ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, રાજયભરની મહિલાઓ દ્વારા ગુજરાત પનોતાપુત્ર અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને રક્ષા સુત્ર અર્પણ કરવા બાબતના કાર્યક્રમની પ્રેસ કોન્ફરન્સ આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાઇ હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખશ્રી ડો.દિપિકાબેન સરડવાએ પ્રેસ મીડિયાને સંબોધન કર્યુ હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં મહિલા મોરચાના મહામંત્રીશ્રી સિમાબેન મોહિલે, પ્રદેશ મહિલા મોરચાના ઉપપ્રમુખ બહેનોશ્રી ચંદ્રિકાબેન લીબાંચિયા,શ્રી ડો. ઉર્વશીબેન પંડયા ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી ડો.દિપિકાબેન સરડવાજીએ સંબોધન કરતા જણાવ્યું કે, આવનાર દિવસમાં ભાઇ–બહેનનો તહેવાર રક્ષાબંધન આવી રહ્યો છે તે સંદર્ભે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબેને રાજયભરની બહેનો દ્વારા રાખડી મોકલવામાં આવશે. ગુજરાતના દરેક જિલ્લા અને મહાનગર, વોર્ડ અને મંડળ સ્તરે ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતન તેમજ નગરપાલિકાની બહેનો એ જાતે રાખડી બનાવી પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પહોંચાડી છે તે રાખડીઓને દિલ્હી મોકલવામાં આવશે.
શ્રી દિપિકાબેન સરડવાએ વધુમાં જણાવ્યું કે, આવનાર દિવસમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો 73મો જન્મદિવસ આવી રહ્યો છે ત્યારે રાજયભરની બહેનો દ્વારા 73 હજાર કરતા પણ વધુ રક્ષાસુત્ર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબેને મોકલવામાં આવનાર છે. મહિલા મોરચાના બહેનો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના દીર્ધઆયુ જીવન માટે પ્રાર્થના કરશે. આજથી રક્ષાબંધન સપ્તાહનો પ્રારંભ થનાર છે જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીને રક્ષાસુત્ર બાધવામાં આવશે. તેમજ 30મી તારીખ રક્ષાબંધનના દિવસે રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલને મુખ્યમંત્રી નિવાસસ્થાને બહેનો રાખડી બાંધવા જશે. તેમજ આ સપ્તાહમાં સમાજની સુરક્ષા પ્રદાન કરતા સુરક્ષા કર્મી, પોલીસ વિભાગના ભાઇઓ તેમજ કચ્છ અને નડ્ડાબેટ ખાતે સેનાના ભાઇઓને બહેનો રાખડી બાંધશે. મહિલા મોરચાના કાર્યકર બહેનો દ્વારા વૃક્ષને રાખડી બાંધી તેમના ઉછેર અને જતનનો સંકલ્પ કરે તેનું આયોજન કરવામાં આવ્યું છે. રાજયભરની મહિલાઓ દ્વારા વડાપ્રધાનશ્રી રક્ષાબંધનની શુભકામના સાથે લોકસભા ચૂંટણીમાં આ વખતે 400 થી પણ વધુ બેઠકો જીતે તે માટે શુભેચ્છા સાથે પત્ર મોકલવામાં આવશે.