ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહ તથા રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ઘાટલોડિયા વિધાનસભાનું નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ ઓગણજ ખાતે યોજાયો હતો.
શ્રી અમિતભાઈ શાહે ઘાટલોડિયા વિધાનસભાના કાર્યકર્તાઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે વ્યક્તિથી મોટું દલ, દલ થી મોટો દેશ ભારતીય જનતા પાર્ટીની વર્ષોની પરંપરા રહી છે. શ્રી શાહે ઝારખંડ અને મહારાષ્ટ્રમાં ભાજપા અને સહયોગી પક્ષોની સ્પષ્ટ બહુમત સાથેની જીતનો આત્મવિશ્વાસ વ્યકત કર્યો હતો. તેઓએ કહ્યું કે એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પ સાથે પ્રધાનમંત્રી શ્રી મોદીજીની સરકાર કામ કરી રહી છે.
શ્રી શાહે ગૌરવ સાથે જણાવ્યું હતું કે ભાજપાએ દેશ અને જનહિતમાં સંકલ્પો લીધા અને પ્રધાનમંત્રીશ્રી મોદીજીના નેતૃત્વમાં તે પૂર્ણ પણ કર્યા. તેઓએ 370 કલમ નિર્મૂલન, રામ મંદિરના નિર્માણ, CAA, ટ્રીપલ તલાક સહિતના નિર્ણયોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ભાજપાએ જે કહ્યું તે કર્યું. પંડિત દિનદયાળજીએ દેશને ગરીબ કલ્યાણનો વિચાર આપ્યો હતો તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી દેશમાં ગરીબ આગળ નહીં આવે ત્યાં સુધી દેશ આગળ નહીં આવે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈના 10 વર્ષના સુશાસનમાં ગરીબોનાં કલ્યાણ માટે પાકા મકાનો, પાંચ લાખ સુધી સ્વાસ્થ્ય સુરક્ષા, દર મહિને મફત અનાજ આપીને દેશના ગરીબોના જીવન ધોરણને ઉંચું લાવવાનું કામ થયું છે. તેઓએ કહ્યું કે ભારત દેશમાં ભારત રત્ન સર્વોચ્ચ સન્માન છે તે રીતે વિશ્વના 17 જેટલા દેશોએ માનનીય વડાપ્રધાન શ્રી મોદીજીને તેમના દેશનું સર્વોચ્ચ સન્માન આપ્યું છે. દેશની 140 કરોડ જનતાએ આદરણીય મોદીજીને ત્રીજી વખત દેશના વડાપ્રધાન ચુંટીને ઇતિહાસ રચ્યો છે ત્યારે દેશના વિકાસ માટે – દેશના ઉદ્ધાર માટેની પ્રેરણા અમને મળી છે. માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ 10 વર્ષમાં દેશના અર્થતંત્રને 11માંથી પાંચમા સ્થાને લાવ્યા છે.
શ્રી શાહે પ્રતિબદ્ધતા સાથે કહ્યું કે 2027 સુધીમાં આપણું અર્થતંત્ર વિશ્વનું ત્રીજા નંબરનું અર્થતંત્ર બનવા જઈ રહ્યું છે. પહેલાના સમયમાં વિશ્વના પત્રકારો અને વિશ્વના દેશોના વડાપ્રધાનોની નજર અમેરિકા જેવા દેશો તરફ રહેતી આજે વિશ્વના પત્રકારો અને વિદેશના વડાપ્રધાનો ભારત અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી શું કહે છે તે મીટ માંડીને બેઠા હોય છે. આ પરિવર્તન લાવવા માટે જ આપણે સૌએ રાત દિવસ મહેનત કરી છે.
શ્રી શાહે ઉમેર્યું હતું કે ૭ જુદી જુદી ચુંટણીઓ તેઓ અહીથી લડ્યા અને જીત્યા. તેઓએ લોકસભા ચુંટણીમાં કરેલ પુરુષાર્થ બદલ સૌ દેવ દુર્લભ કાર્યકર્તાઓએ પ્રત્યે ઋણ સહ આભારની લાગણી વ્યકત કરી હતી. શ્રી શાહે આહ્વાન કરતાં કહ્યું કે દેશના પ્રત્યેક નાગરિક દ્વારા લેવાયેલ સંકલ્પ થકી દેશ ૧૪૦ કરોડ ડગલાં આગળ વધશે. તેઓએ કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી મોદીજીએ 2047 માં વિકસિત ભારતનો સંકલ્પ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કર્યો છે. દેશ જ્યારે આઝાદીની શતાબ્દી મનાવતો હશે ત્યારે કદાચ આપણે ન હોઈએ પરંતુ દેશ અને નાગરિક જરૂરથી હશે તે વિચાર સાથે દેશને દરેક ક્ષેત્રેમાં અવ્વલ બનાવવાનો સંકલ્પ આદરણીય મોદીજીએ લીધો છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિક્રમ સંવત 2081 નું વર્ષ જન સેવાનું , સંકલ્પથી સિદ્ધિનું બની રહે તેવી આપ સૌ કાર્યકર્તાઓને શુભકામનાઓ પાઠવું હતી. દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ તથા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી જેપી નડ્ડાજીએ સત્તાને હંમેશાં સેવાનું માધ્યમ સમજ્યું છે અને આ જ સેવાના પથ ઉપર ગુજરાત સરકાર પણ આગળ વધી રહી છે. દેશમાં શાંતિ અને સલામતીની સાથે સહકારીતા ક્ષેત્રને એક નવી ઊંચાઈએ લઈ જવાનું કામ આપણા સાંસદશ્રી અમિતભાઈ શાહે કર્યું છે. ગાંધીનગર લોકસભા મત ક્ષેત્રમાં પણ માનનીય અમિતભાઈ શાહ સાહેબે વિકાસમાં કોઈ પણ કચાસ રાખી નથી અને તેથી જ તેઓ શ્રેષ્ઠ સાંસદ બન્યા છે. આ વર્ષમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છેવાડાના ગામડાઓને પણ મહાનગર જેવી શ્રેષ્ઠ સુવિધાઓ આપવા માટે સંકલ્પિત છે.
ઘાટલોડિયા વિધાનસભા નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદશ્રી મયંકભાઇ નાયક, સાંસદશ્રી બાબુભાઈ દેસાઈ, લોકસભા ક્લસ્ટર ઇન્ચાર્જશ્રી કે સી પટેલ, કર્ણાવતી મહાનગરના પ્રભારીશ્રી સંજયભાઈ પટેલ, લોકસભામાં સમાવિષ્ટ તમામ વિધાનસભાના ધારાસભ્યશ્રીઓ, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, પ્રદેશ સહકારિતા સેલના સંયોજકશ્રી બીપીનભાઈ પટેલ , પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ શ્રીમતી દીપિકાબેન સરડવા તથા ઘાટલોડિયા વિધાનસભાના સર્વે હોદ્દેદારશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાશ્રીઓએ હાજરી આપી હતી.