કલોલ તાલુકાના પાનસર ખાતે પ્રજાલક્ષી વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરતા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ

અમદાવાદ

ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પાનસર ગામે વાવ તળાવના રૂ.૩.૫૦ કરોડથી વધુ નવીનીકરણના કામનું લોકાર્પણ કર્યું હતું તેમજ મતવિસ્તારમાં રૂ. ૩૫૮.૯૫ લાખના પેવર બ્લોક, પાણી અને ગટરલાઇન, સી.સી રોડ, સરંક્ષણ દીવાલ, સ્મશાનના કામો તેમજ કપિલેશ્વર લેકના રીડેવલપમેન્ટ સહિત કુલ ૪૫ પ્રજાલક્ષી વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. શ્રી અમિતભાઈ શાહે બ્યુટીફિકેશન કરાયેલા તળાવ અને ઉદ્યાનનું નિરીક્ષણ કર્યું હતું તેમજ શ્રી બાબા રામદેવજી મહારાજના મંદિરે દર્શન કર્યા હતા અને તેમના સ્વાગત માટે પધારેલ ગ્રામજનોનું અભિવાદન ઝીલ્યું હતું.

આ તકે સંબોધન કરતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, આપના આશીર્વાદથી સંસદસભ્ય તરીકે ચુંટાયા બાદ છેલ્લા પાંચ વર્ષમાં પાનસર ગામે રૂ.૧૪ કરોડ ૫૮ લાખના ખર્ચે ડ્રેનેજ, પેવર બ્લોક, સ્ટ્રીટ લાઈટ, પીવાના પાણી, ગાર્ડન, તળાવ, વરસાદી પાણી સંગ્રહ, સ્મશાન, ઘન કચરાના નિકાલ, શાળા અને આંગણવાડીના વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો સહિત ૮૬ વિકાસના કાર્યો પૂર્ણ થયા છે.
શ્રી શાહે વાવ તળાવ આસપાસ રોપાયેલા ૧૨૦૦ જેટલા વૃક્ષોને ઘટાદાર બનાવવા પાનસર ગામના યુવાઓને અપીલ કરી હતી તેમજ સૌના સહિયારા પ્રયત્નો થકી આગામી સમયમાં તળાવ બાળકોને રમવા, કસરત કરવા સહિતની પ્રવૃત્તિઓનું તેમજ ગામની સાંસ્કૃતિક ગતિવિધિઓનું કેન્દ્ર બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

શ્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે, ૫૫૦ વર્ષથી દેશની કરોડો જનતાની અયોધ્યામાં પ્રભુ શ્રી રામનો જન્મ થયો તે સ્થળે ભવ્ય મંદિર બને તેવી ઈચ્છા હતી. પરંતુ તે કાર્ય અટકેલું હતું. દેશની જનતાએ આશીર્વાદ આપી ૨૦૧૯ માં શ્રી નરેન્દ્રભાઇ મોદીને ફરી પ્રધાનમંત્રી બનાવ્યા અને આતુરતાનો અંત આવ્યો. ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ શ્રી રામલલ્લાના જન્મસ્થાને નિર્માણ પામેલ ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવાની છે ત્યારે ગાંધીનગરનું કોઈપણ ગામ એવું ન રહે કે જ્યાં મંદિરમાં શંખનાદ, ઘંટનાદ, ઝાલર ન વાગે કે જય શ્રી રામ નો નારો ન ગુંજે. ૨૨ જાન્યુઆરી આપણા સૌ માટે ગૌરવનો દિવસ છે, આપણે સૌ નિર્ધારિત સમયે પ્રભુ શ્રી રામના ભવ્ય મંદિરમાં પ્રવેશવાના ઉત્સવને ભવ્ય રીતે ઉજવવાનું કામ કરીએ અને તેમાં સમગ્ર દેશની સાથે ગાંધીનગર અને કલોલ તાલુકો પણ ઉત્સાહપૂર્વક જોડાશે તેવો મને વિશ્વાસ છે.

