ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, આજે મહારાષ્ટ્રની મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપા અને સાથી પક્ષોની મહાયુતિને પ્રચંડ બહુમતિ સાથે જનતાએ આશીર્વાદ આપ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘ ખાતે પ્રદેશ મહામંત્રીશ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટની ઉપસ્થિતિમાં ભાજપા અગ્રણીઓ અને કાર્યકરોએ ‘ભારતમાતા કી જય‘ ના પ્રચંડ જયનાદ સાથે ફટાકડા ફોડી તેમજ મોં મીઠું કરી મહાયુતિની ભવ્ય જીતની ઉજવણી કરી હતી.
આ પ્રસંગે પ્રદેશ ભાજપાના મુખ્ય પ્રવકતાશ્રી ડૉ. અનિલભાઈ પટેલે મીડિયાને સંબોધન કરતા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીશ્રી દેવેન્દ્રજી ફડણવીસ અને સાથી પક્ષોની કામગીરી પર સમર્થન દર્શાવી પ્રચંડ જનાદેશ આપવા બદલ મહારાષ્ટ્રની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે જનતાએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના વિકસિત ભારતના નિર્માણના સંકલ્પને સમર્થન દર્શાવ્યું છે, આ ડબલ એન્જિન સરકારની જીત છે. જનતાએ કોંગ્રેસ અને ઉદ્વવ સેનાની નકારાત્મક રાજનીતિને નકારી કાઢી શ્રી મોદીજી અને શ્રી ફડણવીસજીના નેતૃત્વ પર મહોર મારી છે.
