વલસાડ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ધરમપુર તાલુકાના બામટી ગામના લાલ ડુંગરી મેદાન પર સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયાની અધ્યક્ષતામાં થઈ હતી. આ પ્રસંગે ધરમપુર વિધાનસભા મત વિસ્તારમાં રૂ. ૧૧૩૧.૭૩ લાખના વિકાસના કામોનું લોકાર્પણ અને રૂ. ૭૧.૬૧ લાખના ખાતમુર્હૂતના કામોની તકતીનું ઈ- અનાવરણ કર્યુ હતું.
જળ, જંગલ અને જમીન માટે તેમજ દેશની આઝાદી માટે બલિદાન આપનારા આદિવાસી બંધુઓને વંદન કરી રાજ્યકક્ષાના મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ જણાવ્યું કે, આદિવાસી દિવસ માત્ર એક દિવસ નહિ પણ ૩૬૫ દિવસ આપણા દેશમાં ઉજવાય રહ્યો છે. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી દરેક ગરીબ આદિવાસીઓ માટે આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ સતત કાર્યરત છે. ૭૦ વર્ષમાં વિકાસના જે કામો ન થયા તે કામો નરેન્દ્રભાઇના નેતૃત્વમાં છેલ્લા ૧૫ વર્ષમાં થયા છે. આજે પ્રત્યેક પરિવારને વિકાસના લાભો મળી રહ્યા છે. આજે અહીં જે લોકો ઉપસ્થિત છે તે લોકો વિચારે કે, પહેલા મારા ગામમાં સ્કૂલ કે દવાખાનાની શું સ્થિતિ હતી? અને આજે દરેક ગામમાં સ્કૂલો અને આયુષ્યમાન ભારત દવાખાનામાં સારવાર મળી રહી છે. નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અંતરિયાળ ગામડાઓમાં ફર્યા ત્યારે જોયું કે, આદિવાસી બહેનો જંગલમાંથી લાકડા શોધી લાવી, ચૂલામાં ફૂંક મારી મારીને રસોઈ બનાવતી હતી, જેના કારણે તેઓના આરોગ્યને પણ હાનિ થતી હતી. જેથી મહિલાઓને ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર આપી મહિલાઓનું સન્માન કર્યુ છે. ગામડામાં ૧૦૦માંથી ૨૦ બાળકો શાળામાં જતા ન તે વાતની નરેન્દ્રભાઈને ખબર પડી તો શાળા પ્રવેશોત્સવ ચાલુ કરાવ્યો અને આજે શાળામાં ૧૦૦ ટકા નામાંકન થાય છે. ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટી ગયો છે. રમત ગમતને પણ પ્રાધાન્ય આપી ખેલ મહાકુંભની શરૂઆત કરાવી અને ડાંગની સરિતા ગાયકવાડ દેશ માટે ગોલ્ડ મેડલ લાવી છે. આદિવાસી સમાજ પ્રકૃતિનો રક્ષક છે. મહેનત કરી જીવવાવાળી અસ્મિતાસભર પ્રજા છે. આઝાદીની લડતમાં બિરસા મુંડા અને ગુરૂ ગોવિંદજીનું અમૂલ્ય યોગદાન છે.
વડાપ્રધાનશ્રીએ બહુજન હિતાય, બહુજન સુખાય અને વસુધૈવકુટુંબક્મનો મંત્ર આખા વિશ્વમાં ગુંજતો કરતા સમગ્ર દુનિયા આજે તેને સ્વીકારી રહી છે. જાતિવાદ, પ્રાંતવાદ કે ભાષાવાદ નહીં પણ રાષ્ટ્રવાદની વાત થઈ રહી છે. એક વિચાર, એક ધ્યેય અને એક દિશામાં આગળ વધીશુ તો દેશ સવા સો કરોડ પગલા ભરશે. બોધ્ધિક ક્ષમતા કોઈની જાગીર નથી. જેમના પગમાં, જેમની ભૂજામાં તાકાત છે તેને સાચી દિશામાં લઈ જવાનું છે, કોઈ ગેરમાર્ગે દોરી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. સ્ત્રી સન્માન અને ગરીબોના ઉત્થાન માટે સરકારની અનેક વિધ સંવેદનશીલ યોજના જેનાથી કોઈ વંચિત ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવા અધિકારીઓ અને પદાધિકારીઓને મંત્રીશ્રીએ સૂચન કર્યુ હતું. આદિવાસી સમાજની કલા અને સંસ્કૃતિ સમગ્ર દુનિયા સમક્ષ રજૂ થાય તેવી ભાવના છે.
ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે આદિવાસીઓના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ અને આરોગ્ય સહિત વિવિધ ક્ષેત્રે થયેલા વિકાસ કાર્યો વિશે પ્રાંસગિક ઉદબોધન કર્યુ હતું. આ પ્રસંગે ધરમપુર તાલુકા પંચાયતના પ્રમુખ રમિલાબેન ગાવિત, વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ કમલેશસિંહ ઠાકોર, જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાની, જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલા, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા, જિલ્લા સંગઠનના મહામંત્રી કમલેશ પટેલ અને શિલ્પેશ દેસાઈ સહિતના અગ્રણીઓ તેમજ આદિવાસી સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે મારી માટી મારો દેશ –તક્તીનું અનાવરણ, ધ્વજવંદન અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આદિવાસી પરંપરાગત સાંસ્કૃતિક નૃત્ય, પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરાયું હતું. રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે સામૂહિક પંચ પ્રણ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આદિવાસી સમાજમાં વિશિષ્ટ સિધ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ, કલાકારો, નિવૃત્ત સૈનિકો, શહિદના પરિજનો અને રમતવીરોનું સન્માન કરાયું હતું. જયારે ૧૭ લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ સહાય આપવામાં આવી હતી. સાથે જ તાપી જિલ્લામાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ અને આદિજાતિ વિકાસની યોજના પર દસ્તાવેજી ફિલ્મ સૌએ નિહાળી હતી.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન પ્રાયોજના વહીવટદાર અતિરાગ ચપલોત (આઈએએસ) એ કર્યુ હતું. જ્યારે આભારવિધિ ધરમપુરના પ્રાંત અધિકારી કેતુલ ઈટાલિયાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક તારેશ સોનીએ કરી હતી.