દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચલાવવામાં આવી રહેલા જનસંપર્ક અભિયાન અંતર્ગત આજે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે વડોદરાના વોર્ડ નંબર ૧૦ ખાતે જન સંપર્ક અભિયાન હાથ ધર્યું હતું. મંત્રીશ્રીએ મકરંદ દેસાઈ રોડ વિસ્તારમાં આવેલી સોસાયટી ખાતે જનસંપર્ક કરી વડીલોના આશીર્વાદ લીધા હતા.
મંત્રી શ્રી સંઘવીએ ઘરે ઘરે સ્ટીકર લગાવી માહિતીસભર પત્રિકાઓનું વિતરણ કર્યું હતું. મંત્રીશ્રીના આ જન સંપર્ક અભિયાન દરમિયાન નાગરિકોએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા કરવામાં આવી રહેલી દેશસેવા તથા તેમના વિકાસકાર્યોને યાદ કરી વડીલોએ તેમને આશીર્વાદ આપ્યા હતા અને ગૃહ રાજ્ય મંત્રીશ્રીને ખૂબ જ ઉત્સાહપૂર્વક આવકાર્યા હતા.
વડોદરાના નાગરિકોને મળીને મંત્રીશ્રીએ કેન્દ્ર સરકારના દૂરંદેશી નિર્ણયો, પ્રજાલક્ષી કાર્યો અને કલ્યાણકારી યોજનાઓ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.
મંત્રીશ્રીએ જનસંપર્ક દરમિયાન સંવાદ કરતા કહ્યું કે, નાગરિકોએ ભારતીય જનતા પાર્ટી ઉપર મૂકેલો વિશ્વાસ ક્યારેય પાર્ટીએ તૂટવા દીધો નથી. તેના પરિણામે જ જનઆશીર્વાદ અવિરત મળતા રહે છે.