ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે લોકસભા ચુંટણીના અંતિમ તબક્કાના પ્રચારની પૂર્ણાહુતિ બાદ ગતરોજ તેમના ધર્મપત્ની શ્રીમતી સોનલબેન શાહ સાથે આંધ્ર પ્રદેશના સુપ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિર ખાતે દર્શન કર્યા હતાં તેમજ આજરોજ પ્રથમ જ્યોતિર્લિંગ અને પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતે સહ પરિવાર દેવાધિદેવ મહાદેવની પૂજા અર્ચના કરી દેશ તેમજ ગુજરાતના નાગરિકોની સુખાકારીની મંગલકામના કરી હતી.
આ ઉપરાંત, શ્રી શાહે ગાંધીનગર વિસ્તારમાં ફેલાયેલા કોલેરાના ઉપદ્રવને નાથવા યુદ્ધના ધોરણે જરૂરી અટકાયતી પગલાં લેવા કલેકટરશ્રીને સૂચના આપી હતી. તેઓએ ગાંધીનગર વિસ્તારમાં કોલેરગ્રસ્ત વિસ્તારમાં તકેદારીના પગલાં લઈ રોગચાળાને તાત્કાલિક કાબૂમાં કરવા તેમજ અસરગ્રસ્તોને યોગ્ય સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા વહીવટી તંત્રને સુદ્રઢ અને પરિણામલક્ષી આયોજન સાથે સતત કાર્યરત કરવા અંગે જરૂરી દિશા નિર્દેશ પણ આપ્યા હતાં.