ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પરિણામ આજ રોજ જાહેર થયા છે જેમા ભારતીય જનતા પાર્ટીનો ભવ્યતી ભવ્ય વિજય થયો છે જે સંદર્ભે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રિયજળશક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલજી તેમજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધનમાં હળવી શૈલીમાં આજે કોઇ પ્રશ્ન રહ્યો નથી તેમ જણાવતા કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ નો કાર્યમંત્ર છે કે સૌનો સાથ,સૌનો વિકાસ,સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ સાથે કાર્યકર્તાઓ એક થઇ સંગઠન અને ચૂંટાયેલ પાખ જે રીતે કામ કરે છે તેના પરિણામે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભવ્ય જીત મળી છે. આવનાર દિવસમાં પ્રજાના દરેક પ્રશ્નોનું નિવારણ લાવી જનતાનો વિશ્વાસ વધુ મજબૂત થાય તે દિશામાં કાર્ય કરીશું.
શ્રી સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભવ્ય જીત મળી છે. આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની લોકપ્રિયતા અને લોકોમાં તેમનો વિશ્વાસ આજે સમગ્ર દેશમાં જોવા મળે છે. મોદી સાહેબનો અશ્વમેઘ યજ્ઞના ઘોડાને પકડવાની કે રોકવાની કોઇ પણ પાર્ટી કે પાર્ટીના નેતાની ક્ષમતા નથી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પાસે જનતાનું અદભૂતપુર્વ જનસમર્થન છે જેમાં અન્ય રાજકીય પાર્ટીના આગેવાનો અંજાઇ જાય છે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પ્રત્યેનો વિશ્વાસ તેમજ દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબનું માર્ગદર્શન અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલમના નેતૃત્વમાં થયેલા વિકાસના કાર્યો અને જનસંપર્ક સહિત ભાજપના તમામ કાર્યકર્તાઓએ કરેલી અથાગ મહેનતનું પરિણામ છે. ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ એક ટીમ તરીકે કાર્ય કર્યુ છે જેના પરિણામે ભવ્ય જીત પ્રાપ્ત થઇ છે જે બદલ ભાજપના પાયાના કાર્યકર્તાઓને અભિનંદન.ભવ્ય જીત બદલ આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબ તેમજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલનો પણ આભાર વ્યકત કરુ છું.
શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપાએ જે પરિણામની કલ્પના કરી હતી તેમા થોડી કચાસ રહી ગઇ છે અમે 68 માથી 68 પર વિજય મેળવવા માંગતા હતા પરંતુ 2 બેઠક એસ.પીને મળી, એક બેઠક કોંગ્રેસને મળી. ગત વખતે કોંગ્રેસ પાસે જે 13 બેઠકો હતી તેમાથી ફકત એક બેઠક જીતી શક્યા છે. ગત વખત કરતા આ વખતે ભાજપની 14 બેઠકો વધી છે. 60 બેઠકો પર ભાજપ સ્પષ્ટ જંગી મતો સાથે જીત્યુ છે. આ વખતની ચૂંટણીમાં 7 જેટલી નગરપાલિકામાં કોંગ્રેસનું ખાતુ ખુલ્યુ નથી અને બાકીની બેઠકોમાં પણ ઓછી બેઠક મળી છે આ પરિણામ જોતા ખ્યાલ આવે છે કે કોંગ્રેસ મુકત ગુજરાત થઇ રહ્યુ છે. પોતાને નેતા કહેતા આંકલાવના ઘારાસભ્યે તો તેમના પક્ષના ઉમેદવારને મેન્ડેટ આપવાની હિમંત જ દાખવી નહી તે જ બતાવે છે કે કોંગ્રેસના આગેવાનો પ્રત્યે કાર્યકર્તાઓની નારાજગી સાથે હિમંત ગુમાવી દીધી છે તે દેખાઇ રહ્યુ છે.
શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપનો સ્ટ્રાઇકરેટ 96 ટકાનો રહ્યો છે તે એક રેકોર્ડ છે. ભવ્ય જીત સાથે ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનોની જવાબદારી વધી છે. જનતાએ ભાજપ પ્રત્યે મુકેલો વિશ્વાસ એડે નહી જવા દઇએ અને વધુ વિશ્વાસ વધે તે દિશામાં કાર્ય કરીશું. આ જીતથી સ્પષ્ટ થાય છે કે આવનાર દસ મહિના પછી મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામનું પ્રતિબિંબ આજે મળી ગયું છે. જીતેલા ઉમેદવારો અને કાર્યકર્તાઓ જીતના વઘમણા ચોક્કસ કરે પરંતુ જવાબદારી વધી છે ,જનતાનો વિશ્વાસ વધ્યો છે તે જાળવવા પ્રયત્ન કરે. સત્તા અને સંગઠન સાથે મળી ગુજરાતના વિકાસને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરીશું.
આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશના ઉપાધ્યક્ષશ્રીઓ શ્રી ગોરઘનભાઇ ઝડફીયા,શ્રી જયંતિભાઇ કવાડીયા, પ્રદેશ મહામંત્રીશ્રીઓ શ્રી રજનીભાઇ પટેલ,શ્રી વિનોદભાઇ ચાવડા, પ્રદેશ કોષાધ્યક્ષશ્રી સુરેન્દ્ર કાકા સહિત પ્રદેશના હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
