ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભારતીય ડાક વિભાગ દ્વારા આયોજિત ફિલા વિસ્ટા 2024 નું ઉદ્ઘાટન મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું.
શ્રી શાહે આ તબક્કે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને મેયર શ્રીમતી મીરાબેન પટેલ સાથે ભારત તેમજ વિશ્વની વિશિષ્ટ અને દુર્લભ ડાક ટીકીટ પ્રદર્શની રસપૂર્વક નિહાળી હતી. તેઓએ આ પ્રસંગે ઉપસ્થિત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ સાથે મળીને સંવાદ પણ કર્યો હતો. શ્રી શાહે પૂજ્ય મહાત્મા ગાંધીના જીવન પર આધારિત ‘દાંડી કુટિર સંગ્રહાલય’ની મુલાકાત લઈ ‘ગાંધીનગરમાં સ્થાપત્ય કલા’ની થીમ પર પોસ્ટ વિભાગના સ્પેશ્યલ કવરનું અનાવરણ પણ કર્યું હતું. તેઓએ ડાક વિભાગ દ્વારા પ્રદર્શિત જુદા જુદા સ્ટોલસની પણ મુલાકાત લઈ માહિતી મેળવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય ડાક વિભાગ દ્વારા ડિસ્ટ્રિક્ટ ફિલાટેલિક એક્ઝિબિશન 2024નું આયોજન મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે કરવામાં આવેલ છે આ એક્ઝિબિશનમાં ભારત તેમજ દુનિયાભરની વિશિષ્ટ અને દુર્લભ પ્રકારની સ્ટેમ્પ પ્રદર્શિત કરવામાં આવી છે. આ એક્ઝિબિશન 19 અને 20 નવેમ્બર દરમિયાન સવાર-11 થી 6 સુધીમાં જાહેર જનતા માટે ઉપલબ્ધ રહેશે.
આ બે-દિવસીય પ્રદર્શન ટપાલ ટિકિટો, ટપાલ ઈતિહાસ અને ફિલાટેલી સંબંધિત બાબતોના અભ્યાસમાં શોખ ધરાવતા લોકો માટે ઉપયોગી બની રહેશે. બાળકોમાં ફિલાટેલી અંગે રસ પેદા થાય તે માટે ક્વિઝ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, પત્રલેખન સ્પર્ધા, ટિકિટ ડિઝાઈનીંગ સ્પર્ધા વગેરેનું પણ પોસ્ટ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ચીફ પોસ્ટ માસ્ટર જનરલ, પોસ્ટ માસ્ટર જનરલ અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહયા હતા.