ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજ રોજ કર્ણાવતી મહાનગર દ્વારા આયોજિત નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીનો ભવ્ય અભિવાદન સમારોહ કર્ણાવતી રિવરફ્રન્ટ ખાતે યોજાયો. આ કાર્યક્રમ પહેલા રિવરફ્રન્ટ ખાતેથી કાર્યક્રમ સ્થળ સુઘી બાઇક રેલી સ્વરૂપે કાર્યકર્તાઓ સાથે પઘાર્યા હતા ત્યાર બાદ સાઘુ–સંતોના આશિર્વાદ મેળવ્યા હતા.આ કાર્યક્રમમાં કર્ણાવતી શહેર પ્રમુખશ્રી પ્રેરકભાઇ શાહ તેમજ સાંસદશ્રી હસમુખભાઇ પટેલે સ્વાગત પ્રવચન કર્યુ હતું. કાર્યક્રમમાં કર્ણાવતી શહેરના વિવિઘ હોદ્દેદારશ્રીઓએ પ્રદેશ અધ્યક્ષશ્રીને ચોપડા અને પુસ્તક આપી સ્વાગત કર્યુ હતું.
કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ કાર્યકર્તામાં ઉર્જાનો સંચારરૂપી સંબોધન કરતા પહેલા સાંઘુ–સંતોને વંદન કરતા જણાવ્યું કે, કર્ણાવતી મહાનગરનો સામાન્ય કાર્યકર્તા બુથમાં કામ કરતા કરતા પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી મળી હોય તે નાની વાત નથી,બુથના કાર્યકર્તાથી લઇ પ્રદેશ અધ્યક્ષ સુઘીની સફરમાં સાથ સહકાર આપનાર કાર્યકર્તાઓને વંદન.આજે ગુજરાત રાજયનુ નવુ મંત્રીમંડળ બનાવવામાં આવ્યું છે જેમાં 26 ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે મંત્રીમંડળમાં તમામ સમાજ–જ્ઞાતિ અને ઝોનમાંથી મંત્રી તરીકેની પસંદગી કરવામાં આવી છે. કર્ણાવતી મહાનગરમાં આપણી વચ્ચે કામ કરતા કાર્યકર્તા બહેન શ્રી દર્શાનાબેન વાઘેલાને પણ આજે ભુપેન્દ્રભાઇ પટેલ સાહેબની સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે જવાબદારી મળી છે તે બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન. અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટિમાં સ્થાન મળ્યુ હોય તે વાતનું ગૌરવ આપણને સૌને હોય અને હેરિટેજ સિટિને આજે દેશ–વિદેશના લોકો નિહાળવા આવે છે તે બદલ કોર્પોરેશનની ટીમને પણ અભિનંદન. ભારતીય જનતા પાર્ટીની ખાસિયત છે કે રાષ્ટ્રીય કે પ્રદેશ કક્ષાનું કોઇ નેતૃત્વ જ્યારે કાર્યકર્તાઓની વચ્ચે આવે ત્યારે તેમને આવકારવા કાર્યકર્તાઓમાં અલગ પ્રકારનો થનગનાટ જોવા મળે છે.
શ્રી જગદીશભાઇએ વધુમાં જણાવ્યું કે, મારા માટે આનંદની વાત છે કે આજે શ્રી હરિભાઇ,શ્રી ગોરઘનભાઇ સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ કેજેમણે કર્ણાવતી મહાનગરની આગવી ઓળખ રાષ્ટ્રીયકક્ષા સુઘી પહોંચાડવા સફળ પ્રયાસ કર્યો છે તેવા ઘણા વરિષ્ઠ કાર્યકર્તાઓ આજે અંહી ઉપસ્થિત છે. ગુજરાતને જેટલા મુખ્યમંત્રી મળ્યા તેમાથી ત્રણ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી, શ્રી આનંદીબેન પટેલ તેમજ શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ મુળ અમદાવાદના કાર્યકર્તામાથી બન્યા છે તે નાની વાત નથી આ ઐતિહાસિક વાત છે. અમદાવાદમાં વિવિધ વિકાસના કાર્યોની યાદ અને જાણીતી ખાણીપીણીને વાતોનું સ્મરણ કરી અમદાવાદની ઓળખ શું છે તેની માહિતી આપી.આજે સવારે હજારો કાર્યકર્તાઓ શપથ વિઘિમાં હતા ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજીએ કહ્યુ હતું કે, મોટી સંખ્યામાં શપથ વિઘિ થાય તે પ્રથા દેશમાં કોઇએ શરૂ કરી હોય તો તે આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કરી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની શિસ્તતા છે કે એક પણ ઘારાસભ્યએ મંત્રી કે કોઇ પદ માટે ભલામણ નથી કરી, મને આજે પ્રદેશ અધ્યક્ષ તરીકે ગર્વ થયો કે મારા એક પણ ધારાસભ્યોએ ફોન નથી કર્યો કે મંત્રીમંડળ કયારે જાહેર થશે. મને મારા કાર્યકર્તાઓ પર ભરોસો અને વિશ્વાસ છે, મંત્રીમંડળમા નામ જાહેર થયા હોવા છતા જેમને તક મળી નથી તેવા કાર્યકર્તાઓ પણ હસતા મોઢે ફરી જનસેવાના કાર્યમાં જોડાઇ ગયા છે.
