ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે સુરત ખાતે શ્રી બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલ અને શ્રી ફુલચંદ જયકિશનદાસ વખારિયા સેનેટોરિયમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ તબક્કે શ્રી અમિતભાઈ શાહે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે તેઓ વર્ષોથી સાર્વજનિક જીવનમાં કાર્યરત છે અને દાતાઓએ બનાવેલી હોસ્પિટલ તેમને જોઈ છે પરંતુ તે બધામાં મહાવીર કેન્સર હોસ્પિટલ અને સેનેટોરિયમ બંને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. તેઓએ કહ્યું કે એક જ છત નીચે કેન્સર માટે આઈડેન્ટિફિકેશનથી લઈને રિહેબિલિટેશન સુધીની તમામ સારવાર અને સુવિધાઓ ઉપલબ્ધ બનાવી છે. આ માટે તેઓએ શ્રીમતી રૂપાબેન મહેતા તેમજ સમગ્ર ટીમ અને દાતાઓના મનપૂર્વક ધન્યવાદ પાઠવ્યા હતા. તેઓએ ઉમેર્યું હતું કે સુરત આજે કુદકે ને ભૂસકે વધી રહ્યું છે પશ્ચિમ ભારતની આર્થિક ગતિવિધિનું કેન્દ્ર પણ બન્યું છે. સુરતની વસ્તી વધવા છતાં સ્વચ્છતા સર્વેક્ષણમાં પુરા દેશમાં તે અવ્વલ પણ રહ્યું છે અને હવે સ્વાસ્થ્ય ક્ષેત્રે પણ જાણીતું બનશે.
શ્રી શાહે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે 250 કરોડના ખર્ચે ૨.૭૫ લાખ સ્ક્વેર ફૂટમાં 13 માળની 110 બેડની આ બિલ્ડિંગ આવનારા દિવસોમાં આર્થિક રીતે નબળામાં નબળા નાગરિકો માટે ઉપચાર અને સંભાળ માટેનું ખુબ સુંદર કેન્દ્ર બનશે. એક રીતે સ્વાસ્થ્યને ક્ષેત્રે સુરતને આત્મ નિર્ભર બનાવવાનું કામ આ હોસ્પિટલથી થયું છે. હવે કેન્સરની સારવાર માટે સુરતવાસીઓને મુંબઈ કે અમદાવાદ નહીં જવું પડે. તેઓએ કહ્યું કે 1978 થી મહાવીર હોસ્પિટલ સ્વાસ્થ્ય સંભાળ માટેની આખી શૃંખલાઓ વિકસાવી રહી છે. આ ઉપરાંત આ હોસ્પિટલમાં માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ થી સારવાર શક્ય બનતા ગરીબ માણસોના ગંભીરમાં ગંભીર બીમારીનો ઈલાજ નિશુલ્ક થવાનું પણ શક્ય બનશે.
શ્રી શાહે ઉમેર્યું હતું કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે ઘણા વર્ષોથી કામ કર્યું છે. શ્રી મોદીજીએ પોતાના જીવનમાં અનેક યુગ પરિવર્તનકારી કહી શકાય તેવા કાર્યો કર્યા પણ તે સૌમાં આયુષ્યમાન ભારત યોજના લાવીને આદરણીય મોદીજીએ ખૂબ મોટું કામ કર્યું છે અને જેના કારણે આજે કરોડો ગરીબોને માનસિક તાણમાંથી મુક્તિ મળી રહે છે. આદરણીય મોદીજીએ 5 લાખ સુધીનો ઈલાજ ફ્રી ઓફ કોસ્ટ કરવાથી લગભગ 60 કરોડ લોકોને ઈલાજના ખર્ચની ચિંતામાંથી મુક્તિ આપવાનું કામ કર્યું છે. આ ઉપરાંત 70 વર્ષથી ઉપરના તમામ લોકો માટે દસ લાખ સુધીની નિશુલ્ક સારવાર પૂરી પાડવાથી આજે તમામ સિનિયર સિટીઝન લોકો સન્માન સાથે જીવન જીવી શકે છે. તેઓએ કહ્યું કે 1.75 લાખ આયુષ્યમાન આરોગ્ય મંદિર બન્યા બાદ આઠ વર્ષમાં 317 કરોડ દર્દીઓએ ફૂટ ફોલ સાથે ફ્રી ઈલાજ મેળવ્યો છે.
શ્રી શાહે જણાવ્યું હતું કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર ભારતમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યું છે. આજે 71 કરોડ આભા કાર્ડ, 64 હજાર કરોડ રૂપિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં અને પ્રધાનમંત્રી જન ઔષધી યોજના હેઠળ 10,000 દુકાનો પાછળ 25 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તેઓ કહ્યું કે 75 વર્ષમાં મેડિકલ કોલેજો 387 હતી જે આજે વધીને 766 થઈ છે અને તેમાં પણ 15 વિભાગોમાં ફ્રી ઓફ કોસ્ટ સારવાર આપવામાં આવે છે. પ્રતિ વર્ષ 51 હજાર ડોક્ટર બહાર આવતા હતા. આજે ૧.૧૫ લાખ એમબીબીએસ ડોકટર અને ૭૩ હજાર પીજી ડોક્ટર બહાર આવી રહ્યા છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતમાં આરોગ્ય ક્ષેત્રને હોલિસ્ટિક એપ્રોચ અને સંપૂર્ણતાના દ્રષ્ટિકોણ સાથે ઉપર ઉઠાવવાનું કામ કર્યું છે.
શ્રી શાહે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત અભિયાન, ફિટ ઇન્ડિયા, પોષણ મિશન, મિશન ઈન્દ્ર ધનુષ, જલજીવન મિશન હેઠળ પોણા ભાગના ભારતને શુદ્ધ પીવાનું પાણી સાથે સાથે આયુર્વેદને બળ આપવું, નિયમિત યોગ અભ્યાસ અને ખેલો ઇન્ડિયા જેવા પ્રકલ્પોની મદદથી વ્યક્તિ બીમાર જ ન પડે તેવા પણ પ્રયત્નો કર્યા છે. વ્યક્તિ માંદો જ ન પડે અને કદાચ પડે તો તે માટે હેલ્થ કેર ક્ષેત્રે આમૂલ પરિવર્તન આદરણીય મોદીજીએ કર્યું છે. તેઓએ કહ્યું કે કોંગ્રેસના વખતમાં ૧૯૧૩_ ૧૪માં હેલ્થ સેક્ટરનું બજેટ 37 હજાર કરોડ હતું જેને ત્રણ ગણું વધારીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 98 હજાર કરોડ કરવામાં આવ્યું છે. ગરીબો થી લઇ અને ધનિક સુધીના તમામના આરોગ્યની ચિંતા શ્રી મોદીજીએ કરી છે.
શ્રી શાહે અંતમાં મહાવીર કેન્સર હોસ્પિટલના તમામ ટ્રસ્ટીશ્રીઓ અને દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને કદાચ કોઈ ગરીબ પાસે કોઈ કાર્ડ ઉપલબ્ધ ન હોય તો પણ સારવારમાં કચાશ ન રહે તેવી અપીલ પણ કરી હતી.
સુરત ખાતેના આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા,મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, મહાવીર કેન્સર હોસ્પિટલના અધ્યક્ષ શ્રીમતી રૂપાબેન મહેતા, સુરત શહેર ભાજપા અધ્યક્ષ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, દાતાશ્રીઓ, જૈન શ્રેષ્ઠીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
