ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે માણસા ખાતે રાજ્ય સરકારની અર્બન સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોજના અંતર્ગત સર્વોદય હાયર એજ્યુકેશન સોસાયટી ખાતે અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના લોકાર્પણ સહિત રૂપિયા 267.37 કરોડના વિવિધ વિકાસલક્ષી અને પ્રજાલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું હતું.
આ પ્રસંગે સંબોધન કરતા શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં રમતગમત અને વિવિધ સ્પોર્ટ્સ માટે સુંદર વાતાવરણ અને ઇન્ફ્રાસ્ટ્રકચર બની રહ્યું છે. માણસામાં આજે બનેલા આ અધ્યતન સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં યુવાનો એ માણસાના નગરજનોને વિવિધ રમતો માટે ઉત્કૃષ્ટ સુવિધા ઉપલબ્ધ થવાની છે. ફક્ત ખેલાડીઓ જ નહિ માણસના ઉત્સાહી અને આરોગ્યપ્રેમી યુવાનો અને નગરજનો નજીવા ટોકન દરે સવારે ૬ થી ૧૧ સ્પોર્ટ્સ સંકુલના આધુનિક જીમનેશિયમનો ઉપયોગ કરી શકે તે અંગે વહીવટી તંત્રને જાણ કરી છે.
શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ અમદાવાદ સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષે એવા સ્પોર્ટ્સ હબ સીટી તરીકે વિકસિત કરાઇ રહ્યું છે. 2030 માં 117 દેશના ખેલાડીઓ કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદ આવવાના છે. 2029 માં આંતરરાષ્ટ્રીય સ્તરની પોલીસ અને ફાયર સર્વિસની ગેમ્સનું આયોજન પણ અમદાવાદમાં થવા જઈ રહ્યું છે. 2036 નું ઓલમ્પિક પણ અમદાવાદમાં થાય તે માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે.
શ્રી શાહે કહ્યું કે, છેલ્લા ત્રણ ચાર વર્ષમાં માણસા તેમજ માણસાની આસપાસના વિસ્તારોમાં ના અનેક કામો હાથ ધરાયા છે. રૂ. 235 કરોડના ખર્ચે અંબોડ ખાતે, રૂ. 260 કરોડના ખર્ચે રામપુર ખાતે તેમજ ગાંધીનગર ખાતે બેરેજ બનવાથી બારેય માસ નદીમાં પાણી રહેવાથી આ વિસ્તારમાં પાણીના તળ ઉંચા આવશે. ઉપરાંત ધરોઈ કમાન્ડ વિસ્તારમાં નર્મદાનું પાણી ગામડાઓ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરાઇ રહી છે. માણસામાં રૂપિયા 250 કરોડના ખર્ચ થી ૧૧ માળની આધુનિક સિવિલ હોસ્પિટલ બનાવાઈ રહી છે પૂર્ણ થવા પર તમામ રોગોની સારવાર માણસમાં જ મળી રહેશે. માણસાની સિવિલ હોસ્પિટલ સાથે વિજાપુર ગોઝારિયા અને માણસા એમ ત્રણેય ક્ષેત્રના પીએચસી અને સીએચસી દ્વારા સમગ્ર પંથકના નાગરિકોને યોગ્ય આરોગ્ય સુવિધા મળે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.
