ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહે ગાંધીનગર જન મહોત્સવ અંતર્ગત સાંસદ ખેલકૂદ સ્પર્ધા અને સાંસદ સાંસ્કૃતિક મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. રેલવે ગ્રાઉન્ડ, સાબરમતી ખાતે આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ; યુવા, રમતગમત, સાંસ્કૃતિક અને ગૃહ વિભાગના મંત્રીશ્રી હર્ષ સંઘવી, મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ધારાસભ્યશ્રીઓ, સંગઠનના પદાધિકારીઓ, અગ્રણીશ્રીઓ, રમતગમત ક્ષેત્રે ગુજરાતનું નામ રોશન કરનાર ખેલવીરો તેમજ વિશાળ સંખ્યામાં બાળકો, કિશોર, કિશોરીઓ, યુવાન, યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, સૌના પ્રિય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રત્યેક સંસદસભ્યને તેમના મતક્ષેત્રોમાં ખેલ મહોત્સવનું આયોજન કરવા માટે આહ્વાન કર્યું છે જેના અનુસંધાને ગાંધીનગર લોકસભાની સાતેય વિધાનસભાઓમાં ખેલો ગાંધીનગર અંતર્ગત ૩૯થી વધુ રમતો માટે ૧.૬૦ લાખથી વધુ અને સાંસદ સાંસ્કૃતિક મહોત્સવમાં ૨૦થી સ્પર્ધાઓ માટે ૧૫ હજાર સહિત કુલ મળીને ૧.૭૫ લાખથી વધુ રજીસ્ટ્રેશન થયા છે ત્યારે રજીસ્ટ્રેશન કરાવનાર પ્રત્યેક બાળકો, કિશોર- કિશોરીઓ, યુવક- યુવતીઓને શ્રી શાસ અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ કહ્યું કે આગામી સમયમાં ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન થશે જેમાં અંદાજિત ૪૨ હજાર જેટલા યુવાનો જોડાશે. આંગણવાડીમાં જતા ગરીબ વર્ગના બાળકો માટે મનોરંજન પ્રવાસ તેમજ લાભાર્થી પર્વના માધ્યમથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓમાં કોઈ લાભાર્થી બાકી ન રહી જાય તે મુજબનું કામ જન મહોત્સવ હેઠળ કરવામાં આવશે.
શ્રી અમિતભાઈ શાહે યુવાનોને ટાંકીને જણાવ્યું હતું કે, જીવન અનેક પ્રકારની ઊંચાઈ નીચાઈ તેમજ ખાડાઓથી ભરેલું છે, સફળતાપૂર્વક પાર કરવા માટે હાર સ્વીકારવાની આદત અને જીત મેળવવાનું ઝનૂન રાખવું પડે. યુવાનોમાં રમતગમત ન કેવળ શરીરને મજબૂત કરે છે પણ સ્પોર્ટ્સમેનસ્પિરિટના ગુણનું ઘડતર કરે છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ મજબૂત ભારતની રચના માટે મજબૂત યુવાનોના કન્સેપ્ટ સાથે ખેલો ઇન્ડિયાની કલ્પના મૂકી છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી રાજનીતિનું શુદ્ધિકરણ અને ખેલનું સુદ્રઢીકરણ કરી રહ્યા છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી ખેલો ઇન્ડિયા અને અમૃત મહોત્સવના માધ્યમથી દેશના ખૂણે ખૂણાના ખેલાડીઓને પોતાનું ટેલેન્ટ પ્રદર્શિત કરવા મંચ પૂરો પાડી રહ્યા છે. આઝાદીના શતાબ્દી વર્ષ ૨૦૪૭ વખતે ઓલમ્પિકની ટેલીમાં સૌથી વધુ મેડલ સાથે ભારત પ્રથમ આવે તે દિશામાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી કાર્ય કરી રહ્યા છે.
શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ રમત ગમત ક્ષેત્રે ગુજરાત પછાત છે તેનું મેણું ભાંગવા માટે શરૂઆતથી જ સુદ્રઢીત પ્રયાસો કર્યા જેના કારણે ગુજરાત આજે રમતગમતના નકશા પર ગુજરાત અગ્રીમ પંક્તિમાં ઊભું છે, ગુજરાતના અનેક ખેલાડીઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિવિધ રમતોમાં ગુજરાતનું અને દેશનું નામ રોશન કર્યું છે. ગુજરાતમાં ૨૦૦૬ માં શક્તિદૂત યોજના શરૂ થઈ અને પ્રતિભાશાળી ખેલાડીઓની આઈડેન્ટિફિકેશનની પ્રક્રિયા શરૂ થઈ. ૩૬મો રાષ્ટ્રીય ખેલ મહોત્સવ ગુજરાતમાં આયોજિત કરાયો ત્યારે ગુજરાતમાં ૩ ખેલ પરિસર હતા આજે ૨૨ જિલ્લામાં સંપૂર્ણ સુવિધા યુક્ત ૨૪ ખેલ પરિસર કાર્યરત છે જે બનાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે રમતગમતનું બજેટ ₹૨૯૩ કરોડનું કર્યું છે.
શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, આજે દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાતમાં બન્યું છે. વર્ષ ૨૦૩૬નું ઓલમ્પિક નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે આકાર પામનાર વિશ્વના સૌથી મોટા સરદાર પટેલ સ્પોર્ટ્સ એંકલેવમાં યોજાશે તેવો આશાવાદ શ્રી શાહે વ્યક્ત કર્યો હતો. સરદાર પટેલ સ્પોર્ટ્સ એંકલેવ માટે રૂ.૪૬૦૦ કરોડ તેમજ નારણપુરા સ્પોર્ટ કોમ્પ્લેક્સ માટે રૂ.૬૦૦ કરોડની ફાળવણી કરાઈ છે. 2019 ની નેશનલ સ્કૂલ ગેમ્સમાં ૫૧ સુવર્ણ પદક અને કુલ ૩૧૦ પદક જીતી ગુજરાતે રાષ્ટ્રીય સ્તર પર પરચો આપ્યો છે. વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩ સ્કૂલ ગેમ્સમાં પણ ગુજરાતી નોંધપાત્ર દેખાવ કર્યો છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય સ્તરે ટ્રેનિંગ તેમજ કોચની તેમજ રૂ.૫૦,૦૦૦ સુધી ખેલાડીઓને સ્ટાઈપેન્ડ આપવાની પહેલ કરી છે. ખેલાડીઓ કોર ડેવલપમેન્ટ હેઠળ ટ્રેનિંગ મેળવી ભવિષ્યમાં ઓલમ્પિકમાં વધુમાં વધુ સુવર્ણપદ જીતવાની તૈયારી કરી રહ્યા છે.
શ્રી શાહે જણાવ્યું હતું કે, કોઈપણ સ્પર્ધામાં હારથી નિરાશ ન થવું અને જીતથી અહંકારી ન થવું. જીવનમાં આગળ વધવાનું કોઈ પૂર્ણવિરામ નથી હોતું. દરેક મુકામ થી આગળ એક નવો મુકામ હોય છે તે લક્ષ્ય સાથે આગળ વધવું જોઈએ. પ્રત્યેક રમતવીર તેનું લક્ષ્ય ઊંચું રાખીને નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ અને ઓલમ્પિકનું મેડલ ભારતમાતાના નામે કરવાનું ધ્યેય રાખે.
રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે સાબિત કરી બતાવ્યું છે કે આ વાયદાઓની નહીં નક્કર ઇરાદાઓથી વિકાસ કામ પૂર્ણ કરનારી સરકાર છે, ડ્રીમ થી ડીલીવરી સુધીની જવાબદારી લેનારી સરકાર છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેલો ઇન્ડિયા તેમજ સાંસદ ખેલ સ્પર્ધાની પ્રેરણા આપી છે. જેનાથી યુવાઓને પોતાની ખેલ પ્રતિભા દર્શાવવાનું પ્લેટફોર્મ મળી રહ્યું છે તેમજ સંસ્કૃતિના વિસરતા જતા પાસાઓ જીવંત રાખવાની પ્રણાલી સાંસ્કૃતિક મહોત્સવ થકી વિકસશે ઉપરાંત અનેક કલાકારોની કલાવૃત્તિને બળ મળશે.