સુરત:ગુરૂવાર: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સુરતના પીપલોદ(વેસુ) ખાતે રૂા.૪૭.૪૦ કરોડના ખર્ચે સાકાર થયેલા સુરત જિલ્લા પંચાયતના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે, હકારાત્મક કાર્યશૈલી અને પ્રજાહિતના કાર્યોથી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વની કેન્દ્ર સરકાર પર નાગરિકોનો વિશ્વાસ વધ્યો છે. ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના ધ્યેયથી ૧૦૦ ટકા યોજનાના લાભો આપીને વિકાસને સેચ્યુરેશન પોઈન્ટ સુધી લઈ જવામાં સફળતા મળી છે, ત્યારે વિકાસની રાજનીતિની વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની કાર્યશૈલીને રાજ્ય સરકારે બખૂબી અપનાવી છે.
મુખ્યમંત્રીશ્રીએ નવા ભવનને ખુલ્લું મૂક્યા બાદ કન્વેન્શન સેન્ટર, સરસાણા ખાતે આયોજિત લોકાર્પણ સમારોહમાં વ્યારા સુગર (ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ મંડળી, ખુશાલપુરા, વ્યારા) ના પુન: સ્થાપન માટે રૂ.૫ કરોડનો ચેક સુમુલ ડેરીના ચેરમેન અને સંબંધિત હોદ્દેદારોને અર્પણ કર્યા હતો.
આ પ્રસંગે વિશાળ જનસમુદાયને સંબોધતા મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, હાલ વરસાદ ખેંચાયો છે, ત્યારે ખેડૂતોના વિશાળ હિતમાં રાજ્ય સરકારે ૮ના બદલે ૧૦ કલાક વીજળી આપવાનો તેમજ નર્મદા કેનાલમાંથી પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના છેવાડાના માનવીઓ, અંતરિયાળ ગામો સહિત જન-જનને સુખ-સુવિધા આપતા વિકાસ કાર્યો સાથે સરકાર કર્તવ્યરત છે તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આવનારી પેઢીઓને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા તેમજ શુદ્ધ વાતાવરણ પૂરું પાડવા માટે પર્યાવરણનું સંતુલન જાળવવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, પર્યાવરણ સાથે સમન્વય સાધીને વિકાસનો વિચાર એ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની દેન છે. ‘મિશન લાઈફ’ની પહેલથી પર્યાવરણ જાળવણી, જમીન અને માનવી બંનેનું સ્વાસ્થ્ય બગડતું અટકાવવાનો સર્વગ્રાહી અને નવતર વિચાર વડાપ્રધાનશ્રીએ આપ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ પર્યાવરણ, પાણી અને વીજળીના બચાવ, સંરક્ષણ એ સમયની માંગ હોવાનું જણાવી રાજ્યના આમ નાગરિકો, ભાવિ પેઢીને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત વાતાવરણ પૂરૂ પાડવાના લક્ષ્ય સાથે વૃક્ષારોપણ અભિયાનને વેગવંતુ બનાવવા અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવાનું પ્રેરક આહ્વાન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા પંચાયતનું નવું ભવન સેવા, સુવિધા અને આધુનિકતાના સમન્વયરૂપ બન્યું છે એમ જણાવી આ નમૂનારૂપ અને દર્શનીય મકાનના નિર્માણ બદલ તેમણે સૌ હોદ્દેદારો, અધિકારીઓ, કર્મયોગીઓને અભિનંદન પાઠવ્યા હતા.
નાણા, ઊર્જા મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, લોકોની સુવિધા અને સુખાકારી માટે આધુનિક ભવનોનું નિર્માણ થાય તે માટે સરકારે બજેટમાં કરોડો રૂપિયાની જોગવાઈ કરી વિકાસની નવી પરિભાષા અંકિત કરી છે.
સરકારે ગામડાઓમાં વસતા લોકોની ચિંતા કરી પંચાયતોને સુદ્રઢ બનાવવાનું સંનિષ્ઠ કાર્ય કર્યું છે એમ જણાવતા શ્રી દેસાઈએ આ અવસરે નાણા અને ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ રાજ્યમાં પાછોતરો વરસાદ ખેંચાતા ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે આગામી તા.૫મી સપ્ટેમ્બર સુધીથી ૮ કલાકના બદલે ૧૦ કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. ગ્રામ સ્વરાજમાંં સત્તાનુ વિકેન્દ્રીકરણ કરીને છેવાડાના માનવીને યોજનાના લાભો મળી રહે તેવા હેતુ સાથે સરકાર કાર્ય કરી કાર્ય કરી રહી છે. ગામડાઓમાં શહેરો જેવી સુવિધાઓ મળી રહે તે માટે સરકાર કાર્ય કરી રહી છે.
