ગાંધીનગર ખાતે ૫૦ માં અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન અધિવેશનનો શુભારંભ કરાવતા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ

અમદાવાદ

ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં પોલીસ અનુસંધાન અને વિકાસ બ્યુરો તેમજ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા આયોજિત ૫૦ માં અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન અધિવેશન અને સ્વર્ણ જયંતિ મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં છેલ્લા ૧૦ વર્ષમાં ભારત દરેક ક્ષેત્રમાં વિશ્વનું નેતૃત્વ કરવા માટે આગળ વધી રહ્યું છે. અર્થતંત્ર, ટેકનોલોજી, સુરક્ષા, શિક્ષા, રિસર્ચ અને ડેવલપમેંટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્યાપાર સહિતના ક્ષેત્રોમાં ભારતે આ દસ વર્ષમાં અગાઉના દશકાઓની કમીઓને પૂરી કરી આશ્ચર્યજનક સફળતા પ્રાપ્ત કરી છે. શ્રી મોદીજીના નેતૃત્વમાં ભારતીય અર્થતંત્ર વિશ્વમાં ૧૧ મા ક્રમાંકથી પાંચમા ક્રમાંકે આવ્યું છે અને એપ્રિલ ૨૦૨૮ પહેલા ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે.

શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, ૫૦ માં અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન અધિવેશનમાં આઠ સત્રોમાં ન્યાયપ્રણાલી વધુ સુદ્રઢ બનાવવા નવા અપરાધિક કાનૂન, ફોરેન્સિક સાયન્સનો ઉપયોગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, બ્લોક ચેઇન ટેકનોલોજીનો ઉપયોગ, સાયબર ક્રાઇમ, સ્માર્ટ સિટી અને આદિવાસી ક્ષેત્રોમાં પોલીસીંગ, જેલમાંથી કટ્ટરવાદથી નિપટવાના ઉપાય સહિતની બાબતો અંગે વિગતવાર પરિણામલક્ષી કાર્ય થવાનું છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ભારતની આંતરિક સુરક્ષા અને અપરાધિક ન્યાય પ્રણાલીમાં આમૂલચૂર પરિવર્તન થયું છે. આવનારા દસ વર્ષ ભારતની ક્રિમીનલ જસ્ટિસ સિસ્ટમને વિશ્વની સૌથી આધુનિક, વૈજ્ઞાનિક અને તેજ બનાવવાનો સમય છે. જો તુલનાત્મક અભ્યાસ કરીએ તો છેલ્લા ૧૦ વર્ષમાં શ્રી મોદીજીના નેતૃત્વમાં કાશ્મીર, ઉત્તર પૂર્વી ભાગો અને નક્સલવાદ પીડિત ક્ષેત્રોમાં હિંસામાં ૭૦% ઓછી કરવામાં સફળતા મળી છે. નાર્કોટિક ક્ષેત્રમાં છેલ્લા ૧૦ વર્ષમાં ૫,૪૫,૦૦૦ કિગ્રા જપ્તી કરાઈ છે જે આગળના ૧૦ વર્ષથી ૬ ગણું વધુ છે જે જપ્તીની કામગીરી વૈજ્ઞાનિક અને સુદ્રઢ રીતે થઈ રહી છે તેનું પરિણામ છે.

શ્રી શાહે કહ્યું કે, આપણા દેશમાં ૧૫૦ વર્ષ જૂના કાયદાઓ અંગ્રેજોએ સરકાર બચાવવા બનાવ્યા હતા, તેમના ઉદેશ્યમાં નાગરિક કેન્દ્રસ્થાને ન હતો. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં નાગરિકની સુરક્ષા અને અધિકારોને કેન્દ્રમાં રાખી ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ લાવવામાં આવ્યા છે. કાયદાઓની જાહેરાત પહેલાં ૪ વર્ષ ગૃહ મંત્રાલય દ્વારા પૃષ્ઠભૂમિ તૈયાર કરી, વિવિધ મિસિંગ લિંક જોડવામાં આવી અને ન્યાય પ્રણાલી ઝડપી અને વધુ પરિણામલક્ષી બને તેના પર ભાર મૂકી નવા કાયદાઓ બનાવાયા છે.