શ્રી જગદીશભાઇએ ઓપરેશન સિંદુર વિષે વાત કરતા જણાવ્યું કે, જમ્મુ–કાશ્મિરમાં પહલગામમાં આતંકી હુમલા પછી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે જે રીતે આતંકીઓ સામે કાર્યવાહી કરી 22 મીનીટમાં આંતકીઓનો સફાયો કર્યો અને માતા–બહેનોના સિંદુરનો બદલો આપણી સેનાએ લીધો તેનો ગર્વ છે. વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ભારતીય સેનાને આંતકીઓ સામે કાર્યવાહી કરવા તમામ પ્રકારની છુટ આપી હતી અને કહ્યુ હતું કે જેમણે મારી માતા–બહેનોના સિંદુરને ભુસવાનુ પાપ કર્યુ છે તેમણે જડબાતોડ જવાબ આપવામાં આવે અને 22 મીનીટમાં આંતકીઓના સેન્ટરનો નાશ કરી ફરી આંતકી હુમલો કરવાની ભુલ ન કરે તેવો પાઠ ભણાવ્યો છે, તેનું આજે દેશવાસીઓને ગૌરવ છે. આજે ભારતનો નાગરિક કોઇ પણ દેશમાં જાય તો ઓન એરાઇવલ વિઝા આપવાનું કામ વિદેશના દેશોએ કર્યુ છે જેમા અંદાજે 65 જેટલા દેશો આજે ઓન આરાઇવલ વિઝા આપે છે આનો શ્રેય આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને જાય છે. દેશના વડાપ્રધાનશ્રીએ 24 વર્ષમાં જે જે વિકાસના કાર્યો કર્યા છે તેમાં અંત્યોદયની વિચારઘારાને આઘીન કાર્યો કર્યા છે અને 25 કરોડ કરતા વઘુ લોકોને ગરિબિ રેખાથી ઉપર લઇ જવાનું કાર્ય કર્યુ છે.
શ્રી જગદીશભાઇએ આત્મિનિર્ભર ભારત અંગે જણાવતા વધુમાં કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે આપણને આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશીનો સંકલ્પ આપ્યો છે. આપણે એવી જ વસ્તુ ખરીદીએ કે જેની બનાવટમાં ભારતના કારીગરોનો પરિશ્રમ હોય. દિવાળીનો તહેવાર હોય કે લગ્ન પ્રસંગમાં આપણે સ્વદેશી વસ્તુઓ ખરીદીએ. સ્વદેશી વસ્તુની ખરીદીમાં જો આપણે એક ડગલું ચાલીએ તો દેશના 140 કરોડો લોકોના પરિણામે દેશ ખૂબ આગળ જશે. આંતકવાદીઓ સામેની લડાઇમાં સ્વદેશી બનાવટની વસ્તુથી જ આપણે આંતકીઓનો સફાયો કરવામાં સફળતા મેળવી છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ફકત ચૂંટણી જીતવા માટે નહી, ચૂંટણી સમયે બુથમા બેસવા માટે નહી પરંતુ જનસેવાકીય કાર્યો માટે હરહમેશ કાર્યરત રહે છે. પદ પ્રતિષ્ઠા માટે નથી પરંતુ વ્યવસ્થા માટે છે. કાર્યકર્તા એટલે ભાજપનું કમળ..મારા કારણે નહી કાર્યકર્તાઓના કારણે પદ શોભે છે. આપણુ સમર્પણ ભારત માતાને,દેશના નાગરિકોને,દેશના બંઘારણ માટે છે.
આ કાર્યક્રમમાં પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરઘનભાઇ ઝડફીયા, કર્ણાવતી શહેરના પ્રમુખશ્રી પ્રેરકભાઇ શાહ, મહાનગરના પ્રભારીશ્રી સંજયભાઇ પટેલ, કર્ણાવતી શહેરના મેયરશ્રી પ્રતિભાબેન જૈન, પ્રદેશ કોષાધ્યક્ષશ્રી સુરેન્દ્ર કાકા, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પ્રદેશ–જિલ્લાના વિવિઘ હોદ્દેદારશ્રીઓ, સાઘુ–સંતો ઉપસ્થિત રહ્યા હતા.
