સૌ નાગરિકોને વિશ્વકર્મા જયંતિની હાર્દિક શુભેચ્છાઓ પાઠવતાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

BJP GUJARAT NEWS અમદાવાદ

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, વિશ્વકર્મા જયંતિના પાવન અવસરે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ રાજ્યભરના નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, વેદોમાં કહેવાયું છે કે સમગ્ર સંસારની રચના અથવા તેના સાથે સંકળાયેલું નિર્માણ જે કરે તેને વિશ્વકર્મા કહેવામાં આવે છે. મહા સુદ તેરશના દિવસે ભગવાન વિશ્વકર્મા પ્રભુની જન્મજયંતિ ઉજવાય છે. જેમ વિશ્વના સર્જનહાર બ્રહ્માજી દ્વારા ચાર વેદો પ્રગટ થયા, તેવી જ રીતે બ્રહ્માજીના માનસપુત્ર ભગવાન વિશ્વકર્માજી દ્વારા સ્થાપત્ય દેવની રચના થઈ. ભગવાન વિશ્વકર્મા દેવતાઓમાં શિલ્પકાર તરીકે ઓળખાય છે, વિશ્વકર્મા સમાજના પ્રત્યેક નાગરિકોને ગર્વ છે કે આપણે સૌ વિશ્વકર્માજીના પુત્રો છીએ.

શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ઉમેર્યું કે, દેવી-દેવતાઓના ભવન, મહેલ, રથ અને હથિયારોનું નિર્માણ ભગવાન વિશ્વકર્માજીએ કર્યું હતું, જેનો ઉલ્લેખ પુરાણોમાં જોવા મળે છે. ભગવાન વિશ્વકર્માજીએ અનેક રચનાઓ કરી છે. દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણનું દ્વારકા નગરીનું નિર્માણ, પાંડવો માટે ઇન્દ્રપ્રસ્થ અને હસ્તિનાપુર તેમજ લંકાનું નિર્માણ પણ ભગવાન વિશ્વકર્માજી દ્વારા થયું હોવાનું શાસ્ત્રોમાં વર્ણન છે. હિન્દુ ધર્મમાં ભગવાન વિશ્વકર્માનું સ્થાન અત્યંત મહત્વપૂર્ણ છે. વિશ્વકર્મા પ્રભુ સત્યમ, શિવમ, સુંદરમના રૂપમાં પ્રગટ છે અને તેમણે ક્યારેય જાતિ, વર્ણ, રંગ, ધર્મ કે સંસ્કૃતિના આધારે ભેદભાવ રાખ્યો નથી. વિશ્વકર્મા સમાજનું પેનથી લઈને પ્લેન બનાવવા સુધીના દરેક ક્ષેત્રમાં આગવું યોગદાન રહ્યું છે. આવનાર પેઢીમાં ભગવાન વિશ્વકર્મા પ્રત્યેની લાગણી ઉદભવિત થાય, વિશ્વકર્માજીના પુત્રો સમાજ અને રાષ્ટ્ર માટે શું કાર્ય કરી રહ્યા છે તેની સ્પષ્ટ છાપ ઊભી થાય તે જરૂરી હોવાનું તેમણે જણાવ્યું.

શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું કે, દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકસભામાં પોતાના પ્રથમ સંબોધનમાં ભગવાન વિશ્વકર્માના નામનો ઉલ્લેખ કર્યો હતો. શ્રી મોદીજીએ પીએમ વિશ્વકર્મા યોજના લોન્ચ કરીને વિશ્વકર્મા સમાજના ભાઈ-બહેનોની કુશળતા, પરંપરાગત હુનર અને આધુનિક સમયના આર્કિટેક્ટ તથા એન્જિનિયરોની કાર્યક્ષમતાને જીવંત રાખવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. તેમણે ભગવાન વિશ્વકર્માના આશીર્વાદથી વિશ્વકર્મા સમાજની પ્રગતિ સાથે શ્રેષ્ઠ અને દિવ્ય ભારતના નિર્માણ માટે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્ર સાથે સમર્પિત થવા અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *