ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ ભાવનગર જિલ્લાના દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર સોનગઢ, ખાતે યોજાયેલ શ્રી આદિનાથ દિગંબર પંચ કલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી અમિતભાઈ શાહે આ પાવન પ્રસંગે જણાવ્યું હતું કે ગઈકાલે જ ગુજરાતના પનોતા પુત્ર પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ 550 વર્ષોથી જેની રાહ જોવાતી હતી એવા ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાનું પાવન કાર્ય અયોધ્યા ખાતે પૂર્ણ કર્યું છે. તેઓએ આદિનાથ દિગંબર પંચ કલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિતિ માટે આનંદ વ્યક્ત કરતા કહ્યું હતું કે સોનગઢના આ પવિત્ર ધામમાં કાનજી સ્વામીએ જૈન તેમજ જૈનેતરને કલ્યાણનો રસ્તો બતાવ્યો છે. તેઓએ તેમના જીવનમાં પણ શ્રીમદ રાજચંદ્ર અને કાનજી સ્વામીના સિદ્ધાંતોનો અમૂલ્ય ફાળો હોવાનું જણાવ્યું હતું.
શ્રી શાહે વધુમાં કહ્યું હતું કે યુવાનોને જીવનમાં અનેક વસ્તુઓ પ્રાપ્ત કરવાનો મોકો મળે છે પણ મોક્ષનો રસ્તો ન મળી શકે તો જીવનના અંત સમયે બધું જ અપૂરતું લાગતું હોય છે. તેઓએ કહ્યું કે બધાને મોક્ષ ન મળી શકે પણ મોક્ષ મેળવવાના રસ્તાની જાણકારી અને તેના પર ચાલવાથી અનેક જીવોનું કલ્યાણ જરૂરથી થાય છે. અહીંયા સોનગઢ ખાતે સુવર્ણ પૂરીમાં બધી જ રચનાઓમાં જૈન શાસનના સિદ્ધાંતોને કાળજીપૂર્વક સાચવીને જે વિકાસ કરવામાં આવ્યો છે તે સાચા અર્થમાં કાનજી સ્વામીને શ્રદ્ધાંજલિ ગણાય તેવું શ્રી શાહે ઉમેર્યું હતું. અનેક વર્ષો સુધી અનેક જીવોના કલ્યાણનો માર્ગ આ ધામથી પ્રશસ્ત થશે. શ્રી શાહે આ સ્થળના ઇતિહાસ અંગે ઉલ્લેખ કરતા કહ્યું હતું કે આ વિસ્તારમાં રાજા ભીમદેવના શાસનમાં વિમલ મંત્રીએ જૈન મંદિર બનાવવા માટે અર્બુદ ગીરી ટૂંક માગી હતી. આ સમયે રાજા ભીમદેવે પર્વતની ટોચ જેટલી સુવર્ણ મુદ્રાઓની કિંમત માગતા વિમલ મંત્રીએ ચોરસ સુવર્ણ મુદ્રા બનાવીને તેની કિંમત ચૂકવવાનો પ્રયાસ કર્યો હતો. આ પવિત્ર ધામ માત્ર જૈન જ નહીં પરંતુ જૈનેતરોને પણ આત્મ કલ્યાણનો રસ્તો બતાવશે તેવો વિશ્વાસ શ્રી શાહે વ્યક્ત કર્યો હતો.
શ્રી શાહે કહ્યું હતું કે 19 જાન્યુઆરીથી ચાલુ થયેલા પંચ કલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવ 26 જાન્યુઆરી સુધી ચાલશે અને 26 મી એ અભિષેક થશે. આ પ્રક્રિયામાં ગર્ભ જન્મ અને દીક્ષા કલ્યાણ પૂર્ણ થયા છે જ્ઞાન અને મોક્ષ કલ્યાણ પછી અભિષેક અને અનુસરવામાં આવશે પંચકલ્યાણક મહોત્સવ એ દરેક જીવને પાંચ સ્તરનો બોધ આપનાર પ્રસંગ છે. ગર્ભા અવસ્થામાં જ બાળકને આદર્શ બનાવવાનો વિચાર, જન્મ કલ્યાણકમાં જન્મથી લઇ ગુરુ ન મળે ત્યાં સુધી કઈ રીતે જીવન જીવવું, દીક્ષા અને તપ કલ્યાણકમાં દીક્ષા ના જીવનથી પોતાનો અને અનેકાનેક જીવોનો ઉદ્ધાર કરવો, સદમાર્ગ પર કઈ રીતે લઈ જવા તે પ્રમાણે મોક્ષ સુધીનો સંદેશ આ પાંચ દિવસમાં ધર્મએ બનાવેલ વિધિ એ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ છે. આ આખી પ્રક્રિયાનો મર્મ સમજાય તો જ જીવનનું કલ્યાણ થાય.
શ્રી શાહે ઉમેર્યું હતુ કે મનમાં જે ભાવ સન્માન હોય તેની પૂર્ણ અભિવ્યક્તિ તેમજ ભગવાન પ્રત્યેનો ભાવ જીવન સંદેશ માટે કરોડો રૂપિયા ખર્ચ કરી તીર્થ સ્થળ નથી બનાવાતા પણ ભગવાન અને ગુરુદેવના સિદ્ધાંતોને અનેક વર્ષો સુધી વાચા આપવા તેમજ તેનાથી અનેક જીવોનો કલ્યાણ થાય તે આવી તપો ભૂમિઓનો ધ્યેય હોય છે. તેઓએ કહ્યું કે હજાર વર્ષ પહેલા કર્ણાટકમાં બાહુબલીની પ્રતિમા બની હતી. આજે સોનગઢમાં ૪૧ ફૂટ ઊંચી, ૨૦૦ ટન વજનની અને 50 ફૂટની કૃત્રિમ પહાડી પર તેને સ્થાપિત કરવામાં આવી છે. સુમેરુ પર્વત અને જાંબુદ્વીપના સંયોજનના અહીં સર્જન સાથે જન્મથી લઈ મોક્ષ સુધી આ પરિસરની બહાર ક્યાંય ન જવું પડે તેવી વ્યવસ્થા અહીં ઊભી કરવામાં આવી છે. શ્રી શાહે આ માટે ટ્રસ્ટના મંત્રી શ્રી નિમેષભાઈ શાહ સહિત તમામ ટ્રસ્ટીશ્રીઓને મનથી સાધુવાદ પાઠવ્યા હતા. તેઓએ કહ્યું હતું કે કાનજી સ્વામી માટે આ પંથકમાં ખૂબ પૂજય ભાવ રહેલો છે અને તેઓએ નિશ્ચિત ભાવે કહ્યું હતું કે સોનગઢ સુવર્ણ ધામ ગુજરાતના આધ્યાત્મિક કેન્દ્રમાં ખૂબ મહત્વનું સ્થાન ધરાવતું કેન્દ્ર બની રહેશે. કાનજી સ્વામી એ 45 વર્ષ સુધી પોતાના સંદેશથી જૈન શાસનના સિદ્ધાંતોને સરળ બનાવ્યા, દરેક સિદ્ધાંતનું વૈજ્ઞાનિક મહત્વ સમજાવ્યું તેમ જ અનુયાયીઓ માટે અનુસરવાનો રસ્તો પણ દર્શિત કર્યો.
શ્રી શાહે અંતમાં કહ્યું હતું કે એક જ જીવનમાં ચાર દશકમાં 66 દિગંબર જૈન મંદિરો સહિત નૈરોબીમાં પણ મંદિર અને અનેક લોકોને જીવનમાં સદમાર્ગે થવાની વૃત્તિની જાગૃતિ કાનજી સ્વામી એ કરી. આ પુણ્યકારી પ્રકલ્પમાં હિસ્સેદાર થવાનો મોકો આપવા બદલ શ્રી શાહે તમામ ટ્રસ્ટીઓ તેમજ મુમુક્ષોનો આભાર પ્રગટ કર્યો હતો.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા, રાજ્યના ગૃહરાજય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, ટ્રસ્ટના મંત્રીશ્રી નિમેષભાઈ શાહ,આણંદજી કલ્યાણજી પેઢીના ટ્રસ્ટી શ્રી સુધીરભાઈ મહેતા, જૈન સમાજના શ્રેષ્ઠિશ્રીઓ ટ્રસ્ટના હોદેદારો તેમજ મૂમુક્ષો ઉપસ્થિત રહ્યા હતા.