શ્રી શાહે જણાવ્યું હતું કે, જૂના દેરાસરોમાનું એક દેરાસર પાનસરમાં છે અને પાનસરના જૈન શ્રેષ્ઠીઓથી ઉદાહરણ લેવા જેવું ગામ છે. અહીં પ્રભાતફેરી મંડળ બારે માસ ચકલાઓના ચણ માટે દાણાની વ્યવસ્થા કરે છે તેમજ અહીં વૃક્ષારોપણની ચિંતા કરતું મંડળ પણ કાર્યરત છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરી છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની વિકસિત ભારતની કલ્પના એટલે રોડ- રસ્તા, ઓવરબ્રિજ, મજબૂત સુરક્ષા વ્યવસ્થા, વૈજ્ઞાનિક ક્ષેત્રે સિદ્ધિઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ જ નહી, તેની સાથે સાથે દેશના દરેક નાગરિકને ઘર નું ઘર, નલ સે જલ, શૌચાલય, વીજળી, ગેસ સિલિન્ડર, ગરીબ પરિવારને પ્રત્યેક માસ વ્યક્તિ દીઠ ૫ કિલો મફત અનાજ, રૂ.૫ લાખ સુધીની મફત સારવાર મળે, નવી પેઢી ભણે, કામ કરે અને સર્વેના સહિયારા પ્રયાસોથી મહાન ભારતના નિર્માણની કલ્પના. શ્રી શાહે ૨૦૨૪ માં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને આશીર્વાદ આપી ફરી વખત પ્રધાનમંત્રી બનાવવા જનતાને અપીલ કરી હતી.

શ્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ગાંધીનગરમાં ૪ તાલુકાઓની ૧૪૩ પંચાયતોમાં રથે પરિભ્રમણ કર્યું છે જેમાં ૮૦,૦૦૦ થી વધુ નાગરિકો જોડાયા છે, અંદાજિત ૬૧,૦૦૦ થી વધુ નાગરિકોએ ટી.બી ની ચકાસણી કરાવી છે, ૫૭૮ નવા લાભાર્થીઓને ઉજ્જવલા યોજનાનો, ૩૦૦ને આવાસ યોજનાનો લાભ યાત્રા દરમિયાન મેળવ્યો છે. અનેક ગામોમાં આપણે ૧૦૦% ઘરોમાં નથી પાણી આપવાની વ્યવસ્થા પૂર્ણ કરી છે તે આનંદની વાત છે. વધુ પડતા રાસાયણિક ખાતરનો ઉપયોગ અટકાવી ગાંધીનગરના વિવિધ ગામોમાં રાસાયણિક ખાતર વગરના અનાજ અને રોગ વગરના શરીરની સંકલ્પનાને સાકાર કરવા માટે પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ ફેલાઈ છે. માનવ શરીરમાં અનેક રોગોના મૂળનું કારણ રાસાયણિક ખાતરનો અધિક ઉપયોગ છે. ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વર્ષો પુરાણી પ્રાકૃતિક ખેતીની વ્યવસ્થાને પુનર્જીવિત કરી છે. શ્રી શાહે પાનસર ગામના સૌ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરી હતી.

શ્રી શાહે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનાઆ લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કર્યા હતાં. આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી લક્ષ્મણજી ઠાકોર(બકાજી), જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, જિલ્લા ભાજપા અધ્યક્ષશ્રી અનિલભાઈ પટેલ, ગુજકોમાસોલના વાઇસ ચેરમેન અને ભાજપા સહકાર સેલના પ્રમુખશ્રી બીપીનભાઈ પટેલ, JSW ગ્રુપનાશ્રી નરેશ લાલવાણી, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, સરપંચ, જિલ્લા વહીવટી તંત્રના સબંધિત અધિકારીગણ, જિલ્લા ભાજપ સંગઠનના પદાધિકારીઓ, ચુંટાયેલા સભ્યો, સિનિયર અગ્રણીશ્રીઓ તથા વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *