ગાંધીનગર જિલ્લા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે જિલ્લા ભાજપા પ્રભારી શ્રી અશોકભાઈ ચૌધરી અને જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી અનિલભાઈ પટેલના નેતૃત્વમાં ગાંધીનગર જિલ્લાની તાલુકા પંચાયતની તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સંપૂર્ણ કોંગ્રેસ મુક્ત બની છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર જિલ્લામાં સમાવિષ્ટ દહેગામ, માણસા અને ગાંધીનગર તાલુકા પંચાયત, કલોલ, માણસા અને દહેગામ નગરપાલિકા, ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન સ્થાપિત હતું. આજે કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહના ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં સમાવિષ્ટ કલોલ તાલુકા પંચાયત પણ કોંગ્રેસ પાસેથી આંચકી ભાજપાએ સતાના સૂત્રો સંભાળી સમગ્ર ગાંધીનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કોંગ્રેસ મુક્ત કરી છે.
તાજેતરમાં ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલજીના માર્ગદર્શન હેઠળ રાજ્યની અનેક સ્વરાજ્યની સંસ્થાના હોદેદારોની મુદત પૂરી થયે નવા હોદેદારોની નિમણૂક પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લાની તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચાલી રહેલ આ પ્રક્રિયા દરમ્યાન જ જિલ્લા ભાજપા અધ્યક્ષશ્રી અનિલભાઈ પટેલની સંગઠન કુનેહ અને સમગ્ર સંગઠનના સાતત્યપૂર્ણ પ્રયાસોથી કલોલ તાલુકા પંચાયત કોંગ્રેસના પંજામાંથી મુક્ત બની છે.