રાત-દિવસ પ્રજાના પ્રશ્નો, સમસ્યાઓ અને ચિંતાઓને ઉજાગર કરવા કાર્ય કરતું મીડિયા સરકાર અને પ્રજા વચ્ચે વિશ્વાસનો સેતુબંધ – શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

BJP GUJARAT NEWS અમદાવાદ

આજરોજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રદેશ ભાજપા કાર્યાલય “શ્રી કમલમ”, કોબા, ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં મીડિયાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, મીડિયાનો પ્રત્યેક કર્મચારી રાત-દિવસ પ્રજાના પ્રશ્નો, સમસ્યાઓ અને ચિંતાઓને ઉજાગર કરવા કાર્ય કરતો હોય છે. સરકારની સારી બાબતોને પ્રજાસમક્ષ મૂકવાની સાથે સાથે સરકારની નબળી બાબતોને પણ મીડિયા પ્રજા સમક્ષ રજૂ કરે છે. મીડિયા એ સરકાર અને પ્રજા વચ્ચેનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે. સરકાર અને જનતા વચ્ચેનો વિશ્વાસનો સેતુબંધ એટલે મીડિયાનાં મિત્રો. મીડિયા સમાજનું દર્પણ છે.

શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, કેજરીવાલની કઠપુતળી સમાન ભગવંત માન સરકાર દ્વારા પંજાબમાં જે રીતે મીડિયા પર દમનકારી કાર્યવાહી કરવામાં આવી રહી છે તે લોકશાહી માટે અત્યંત ચિંતાજનક છે. કેજરીવાલના ઈશારે પંજાબમાં ભગવંત માન સરકાર દ્વારા મીડિયાં પર સતત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, જે લોકતંત્રના ચોથા સ્તંભ પર ખુલ્લેઆમ આઘાત સમાન છે. જે પણ મીડિયા સંસ્થાઓ સાચા અને નિષ્પક્ષ સમાચાર પ્રકાશિત કરે છે, તેમના પર રેડ, ફરિયાદો અને દબાણની રાજનીતિ કરવામાં આવી રહી છે. તાજેતરમાં પંજાબ કેસરી ગ્રુપની ભટિંડા સ્થિત પ્રિન્ટિંગ પ્રેસમાં કોઈ નોટિસ વિના, કોઈ અધિકૃત આદેશ વિના પંજાબ પોલીસે રેડ પાડી હતી. આ દરમિયાન પત્રકારો તથા અખબારના કર્મચારીઓ સાથે મારમારી કરવામાં આવી, અનેક કર્મચારીઓને ઇજા પહોંચાડવામાં આવી અને અખબારની ઓફિસનું તાળું તોડી નાખવામાં આવ્યું. ગેરકાયદેસર રીતે કર્મચારીઓની અટકાયત કરવામાં આવી અને ઇજાગ્રસ્ત કર્મચારીઓને ભટિંડા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવાં પડ્યા. આ ઘટના લોકતંત્ર પર સીધો હુમલો છે, જેને ગુજરાત ભાજપા કડક શબ્દોમાં વખોડે છે.

શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, આ પહેલી વાર નથી જ્યારે અરાજકતાવાદી કેજરીવાલ સરકારના ઈશારે પંજાબમાં મીડિયા પર હુમલો કરવામાં આવ્યો હોય. અગાઉ પણ અનેક વખત આમ આદમી પાર્ટીની સરકારે મીડિયા પ્રત્યે સંકુચિત અને દમનકારી વલણ દાખવ્યું છે. જલંધર ખાતે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ પોલીસ દળ સાથે મળીને સૂરાનુસી પ્રિન્ટિંગ પ્રેસમાં ગેરકાયદેસર રીતે ઘુસ્યા, અખબારના કર્મચારીઓ સાથે મારપીટ કરી, તાળું તોડી ખોટી રીતે અટકાયત કરી. કેજરીવાલના નેતૃત્વ હેઠળની ભગવંત માન સરકાર દ્વારા મીડિયાનો અવાજ દબાવવાનો આ ઘૃણાસ્પદ પ્રયાસ છે, જેની જેટલી નિંદા કરીએ તેટલી ઓછી છે. ૨ નવેમ્બર, ૨૦૨૫ના રોજ મધ્યરાત્રિએ કેજરીવાલના કહેવાથી પંજાબ પોલીસે પંજાબમાં પ્રકાશિત થતા તમામ અખબારોની પ્રેસવાન ગેરકાયદેસર રીતે જપ્ત કરી હતી. ડ્રાઇવરોના મોબાઇલ ફોન છીનવી લેવામાં આવ્યા, તેમને કલાકો સુધી બંધક બનાવવામાં આવ્યા અને કેજરીવાલની ટીકા કરતા સમાચાર પ્રકાશિત કરનારા અખબારોની નકલો સળગાવી દેવામાં આવી હતી. આ ઘટના લોકશાહી પર કાળો ડાઘ નથી તો શું છે?, તેવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો. કેજરીવાલના આદેશ પર ભગવંત માન સરકારે પંજાબમાં પ્રકાશિત થતા પ્રખ્યાત પંજાબી અખબાર ‘અજિત’ ગ્રુપ સામે FIR દાખલ કરીને દબાણ બનાવ્યું હતું. ત્યારબાદ આમ આદમી પાર્ટીની સરકારે એવા યુટ્યુબર્સ સામે પણ દરોડા પાડ્યા અને ફરિયાદો નોંધાવી હતી, જેમણે ભગવંત માન સરકારની નીતિઓની ટીકા કરી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે પણ ભારતીય જનતા પાર્ટી સહિત કોઈ પણ વિપક્ષી પક્ષ પંજાબમાં પ્રેસ કોન્ફરન્સ કે કાર્યક્રમનું આયોજન કરે છે ત્યારે કાયર કેજરીવાલ પંજાબ પોલીસ મારફતે તમામ મીડિયા ગૃહો પર જીવંત પ્રસારણ ન કરવા અને સમાચાર પ્રકાશિત ન કરવા દબાણ કરે છે. ઘણી વખત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન લાઇટો કાપી નાખવામાં આવે છે અથવા સિગ્નલ જામ કરી દેવામાં આવે છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર કેજરીવાલના દબાણ હેઠળ જે રીતે તમામ મીડિયા જૂથો પર અત્યાચાર કરી રહી છે તે સંપૂર્ણપણે ગેરવાજબી અને લોકશાહી વિરોધી છે. આ પરિસ્થિતિ આપણને કોંગ્રેસ સરકાર દ્વારા ઇમરજન્સી દરમ્યાન મીડિયા પર કરવામાં આવેલા હુમલાની યાદ અપાવે છે. પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પંજાબમાં મીડિયાં પર થતા આવા તમામ દમનકારી પગલાંઓની કડક શબ્દોમાં નિંદા કરી મીડિયા ને કોઈ જાતનો ડર રાખ્યા સિવાય સત્ય માટે અવાજ ઉઠાવવા દેશના લોકશાહી પ્રેમી નાગરિકોને પંજાબમાં ચાલી રહેલી આ પ્રકારની તાનાશાહી સામે અવાજ ઉઠાવવા અપીલ કરી હતી. તેમણે કેજરીવાલને ટાંકીને કહ્યું કે, “બેઠે થે જો દિલ્હી કે પદ પર ગુમાન કે શહેનશાહ બન કે, જનતા જનાર્દન કે આશીર્વાદ સે વો રહ ગયે ઝીરો બન કે”.

