મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મહેશ્વરી સેવા સમિતિના “સમૃદ્ધિ ટ્રેડફેર 2023″નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રીશ્રીએ જવ્યુંણા હતું કે, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ “બેટી બચાવો, બેટી પઢાઓ”નું સૂત્ર આપીને મહિલા સશક્તિકરણનો એક નવો અધ્યાય શરૂ કર્યો છે. રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં મહિલાઓના યોગદાનને તેમણે મહત્વ આપ્યું છે. વડાપ્રધાનશ્રીના આ જ વિચારને આગળ વધારવા માટે મહેશ્વરી સમાજે કરેલું સમૃદ્ધિ ટ્રેડફેર 2023નુંઆયોજન અભિનંદનને પાત્ર છે.
તેમણે ઉમેર્યું કે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસની ભાવનાથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારત દેશને દુનિયાના નકશા પર એવી રીતે પ્રસ્થાપિત કર્યો છે કે જાણે આકાશમાં ધ્રુવ તારો ચમકી રહ્યો હોય.
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા મહેશ્વરી સમાજ ભવન ખાતે ૧૨ અને ૧૩ ઓગસ્ટ દરમિયાન આ પ્રદર્શન આયોજિત કરાયું છે. મહેશ્વરી સમાજની મહિલા પાંખ મહેશ્વરી સંગીની દ્વારા આયોજિત પ્રદર્શનમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોના કારીગરો દ્વારા નિર્મિત કલાત્મક વસ્તુઓ વેચાણ અર્થે મુકવામાં આવી છે.
મહેશ્વરી સમાજની આ પહેલને બિરદાવતા મુખ્યમંત્રી શ્રીએ કહ્યું હતું કે, કોઈપણ ભેદભાવ વગર દરેક સમાજના સારા કાર્યોને પ્રોત્સાહિત કરવાની સરકાર તરીકે અમારી જવાબદારી છે. મહેશ્વરી સમાજની દાન કરવાની ઉદારવૃત્તિની તેમણે બિરદાવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, હર ઘર તિરંગા જેવા આયોજનોને કારણે જનજનમાં રાષ્ટ્રપ્રેમની લાગણી જોવા મળે છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ હરહંમેશ છેવાડાના માનવીને મુખ્ય પ્રવાહમાં જોડવાનો પ્રયાસ કર્યો છે. જેના પરિણામે છેવાડાના અંતરિયાળ વિસ્તારના ગામડાઓમાં આજે રોડ રસ્તા, પાણી, વીજળી, સ્વાસ્થ્ય અને શિક્ષણની ગુણવત્તાયુક્ત સુવિધાઓ પહોંચી છે. આજે આદિવાસી વિસ્તારોની મહિલાઓ પણ ડૉક્ટર અને પાયલટ બની રહી છે. એમ તેમણે ઉમેર્યું હતું.
અંગદાનની જાગૃતતા વિશે વાત કરતા તેઓશ્રીએ જણાવ્યું કે, સ્વજન ગુમાવવાની પરિસ્થિતિ ખૂબ સંવેદનશીલ હોય છે. તેવામાં જો મૃતકના સ્વજનને સમજાવવામાં આવે તો અંગદાન થકી અનેક લોકોને નવી જિંદગી મળતી હોય છે.
આજના સમારોહમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના કિડની વિભાગના વડા શ્રી વિનીત મિશ્રાએ ઉપસ્થિત સહુ લોકોને અંગદાનની પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી.
“સમૃદ્ધિ ટ્રેડફેર 2023″ના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્યશ્રી દર્શનાબેન વાઘેલા તથા સ્થાનિક કાઉન્સિલર ઉપરાંત મહેશ્વરી સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.