શ્રી શાહે જણાવ્યું હતું કે, સાયબર ફ્રોડ, અવૈધ ઘુસપેઠ, ડ્રોનના ગેરકાયદેસર ઉપયોગને અટકાવવા, નાર્કોટિક્સના ઇન્વેસ્ટીગેશનમાં જાગરૂકતા અને ડાર્કનેટના દુરુપયોગને અટકાવવા માટે કામગીરી કરાઈ રહી છે. ડિજીટલાઇઝેશન અને ઇ- સ્ટોરેજના માધ્યમથી ૨૨ હજાર કોર્ટ, ૨ કરોડ કેદીઓ નો ડેટા,૧ કરોડ ૫૦ લાખથી વધુ ઇ- પ્રોસીક્યુશન ડેટા, ૨૨ લાખથી વધુ ફોરેન્સિક રિઝલ્ટ, ૧ કરોડ ૬ લાખથી વધુ ફિંગરપ્રિન્ટ, ૭.૬ લાખ નાર્કો ઓફેન્ડર, ૧ લાખ હ્યુમન ટ્રાફિકિંગ ઓફેન્ડરનો ડેટા સ્ટોર કરવામાં આવ્યો છે.

શ્રી શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિવિધ આર્થિક રિફોર્મ્સ, જીએસટી, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, મેક ઇન ઇન્ડિયા, વિવિધ સોશિયલ રિફોર્મ્સ, ૬૦ કરોડ લોકોના જીવનસ્તર ઉપર લાવવા, ૫૦ કરોડ નાગરિકોની ગરીબીમાંથી બહાર લાવવા,યુવાઓ માટે નવી શિક્ષણનીતિ, સ્ટાર્ટ અપ, સ્કીલ ડેવલોપમેન્ટ અને ટ્રેનિંગ તેમજ રિસર્ચ અને ડેવલપમેન્ટ સહિતના કાર્યો કર્યા છે. શ્રી મોદીજીએ માતૃશક્તિને ૩૩% રિઝર્વેશન આપી સહભાગીતાનો અવસર આપ્યો છે. કોરોના સંકટમાં વિકસિત દેશો સહિત વિશ્વએ સ્વીકાર્યું કે ૧૪૦ કરોડની આબાદી સાથે ભારતે ઓછામાં ઓછા નુકસાન સાથે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કોવિડ સામે મક્કમતાથી મુકાબલો કર્યો

આ તકે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ આઝાદીના અમૃતકાળમાં દેશ વિકાસના નવા આયામો હાંસલ કરી રહ્યો છે. આઝાદીના શતાબ્દી વર્ષ ૨૦૪૭માં દેશને પ્રત્યેક ક્ષેત્રમાં સર્વપ્રથમ, સક્ષમ અને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પ સાથે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી કાર્યરત છે. આત્મનિર્ભર અને વિકસિત ભારત માટે મજબૂત સીમા સુરક્ષા અને આંતરિક કાનૂનવ્યવસ્થા મજબૂત હોવી એ પહેલી શરત છે. આપણા માટે ગૌરવપૂર્ણ બાબત છે કે, દેશના કર્મઠ ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ આ દાયિત્વને નિષ્ઠાથી નિભાવી રહ્યાં છે.

શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, પોલીસીંગ અને ઇન્વેસ્ટીગેશનના મોર્ડનાઈઝેશન સાથે સમય અનુરૂપ ન્યાયસંગત કાનૂનવ્યવસ્થાની આવશ્યકતા હતી જે ભારતીય દંડ સંહિતાના રૂપમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનથી મળી છે. ટેકનોલોજીના ઉપયોગ સાથે ભારતની ન્યાયપ્રણાલી વિશ્વની સૌથી આધુનિક ન્યાયપ્રણાલી બને તે દિશામાં કાર્ય થઈ રહ્યું છે.

આજના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય ગૃહ સચિવશ્રી ગોવિંદ મોહન, બી.પી.આર.એન.ડી ના ડી.જી શ્રી રાજીવ કુમાર શર્મા, ગુજરાતના પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સહાય, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. બિમલભાઈ પટેલ, બી.પી.આર.એન.ડી ના એડિશનલ ડી.જી શ્રી. રવિ જોસેફ લોક્કુ સહિત અન્ય સબંધિત અધિકારીગણ અને આમંત્રિત પ્રતિભાગીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *