ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, આજરોજ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ દિગ્વિજય દિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી અને પ્રદેશ મહામંત્રીશ્રીઓ ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, શ્રી અનિરુદ્ધભાઈ દવે, શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ અને આગેવાનશ્રીઓએ પ્રદેશ ભાજપા કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગર ખાતે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું છે કે, શ્રી સ્વામી વિવેકાનંદજીએ ભારતીય સંસ્કૃતિની આધ્યાત્મિક વિરાસતને વિશ્વના ખૂણે-ખૂણે પહોંચાડી ભારતનું ગૌરવ પુનઃસ્થાપિત કર્યું હતું. તેમના તેજસ્વી વ્યક્તિત્વ અને ઓજસ્વી વાણીમાં એવું સામર્થ્ય હતું કે તેમણે ભારતીય જનમાનસમાં રાષ્ટ્રજાગૃતિના પ્રાણ ફૂંક્યા. તેઓએ ‘કર્મયોગ’ને પ્રાધાન્ય આપ્યું અને યુવાનોને શીખવ્યું કે આત્મવિશ્વાસ અને દૃઢ સંકલ્પ જ સફળતાની ચાવી છે. “ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો”, તેમના આ ક્રાંતિકારી આહવાને લાખો યુવાનોને આળસ ત્યાગીને પરાક્રમ તરફ વાળ્યા છે. વિવેકાનંદજીના વિચારોમાં રહેલી એ ઊર્જા આજે પણ એટલી જ પ્રસ્તુત છે, જે આવનારી અનેક પેઢીઓને સમાજ પ્રત્યેના ઉત્તરદાયિત્વ અને નૈતિક મૂલ્યો પ્રત્યે જાગૃત રાખતી રહેશે. તેમનું યોગદાન ઇતિહાસના પાનાઓ પર એક અમર દીવાદાંડી સમાન છે જે દેશના ઘડતરમાં સદાય માર્ગદર્શન પૂરું પાડશે.
