વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગ્લોબલ પ્રોપ્યુલારિટી ફરી એકવાર સામે આવી છે. વડાપ્રધાન મોદીને એક સર્વે દરમિયાન ગ્લોબલ વર્લ્ડ લીડર્સ લિસ્ટમાં પહેલા નંબરે પસંદ કરવામાં આવ્યા છે. વડાપ્રધાનને આ લિસ્ટમાં 76% અપ્રૂવલ રેટિંગ મળ્યું છે, જ્યારે તેમની સાથેના અન્ય ગ્લોબલ લીડર્સ રેટિંગ પ્રમાણે ઘણા પાછળ રહ્યા છે. મોદી પછી સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ એલેન બેર્સેટ 64% એપ્રૂવલ રેટિંગ સાથે બીજા ક્રમે અને મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર ત્રીજા સ્થાને છે. ડિસિઝન ઈન્ટેલિજન્સ કંપની મોર્નિંગ કન્સલ્ટે આ યાદી બહાર પાડી છે.
ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન એંથની અલ્બેનિસ 48%ના રેટિંગ સાથે પાંચમા સ્થાને છે અને ઇટાલીના પીએમ જી. મેલોની 42% રેટિંગ સાથે છઠ્ઠા સ્થાને છે. યુએસ પ્રમુખ જો બાઇડન 40% રેટિંગ સાથે સાતમા સ્થાને છે. એ જ સમયે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક 27% રેટિંગ સાથે 15મા સ્થાને છે.
અગાઉ જૂન 2023માં ગ્લોબલ વર્લ્ડ લીડર્સ લિસ્ટ રેટિંગ યાદી બહાર પાડવામાં આવી હતી. એમાં પણ પીએમ મોદી ટોપ પર હતા, પરંતુ અગાઉની યાદીની સરખામણીએ તેમના રેટિંગમાં 2%નો ઘટાડો થયો છે. છેલ્લી વખતે તેમને 78% એપ્રૂવલ રેટિંગ મળ્યું હતું. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન સાતમા સ્થાને હતા, જ્યારે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક 12મા સ્થાને હતા.
]
ડિસિઝન ઇન્ટેલિજન્સ કંપની મોર્નિંગ કન્સલ્ટે 14 સપ્ટેમ્બરે ‘ગ્લોબલ લીડર એપ્રૂવલ રેટિંગ ટ્રેકર’ બહાર પાડ્યું છે. આ રેટિંગ 6થી 12 સપ્ટેમ્બર વચ્ચે એકત્રિત કરવામાં આવેલા ડેટાના આધારે આપવામાં આવી છે, જેમાં અનેક દેશોના લોકો સાથે વાત કરીને વૈશ્વિક નેતાઓ વિશે તેમના અભિપ્રાય જાણવા મળ્યા હતા. આ યાદીમાં 22 દેશના નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાંથી મોટા ભાગના G20ના સભ્યો છે.