શ્રી શાહે જણાવ્યું હતું કે, ત્યાં રૂ.110 કરોડના ખર્ચે માણસા થી કલોલ તેમજ રૂ. 80 કરોડના ખર્ચે ગાંધીનગર માણસા ફોરલેન હાઇવેનું કામ પૂર્ણ થયું છે. તેમજ રૂ.110 કરોડના ખર્ચે માણસા થી પિલવાઇ તેમજ રૂપિયા રૂ.100 કરોડના ખર્ચે બાલવા થી ગોઝારીયા ફોરલેન રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે. માણસાને જોડતા રસ્તાઓ ફોરલાઈન બનવાથી માણસાના વિકાસની ગતિ પણ વધશે. માણસામાં રેલવે લાવવાનું કાર્ય પણ પૂર્ણ થયું છે. આજે આધુનિક ફાયર સ્ટેશન, સર્કિટ હાઉસ, પોલીસ સ્ટેશન, બે ઓવરહેડ ટાંકી, પંપ હાઉસ, ગટરના પાણીના નિકાલની વ્યવસ્થા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ સહિતના પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે. સાતત્યપૂર્ણ પ્રયાસોથી જુના માણસાના 13 તળાવોને એકબીજા સાથે જોડી સુંદર પિકનિક સ્પોટ સ્થળ બનાવી તેમાં નર્મદાના પાણીથી ભરાયેલા રાખવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
શ્રી શાહે કહ્યું કે, મહમૂદ ગઝનવી દ્વારા સોમનાથ મંદિર પર થયેલા પ્રથમ હુમલાના ૧૦૦૦ થવા પર પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ 11 મી જાન્યુઆરીએ સોમનાથ ખાતેથી સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત કરાવી છે. મહમૂદ ગઝનવી, અલાઉદ્દીન ખીલજી, અહમદશાહ, મહંમદ બેગડા તેમજ ઔરંગઝેબ સહિતના આક્રમણકારીઓએ સોમનાથ મંદિર પર હુમલો કરી અનેક વખત તેને તોડવાના પ્રયાસો કર્યા. સોમનાથ પરનો હુમલો એ ફક્ત મંદિર પરનો હુમલો નહીં પણ વિશ્વાસ, ધર્મ અને સ્વાભિમાન ઉપરનો હુમલો હતો તેનો જવાબ દેશે અડીગ રહી સ્વાભિમાનની રક્ષાથી આપ્યો. એ મંદિર તોડનારા ગુમ થઈ ગયા પરંતુ 1000 વર્ષ પછી પણ આજે સોમનાથનું મંદિર અડીગ રીતે સોમ સમુદ્ર કિનારે ઉભું છે.
શ્રી શાહે જણાવ્યું કે, અનેક વખત તોડાયા બાદ પણ સોમનાથ મહાદેવનું મંદિર આજે ગગનચુંબી ભગવી ધ્વજા સાથે એ જ સ્થાને પ્રસ્થાપિત છે અને અને સંદેશ આપી રહ્યું છે કે સનાતન ધર્મ ભારતીય સંસ્કૃતિ અને ભારતના લોકોની આસ્થાને મિટાવવી શક્ય નથી તે સૂર્ય અને ચંદ્ર જેટલી અમર અને અમીટ છે. દેશની આઝાદી બાદ શ્રી સરદાર પટેલ, શ્રી કે, એમ.મુનશી, શ્રી જામસાહેબ તેમજ પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્ર પ્રસાદ જેવા મહાનુભાવો એ સંકલ્પ કરી મંદિરના પુનઃ નિર્માણનું બીડું ઉઠાવ્યું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભવ્ય સોમનાથ કોરીડોર બની રહ્યો છે. સોમનાથ એ ભારતના વિશ્વાસ, આસ્થા અને ગૌરવનું પ્રતીક છે. એક વર્ષ સુધી ચાલનારા સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન આપણે સમગ્ર દેશના પ્રત્યેક ગામડામાં અને ખૂણા ખૂણા સુધી આપણા સોમનાથની મહાન ગાથા અને ભારતના સ્વાભિમાની આ હજાર વર્ષની યાત્રાને જણાવવાની છે.
શ્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વમાં 11 મા ક્રમાંકથી ચોથા ક્રમાંક એ પહોંચી છે અને આગામી વર્ષ 2027 ના અંત સુધીમાં આપણે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યા છીએ. દેશની આઝાદીના શતાબ્દી વર્ષ 2047 સુધીમાં ભારત દરેક ક્ષેત્રમાં વિશ્વમાં પ્રથમ ક્રમાંકે હોય તેવા વિકસિત ભારતની રચના સાથેના સંકલ્પ સાથે દેશની કરોડો જનતા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આગળ વધી રહી છે. શ્રી મોદીજીએ વિકસિત ભારતની રચનાનો પાયો નાખવાનું બીડું લીધું છે. આવનાર 25 વર્ષ એ દેશના યુવાનો માટે પુરુષાર્થ, મેઘા અને હિંમત સાથે ભારતને દુનિયામાં સર્વોચ્ચ સ્થાન તરફ લઈ જવાનો સમયગાળો છે. શ્રી શાહે વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યો માટે રાજ્ય સરકારના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી તેમજ સ્થાનિક સંસદસભ્ય અને ધારાસભ્યનો સતત સક્રિયતા દાખવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં સાંસદશ્રીઓ શ્રી હરિભાઈ પટેલ, શ્રી મયંકભાઇ નાયક, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, જિલ્લા ભાજપા પ્રમુખશ્રી અનિલભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ શ્રી જે. એસ. પટેલ, શ્રી બકાજી ઠાકોર, શ્રી અલ્પેશજી ઠાકોર, શ્રી બલરાજસિંહ ચૌહાણ, ટ્રસ્ટીગણ સહિત અગ્રણીઓ, સબંધિત અધિકારીગણ અને વિશાળ સંખ્યામાં માણસાના નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
