” દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગત વર્ષે ” હર ઘર તિરંગા ” અભિયાન યોજવાની દેશવાસીઓને પ્રેરણા આપી હતી. જેને વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો. તેજ રીતે પ્રધાનમંત્રીએ આ વર્ષે ” મેરી માટી મેરા દેશ ” અભિયાન આઝાદીના અમૃતકાળમાં યોજવાની દેશવાસીઓને પ્રેરણા આપી હતી. આ અંગે ગત 9મી ઓગષ્ટે પ્રધાનમંત્રી દ્વારા મન કી બાત કાર્યક્રમના 103માં એપિસોડમાં આ અભિયાન અંગે દેશવાસીઓને જણવ્યું હતું. દેશને આઝાદી અપાવવા જેમણે પોતાના પ્રાણોની આહુતિ આપી છે તેવા વીર શહીદો અને વીરાંગનાઓને સન્માન આપવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આઝાદીના અમૃતકાળના 75માં વર્ષના અંતે આ અભિયાનનું સમાપન થઇ રહ્યું છે. ત્યારે દિલ્હી મુકામે આયોજિત મુખ્ય કાર્યક્રમના પૂર્વે આગામી 27મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદના રિવર ફ્રન્ટ મુકામે એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. આ મુખ્ય કાર્યક્રમમાં સમગ્ર રાજ્યમાંથી વિધાનસભા દીઠ એક કળશ અહીં લાવવામાં આવશે.આ કાર્યક્રમમાં સુરતથી 10 હજાર કાર્યકર્તાઓ અમદાવાદ જશે.” બુધવારે સુરત શહેર ઉધના સ્થિત ભાજપા કાર્યાલય પંડિત દીનદયાલ ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં આદરણીય શહેર અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરાએ પત્રકારોને વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું.
શ્રી ઝાંઝમેરા એ જણાવ્યું હતું કે ગત દિવસોમાં સુરત શહેરના 30 વોર્ડમાં 30 રથ દ્વારા ” મારી માટી મારો દેશ ” અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત શહેરના તમામ 30 વોર્ડમાં પ્રત્યેક બુથમાં તાંબાનો કળશ લઈને દરેક ઘર સુધી પહોંચવાનો કાર્યકર્તા દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. પ્રત્યેક ઘરેથી માટી અથવા તો ચોખાના દાણા લઈને દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવામાં આવી હતી.આગામી 27મીએ શહેરના પ્રત્યેક વોર્ડમાંથી 6 બસ દ્વારા 300 કાર્યકર્તા અમદાવાદના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.9 હજાર કાર્યકર્તાઓ અને દરેક મોરચાના પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ મળીને કુલ 10 હજાર કાર્યકર્તાઓ અમદાવાદ જવાના છે.
આદરણીય શહેર અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરાએ જણાવ્યું હતું કે દિલ્હી ખાતે આયોજિત મુખ્ય કાર્યક્રમમાં દેશભરમાંથી 7500 કળશમાં માટી અને છોડ લાવવામાં આવશે. આ ભેગી થયેલી માટી કળશ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક નજીક નિર્માણાધીન અમૃત વાટિકામાં પ્રસ્થાપિત કરવામાં આવશે. આ અમૃત વાટિકા ” એક ભારત , શ્રેષ્ઠ ભારત ” નું પ્રતીક બની રહેશે.
આ પત્રકાર પરિષદમાં દક્ષિણ ગુજરાત મીડિયા કન્વીનર અને ડાંગ જિલ્લાના પ્રભારી શ્રી રાજેશભાઈ દેસાઈ, પ્રવક્તા શ્રી જગદીશભાઈ પટેલ, દક્ષિણ ગુજરાત મીડિયા સહ કન્વીનર શ્રીમતી દિપીકાબેન ચાવડા, શહેર મહામંત્રી શ્રી મુકેશભાઈ દલાલ, શ્રી કિશોરભાઈ બિંદલ, શ્રી કાળુભાઇ ભીમનાથ, ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી, શ્રી મનુભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.