રામમંદિર નિર્માણનું કરોડો દેશવાસીઓનું સપનું સાકાર થયું છે અને આ ઐતિહાસિક દિવસને ગત રોજ એક વર્ષ પૂર્ણ થયું છે. આજે સવારે જ અમદાવાદ ખાતે ભવ્ય હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું ઉદ્ઘાટન આદરણીયશ્રી અમિતભાઈ શાહના હસ્તે થયું છે. આદરણીય નરેન્દ્રભાઇ મોદી અને શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં વિરાસત પર ગૌરવ કરવાનો ભાવ અને વિકાસની રાજીનીતિ દેશભરમાં વિકસી છે આ અભૂતપૂર્વ વિકાસની અને ભારતની ભવ્ય વિરાસતની ચર્ચા વિશ્વભરમાં ચાલી રહી છે.
શ્રી પટેલે કહ્યું કે ગુજરાતને વડાપ્રધાનશ્રીની પ્રેરણા અને આદરણીય અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં વિરાસતની જાળવણીના કાર્યપથ પર વિકાસના કર્તવ્ય પથ પર નિરંતર અગ્રેસર રહ્યું છે. સાથે સાથે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદને વિકાસના એ કર્તવ્ય પથ ઉપર આધુનિક અને નવતર વિકાસના આયામો સાથે આદરણીયશ્રી અમિતભાઈ શાહ જોડી રહ્યા છે. સામાન્ય માનવીની સુવિધાઓ અને સુખાકારી “ઈઝ ઓફ લિવિંગ”ને કેન્દ્ર સ્થાને રાખીને નગરો અને મહાનગરોના વિકાસની પરંપરા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિકસાવી છે. આપણાં લોકલાડીલા સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે આ પરંપરા આગળ વધારી છે.
આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા, પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઈ પટેલ, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ડેપ્યુટી મેયરશ્રી જતિનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી દેવાંગભાઈ દાણી, શાસક પક્ષના નેતાશ્રી ગૌરાંગભાઈ, દંડકશ્રી શિતલબેન, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પ્રદેશના પદાધિકારીશ્રીઓ, લાભાર્થીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
