ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ઐતિહાસિક ભારત–અમેરિકા ટ્રેડ ડીલ માટે વૈશ્વિક નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવ્યા છે અને જણાવ્યું છે કે, આ કરાર ભારત અને અમેરિકાના સંબંધો માટે મહત્વપૂર્ણ છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નિર્ણયાત્મક નેતૃત્વ હેઠળ ભારત વૈશ્વિક મંચ પર તેની આર્થિક શક્તિ સાથે વધુ મજબૂત બનીને ઉભરી રહ્યું છે. આ ડીલથી ‘આત્મનિર્ભર ભારત‘ અને ‘મેક ઇન ઇન્ડિયા‘ અભિગમને વેગ મળશે, જેની સકારાત્મક અસર દૂરગામી હશે.
શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું કે, આ ટ્રેડ ડીલથી દરેક ભારતીય માટે નવા અવસરોના દ્વાર ખુલશે. આપણી અર્થવ્યવસ્થાને વધુ ગતિ આપનાર આ ડીલ માત્ર રોજગાર વધારશે એટલું જ નહીં પરંતુ 2047 સુધી દરેક ક્ષેત્રમાં ભારતને અગ્રણી બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ ટ્રેડ ડીલથી MSME, એન્જિનિયરિંગ, ટેક્સટાઇલ અને મરીન ક્ષેત્ર સહિત તમામ સેક્ટરને મહત્વપૂર્ણ લાભ થશે. આ ડીલથી ‘મેક ઇન ઇન્ડિયા ફોર ધ વર્લ્ડ‘ અને ‘ડિઝાઇનડ ઈન ઇન્ડિયા ફોર ધ વર્લ્ડ‘ મંત્ર સાચા અર્થમાં સાકાર થશે. આપણે ગર્વથી કહી શકીએ છીએ કે આ એક લેન્ડમાર્ક ડીલ છે.
તેઓએ વધુમાં કહ્યું કે, આ ડીલ દ્વારા અમેરિકા દ્વારા ભારતીય ઉત્પાદનો માટે ટેરિફ ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે, જેના કારણે ભારતીય નિકાસને વેગ મળવાની અપેક્ષા છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા કૃષિ અને ડેરી સેક્ટરના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે અને આ કરારમાં ભારતની અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા સંવેદનશીલ ક્ષેત્રો કૃષિ અને ડેરીને સુરક્ષિત રાખવામાં આવ્યા છે. વિશ્વ ભારતની આશાવાદથી આગળ વધી રહ્યું છે. ભારતની આજની પ્રગતિ આર્થિક બાબતમાં વિશ્વ સ્તરે મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે, જે ‘મેક ઇન ઇન્ડિયા‘ ના વધતા વૈશ્વિક વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.
