ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે સાણંદ ખાતે મીની આઈટીઆઈ સહિત વિવિધ વિકાસલક્ષી કાર્યોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યા હતા.
અસત્ય પર સત્યના અને અધર્મ પર ધર્મના વિજયના પ્રતીક સમાન વિજયાદશમીની શુભકામનાઓ પાઠવતા શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાંથી ગરીબી, બેકારી અને કુપોષણ સહિતના રાવણના દહન માટે છેલ્લા નવ વર્ષમાં ભગીરથ પ્રયાસ કર્યો છે. આદરણીયશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસના અનેક આયામો સિદ્ધ થયા, દેશનું અર્થતંત્ર 11 મા ક્રમાંકએથી ૫ માં નંબરે પહોંચ્યું, ભારત ચંદ્ર પર યાન મોકલવામાં પણ સફળ થયું. આ ઉપરાંત દેશના ગૌરવ સમાન નવી સંસદની ઇમારત સહિત અનેકવિધ પ્રોજેક્ટસ આકાર પામ્યા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ “ટ્રાન્સફોર્મ પરફોર્મ અને રિફોર્મ” ની તર્જ પર અનેક વ્યવસ્થાઓમાં લોક કેન્દ્રીત બદલાવ કર્યો. ૨૦૧૪ પહેલા ગરીબોને કલ્પના પણ હતી કે તેઓના ઘરમાં પોતાનું શૌચાલય હશે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૧૦ કરોડ ગરીબોના ઘરમાં શૌચાલયનું નિર્માણ કરાવી માતાઓ અને બહેનોને સશક્ત બનાવી. પ્રત્યેક ઘરમાં વીજળી, ગેસનો સિલિન્ડર, નલ માં જળ અને પ્રત્યેક વ્યક્તિને પ્રતિ માસ પાંચ કિલો નિશુલ્ક અનાજ, ૬૦ કરોડથી વધુ ગરીબોને રૂ. પાંચ લાખ સુધી ફ્રી ઓફ કોસ્ટ આરોગ્ય સારવાર આપી તેમના જીવનને બહેતર બનાવવાનું કામ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું.
શ્રી શાહે જણાવ્યું હતું કે કોરોનાકાળમાં 130 કરોડ જેટલી વિશાળ જનસંખ્યા માટે રસી વિકસાવવા વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરી દરેક નાગરિકોને બબ્બે ડોઝ નિશુલ્ક આપી જીવન બચાવવાનું ભગીરથ કાર્ય આદરણીય મોદીજીએ કર્યું છે.
શ્રી શાહે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્રીન હાઈડ્રોજન નિર્માણને ગતિ મળે તેવા પ્રયાસો કર્યા છે તેના સંદર્ભમાં જ આજે સાણંદ ખાતે ગ્રીનજો એનર્જી ઇન્ડિયા કંપનીની શરૂઆત થવા જઈ રહી છે. આ ઉપરાંત મીની આઈટીઆઈ પણ શરૂ થવા જઈ રહી છે ત્યારે આ આઇટીઆઇ વિસ્તારના યુવાનોને કૌશલ્ય સંવર્ધન કરવામાં તેમજ રોજગારી પૂરી પાડવામાં ખૂબ મોટું પ્લેટફોર્મ પૂરું પાડશે. તેઓએ ઉદ્યોગ એકમોમાં વિસ્તારના યુવાનોને રોજગારીમાં પ્રાધાન્ય મળે તે માટે જીઆઇડીસી એસોસિએશનને વિનંતી પણ કરી હતી.
શ્રી શાહે વધુમાં કહ્યું હતું કે થોડા સમય પહેલા મળેલી ભાજપા સંગઠન બેઠકમાં પણ વિસ્તારના લોકો માટે સંગઠનના માધ્યમથી સ્કિલ ડેવલોપમેન્ટના કાર્યક્રમો કરવા પર ચર્ચા કરવામાં આવી હતી. તેના અનુસંધાનમાં આ આઈ.ટી.આઈ સ્કિલ ડેવલોપ કરી વિસ્તારના લોકોના જીવનને સુચારો બનાવવામાં અત્યંત મદદરૂપ પુરવાર થશે. આ ઉપરાંત આ આઇટીઆઈ ઉદ્યોગોની મેન પાવરની જરૂરિયાત અને યુવાઓને રોજગારી વચ્ચે સેતુરૂપ બનશે. તેઓએ કહ્યું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીના પ્રયાસોથી જીઆઇડીસીમાં જ 550 બેડની આધુનિક હોસ્પિટલ નું નિર્માણ થવા જઈ રહ્યું છે જે શ્રમિકોને તો સુવિધાઓ પૂરી પાડશે પણ સાથે સાથે બાવળા અને સાંણદ તાલુકાના નાગરિકોને પણ નિશુલ્ક દવા અને સારવારની સુવિધાઓ આપશે. શ્રી શાહે આ હોસ્પિટલ માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો તેમજ મીની આઈટીઆઈ માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
શ્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે દેશના આર્થિક વિકાસનો ફાયદો ગામડામાં રહેતી જનતાને થવો જોઈએ તેવું ભાજપા સરકાર સ્પષ્ટપણે માને છે. તેઓએ જીઆઇડીસીના હોદ્દેદારોને સીએસઆર ફંડ માત્ર સાણંદ બાવળા તાલુકાના ગામડાઓના વિકાસ માટે જ વપરાય તે માટે હિમાયત પણ કરી હતી. અંતમાં શ્રી શાહે વિસ્તારમાં થઈ રહેલા અનેકવિધ વિકાસ કાર્યો માટે નાગરિકોને તેમજ ગ્રીનઝો એનર્જીને તેમના નવા સાહસ બદલ શુભકામનાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ, જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી હર્ષદગીરી ગોસાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી કંચનબા વાઘેલા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી વસંતબા વાઘેલા, જીઆઇડીસી એસોસિએશનના હોદ્દેદારો, કલેકટરશ્રી ડીડીઓશ્રી તેમજ વિશાળ સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.