ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, ગુજરાતના પનોતા પુત્ર, વૈશ્વીક નેતા તરીકે બીરુદ મેળવનાર તેમજ ગુજરાત સહિત સમગ્ર દેશમા વિકાસની રાજનીતી સ્થાપનાર અને આત્મનિર્ભર ભારતની દિશા આપનાર યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ આજરોજ રાજકોટ ખાતે ગુજરાતીઓને 2030 કરોડથી વધુ રકમના વિકાસના પ્રકલ્પોની ભેટ આપી જેમાં રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ, સૌની યોજના લિન્ક–૩ના પેકેજ–૮ અને ૯, સૌરાષ્ટ્રનો પ્રથમ મલ્ટિલેવલ બ્રિજ સહિત અનેકવિધ કામોના સમાવેશ છે. આ ઉપરાંત રૂ. ૪૧.૭૧ કરોડના ખર્ચે સંપન્ન ન્યારી ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ સુધીની ૧૨૧૯ ડાયામીટરની પાણીની પાઈપલાઈન, વોર્ડ–૧માં રૈયાધારમાં રૂ.૨૯.૭૩ કરોડના ખર્ચે સંપન્ન વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોર્ડ–૧૮માં કોઠારિયામાં ૧૫ એમ.એલ.ડી. ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા વોર્ડ–૬માં ગોવિંદ બાગ પાસે રૂ.૮.૩૯ કરોડના ખર્ચે નિર્મિત લાઈબ્રેરીનો પણ સમાવેશ થાય છે. વિવિધ કાર્યોના લોકાર્પણ પછી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની જંગી જાહેરસભા યોજાઇ હતી જેમાં કેન્દ્રના ઉડ્ડયનમંત્રીશ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી, કર્ણાટકના પુર્વ રાજયપાલશ્રીવજુભાઇ વાળા,પુર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સહિત સાંસદશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. જાહેરસભામાં રાજયનામંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે સ્વાગત પ્રવચન કર્યુ હતું.
યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કેમ છો કહી સંબોધનની શરૂઆત કરતા જણાવ્યું કે, સાયક્લોન,કુદરતી આફતો થી રાજયને ઘણુ નુકશાન સહન કરવું પડયુ છે તે તમામ લોકો સાથે મારી સંવેદના છે. જનતા અને સરકારે સાથે મળી સંકટમાંથી બહાર આવવાનો પ્રયાસ કર્યો છે. રાજયની સરકાર ઝડપથી સ્થીતી સામાન્ય કરવા કામ કરી રહી છે જેના માટે કેન્દ્ર સરકાર રાજય સરકારને જોઇતી તમામ મદદ કરી રહી છે. રાજકોટ શહેરે મને ઘણુ શિખવાડ્યુ છે મને પહેલી વાર ધારાસભ્ય બનાવ્યો અને મારી રાજકીય યાત્રાની શરૂઆત રાજકોટથી થઇ છે. રાજકોટને નવુ એરપોર્ટ મળતા હવે દુનિયાના શહેરો માટે સિધી ફ્લાઇટ સંભવ થશે જેથી યાત્રા સાથે ઉદ્યોગ ક્ષેત્રને લાભ થશે. રાજયના તત્કાલીન મુખ્યમંત્રી સમયે મે કહ્યુ હતું કે રાજકોટ મીની જાપાન બની રહ્યુ છે ત્યારે ઘણા લોકો મજાક કરતા પરંતુ આજે એ શબ્દો સાચા પડયા છે. અંહીના ખેડૂતોને પણ ફળ અને શાકભાજીને દેશ–વિદેશમાં મોકલવાનું સરળ થશે. રાજકોટને એક એરપોર્ટ જ નહી નવી ઉર્જા આપનાર પાવર હાઉસ મળ્યુ છે. સૌની યોજના થકી અનેક વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ થયું છે જેનાથી સૌરાષ્ટ્રના ઘણા ગામના ખેડૂતોને સિચાંઇ અને પીવાનું પાણી મળશે.
શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, પાછલા નવ વર્ષમાં કેન્દ્ર સરકારે સમાજના દરેક વર્ગ અને ક્ષેત્રના લોકોનું જીવન સરળ બને તે માટે કામ કર્યુ છે. 9 વર્ષમાં ગુડ ગવર્નસ અને સુશાસનની ગેરંટી આપી છે. આજે દેશમાં ઝડપથી ગરિબી ઘટી રહી છે. હાલમાં આવેલા એક સર્વે પ્રમાણે ભાજપા સરકારના પાંચ વર્ષમાં 13.5 કરોડ લોકો ગરિબિ રેખાથી બહાર આવ્યા છે અને નવા મધ્યમ વર્ગનું સર્જન થઇ રહ્યુ છે. વર્ષ 2014 સુધીમાં ફકત ચાર શહેરોમાં મેટ્રો નેટવર્ક હતું આજે 20થી વધુ શહેરોમાં મેટ્રો નેટવર્ક પહોંચ્યું છે, દેશના અલગ અલગ રૂટ પર વંદે ભારત ટ્રેન દોડી રહી છે. હવાઇ સેવાના વિસ્તારથી ભારતના એરલાઇન્સ સેક્ટરને દુનિયામાં નવી ઉંચાઇ આપી છે. આજે ભારતની કંપનીઓ નવા વિમાનો ખરીદી રહી છે. મે પહેલા કહ્યુ હતું કે એ દિવસો દુર નથી કે ગુજરાત વિમાન બનાવશે. આજે ગુજરાત વિમાન બનાવવાની દિશામાં આગળ વધી રહ્યુ છે. પહેલા કોઇ પણ કામ માટે લોકોને લાઇનમાં ઉભા રહેવું પડતું અમારી સરકારે ડિજિટલાઇઝેશન કરી આ સમસ્યાને દુર કરી .અમારી સરકારે રેરા કાયદો બનાવી લોકોનુ હિત સુરક્ષીત કર્યુ અને જેના કારણે લોકોના રૂપિયા લૂંટતા બચાવ્યા.
શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, જે લોકો દેશની જનતાને હંમેશા તરસતુ રાખતા, જે લોકોને દેશની જનતાની આવશ્કયતા અને આંકાક્ષાઓની ચિંતા નોહતી તેઓ દેશની જનતાના સ્વપ્નો પુરા થતા જોઇ આગબબુલા થઇ રહ્યા છે. આજકાલ ભ્રષ્ટાચાર અને પરિવારવાદની જમાતે તેમનુ નામ બદલી નાખ્યું છે તેમના ચહેરા અને કામ–પાપ–ઇરાદો જૂના પરંતુ નામ નવું છે.કોંગ્રેસના સાશનમાં મોંધવારી દર 10 ટકા સુધી પહોંચ્યો હતો. જો અમારી સરકારે મોંઘવારી કાબુમાં ન લીધી હોત તો આજે મોંધવારી વધી ગઇ હોત. દેશમાં આજે પહેલાની સરકાર હોત તો આજે દૂધ 300 રૂપિયા લીટર,દાળ 500 રૂપિયા કિલો વહેચાતી હોત. અમારી સરકારમા કોરોના મહામારી, રશિયા–યુક્રેન યુદ્ધ દિવસોમાં પણ મોંઘવારીને કાબુમાં રાખી શકયા છીએ. ગુજરાતના વિકાસ માટે અમારી સરકાર સંવેદનશીલતાથી કામ કરી રહી છે.
આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રીશ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સંબોધન કરતા જણાવ્યું કે, રાજકોટ ભારતનું ચમકતું આર્થિક કેન્દ્ર છે. રાજકોટના વિકાસની ગાથા આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સ્થાપી છે અને ગુજરાતનું વિકાસ મોડલ આજે દેશનું આદર્શ મોડલ બન્યું છે. આજે અન્ય દેશના નેતા પણ ગુજરાત અને દેશના વિકાસના કાર્યોથી શીખ લઇ રહ્યા છે. રાજકોટ શહેરમાં પણ વિશ્વનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બને તેની કલ્પના 6 થી 7 વર્ષ પહેલા કરી હતી અને આજે આ કાર્ય પુરુ પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કર્યુ છે. નવા એરપોર્ટમાં પ્રતિ કલાકે 1800 જેટલા મુસાફરો અવર જવર કરી શકશે. નવા એરપોર્ટમાં રણજીતવિલાસ પેલેસ અને રાજકુમાર કોલેજની પ્રતિકૃતિ સહિત ગુજરાતની સંસ્કૃતિની ઝલક પણ મુકવામાં આવશે. રાજકોટમાં 2014માં માત્ર 56 વિમાનોની અવરજવર મહિનામાં રહેતી હતી જ્યારે આજે 130 વિમાનો અવર જવર કરે છે. આવનાર સમયમાં ઉદેપુર અને ઇંદોરથી પણ એરપોર્ટ ને જોડવામાં આવશે. વર્ષ 2014માં ગુજરાત માત્ર 19 શહેરો સાથે જોડાયેલુ હતું આજે ગુજરાત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના માર્ગદર્શનમાં 50 શહેરો સાથે જોડાયું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ હમેંશા વિચારે છે કે દેશનો સામાન્ય નાગરિક પણ વિમાનમા મુસાફરી કરી શકે તે દિશામાં આજે અનેક કામો થઇ રહ્યા છે જેના કારણે દેશભરમાં એરપોર્ટની સંખ્યા વધી છે 2014 સુધીમાં 74 એરપોર્ટ હતા અને આજે 9 વર્ષમાં 148 એરપોર્ટ દેશમાં છે. આજે દેશવાસીઓને વિશ્વાસ છે કે મોદી હૈ તો મુમકીન હૈ.
આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની વિકાસની રાજનીતીથી ગુજરાત સહિત દેશને વિકાસના અનેક કાર્યોનો લાભ મળ્યો છે. ગુજરાતમા નવા નવા પ્રકલ્પો અને યોજનાઓ જાહેર કરી વિકાસની દિશા આપી છે જેના કારણે ગુજરાત આજે વિકાસનું મોડલ બન્યું છે. રાજકોટ શહેરે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પર મુકેલા વિશ્વાસની ભેટ મોદી સાહેબે વિકાસના કાર્યો થકી આપી છે જેમાં રાજકોટ ખાતે પ્રથમ એઇમ્સ હોસ્પિટલ તેમજ સૌરાષ્ટ્ર આજે હવાઇમથકથી વિશ્વના દેશો સાથે જોડાયું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ આવનાર સમયને પારખીને વિકાસના કાર્યોનું આયોજન કર્યુ છે. જે કાર્યો 40 થી 50 વર્ષોમાં ન થયું તે તેમને વર્ષ 2017માં માત્ર સાત મહિનામાં કરી બતાવ્યું. રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટ મળશે તેવા વાયદા પહેલા થતા પરંતુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વર્ષ 2017માં ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવાનો નિર્ણય કર્યો. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યા દુર કરવા પ્રયાસ કર્યા છે. રાજકોટ સહિત ગુજરાતની જનતા વતી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો વિકાસશીલ પ્રકલ્પોના લોકાર્પણ માટે આભાર વ્યકત કર્યો.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી,રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ શ્રી બળવંતસિંહ રાજપૂત,શ્રી રાઘવજીભાઈ પટેલ,શ્રી કુંવરજીભાઈ બાવળીયા,શ્રી ભાનુબેન બાબરિયા,પૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળા,પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી,સાંસદશ્રીઓ શ્રી વિનોદભાઈ ચાવડા,શ્રી રમેશભાઈ ધડુક,શ્રી મોહનભાઈ કુંડારીયા,શ્રી રામભાઈ મોકરિયા,શ્રી કેસરીદેવસિંહ ઝાલા,ધારાસભ્યશ્રીઓ શ્રી ડૉ.દર્શીતાબેન શાહ,શ્રી ગીતાબા જાડેજા,શ્રી ઉદયભાઈ કાનગડ,શ્રી જયેશભાઈ રાદડિયા,શ્રી રમેશભાઈ ટીલાળા,રાજકોટ શહેરના મેયર શ્રી પ્રદીપભાઈ ડવ તેમજ પદાધિકારીઓ સહીત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.