નવું જિલ્લા પંચાયત ભવન જિલ્લાના સર્વાંગી વિકાસનું મંદિર બનશે એવી ભાવના વ્યક્ત કરતા સાંસદશ્રી સી.આર.પાટીલે જણાવ્યું કે, લોકોની સગવડો, અપેક્ષાઓ પરિપૂર્ણ થાય, લોકોને સરકારી કચેરીના ધક્કા ખાવામાંથી મુક્તિ મળે તેવી સુવિધાઓ સરકાર ઉપલબ્ધ કરાવી રહી છે. વ્યારા સુગર ફેક્ટરીને ધમધમતી કરવા માટે બજેટમાં કરવામાં આવેલી રૂ. ૩૦ કરોડની જોગવાઇ મુજબ આજે રૂ.પાંચ કરોડની ગ્રાન્ટનો પ્રથમ હપ્તો ફાળવવામાં આવ્યો છે જેના પિલાણનુ કામ આગામી ૧૫મી સપ્ટેમ્બરથી શરૂ થશે. વ્યારા સુગરમાં માનસિંહ પટેલની આગેવાની હેઠળ દક્ષિણ ગુજરાતના સુગર મિલોના પ્રમુખો સાથે મળીને સુયોગ્ય વહીવટ કરીને વ્યારા સુગરને ધમધમતી કરશે.
તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીશ્રી સુરતને શહેરને નાણાની જરૂર પડે ત્યારે છુટા હાથે સહયોગ આપતા રહે છે. સુરત શહેરમાં તાપી શુદ્ધિકરણ, તાપી બેરેજથી આગામી ૫૦ વર્ષના પાણીનુ આયોજન, મહાનગરપાલિકાના ૨૭ માળના બે અદ્યતન ભવનના નિર્માણનુ કાર્ય જેવા ૧૦ જેટલા મોટા પ્રોજેક્ટના કામો ચાલી રહ્યા છે, જેના થકી સુરત વિકાસના નવા શિખરો સર કરશે એમ ઉમેર્યું હતું.
સ્વાગત ઉદ્દબોધન કરતા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભાવેશભાઈ પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ વિભાગે નવા બિલ્ડીંગના બાંધકામ માટે રૂા.૨૯.૪૦ કરોડ ફાળવ્યા હતા, જ્યારે જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી રૂ.૧૮ કરોડની ફાળવણી સાથે કુલ રૂ.૪૭.૪૦ કરોડના ખર્ચે આ નવું મકાન ખૂબ ટૂંકા ગાળામાં ઝડપભેર સાકાર થયું છે. આ મકાનથી પદાધિકારી-અધિકારીઓ, કર્મચારીઓ અને પોતાના કામ અર્થે આવતા અરજદારોની સુવિધાઓમાં વધારો થશે.
તેમણે ઉમેર્યું કે, વર્ષ ૧૯૩૪માં બંધાયેલી સુરત જિલ્લા પંચાયત કચેરી ચોકબજાર, દરિયા મહેલ સ્થિત ૮૦ વર્ષ જૂના બિલ્ડીંગમાં કાર્યરત છે. સુરત શહેર-જિલ્લાના વિકાસ અને વસ્તીમાં વધારો, અધિકારી-કર્મચારી, પદાધિકારી અને વિવિધ શાખાની સંખ્યામાં વધારો થતા ઓછી જગ્યા ઉપરાંત પાર્કિંગ સહિતની અગવડતાને ધ્યાને લઈ નવા ભવનના નિર્માણ થયું છે, જેમાં રાજ્ય સરકારના હકારાત્મક અને ઉમદા સહયોગ બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રીઓ અને મહાનુભાવોના હસ્તે સિંચાઈ યોજના, ઉકાઈ અસરગ્રસ્ત પરિવારોને જમીન ફાળવણી, આયુષ્માન ભારત, ગ્રામ અસ્મિતા યોજના, વ્હાલી દીકરી, જિ. પંચાયત સ્વભંડોળ આવાસ સહિતની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો એનાયત કરાયા હતા.
આ પ્રસંગે પંચાયત, કૃષિ રાજયમંત્રીશ્રી બચુભાઈ ખાબડ, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રકુલભાઈ પાનશેરીયા, આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ, જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.કે.વસાવા, મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ, પોલીસ કમિશનરશ્રી અજય તોમર, જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી ભરત રાઠોડ, સુમુલ ડેરીના ચેરમેનશ્રી માનસિંહ પટેલ સહિત ધારાસભ્યશ્રીઓ, પદાધિકારી-અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં ગ્રામ્ય અને શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.