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની ટીએમસી (TMC)ના શાસન હેઠળ ચાલી રહેલા ભય, દબાણ અને રાજકીય હિંસાના ગંભીર મુદ્દે પ્રતિક્રિયા આપતા શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળની ધરતી, જે એક સમયે તેની લોકશાહી ચેતના અને બૌદ્ધિક પરંપરા માટે જાણીતી હતી, આજે ટીએમસીના શાસન હેઠળ ભય, બળજબરી અને રાજકીય હિંસાની પ્રયોગશાળા બની ગઈ છે. આજે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું પશ્ચિમ બંગાળમાં ચૂંટણી ફરજ બજાવવી હવે કોઈના જીવન માટે જોખમ બની ગઈ છે? તાજેતરમાં જાદવપુર વિધાનસભા મતવિસ્તારના બૂથ નંબર ૧૧૦ના બૂથ લેવલ ઓફિસર (BLO) શ્રી અશોક દાસ પર વોર્ડ નંબર ૧૦૯ના ટીએમસી નેતાઓ અનન્યા બેનર્જી અને રાજુ બિશ્વાસ દ્વારા મતદાર યાદીમાંથી કોઈ પણ ગેરકાયદેસર મતદારોને દૂર ન કરવા સતત દબાણ અને ધમકીઓ આપવામાં આવી હતી. તેમને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપવામાં આવી હતી કે જો તેઓ મતદાર યાદીમાંથી કોઈ પણ ગેરકાયદેસર મતદારોને દૂર કરશે, તો તેમને મારી નાખવામાં આવશે અને તેમની પત્ની તથા નાના બાળકને પણ નુકસાન પહોંચાડવામાં આવશે. સતત માનસિક દબાણ, ભય અને અસલામતીએ શ્રી અશોક દાસને આત્મહત્યા કરવા માટે મજબૂર કરી દીધા.

શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું કે, જ્યારે કોઈ સરકારી કર્મચારીને એવું કહેવામાં આવે કે કાયદો તેનું રક્ષણ નહીં કરે, પોલીસ સરકારના ઈશારે કામ કરશે અને સત્યની કિંમત જીવનથી ચૂકવવી પડશે, ત્યારે તે ફક્ત એક વ્યક્તિની દુર્ઘટના નથી રહેતી, પરંતુ તે લોકશાહીની હત્યા બની જાય છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે, શું આ માત્ર આત્મહત્યા છે કે પછી શાસક પક્ષના દબાણથી દબાયેલા એક પ્રામાણિક અધિકારીનો મૌન ચીસો ભર્યો અવાજ છે? આ ઘટનાના પરિપ્રેક્ષ્યમાં તેમણે કહ્યું કે, આજે પશ્ચિમ બંગાળમાં TMCની એક નવી વ્યાખ્યા ઉભરી આવી છે. T- તુષ્ટિકરણની રાજનીતિ, M– માફિયા અને ગુંડારાજ અને C– ક્રાઈમ કલ્ચર. તેઓએ મમતા બેનર્જી પર સવાલ કરતા કહ્યું કે, પોતાની જાતને લોકશાહીના રક્ષક કહેનારા આજે ચૂપ કેમ છે? શું બંગાળમાં ઘૂસણખોરોને બચાવવાનું રાજકારણ એટલું મહત્વનું બની ગયું છે કે નાગરિકો, ચૂંટણી અધિકારીઓ અને તેમના પરિવારોના જીવનનું કોઈ મૂલ્ય જ રહ્યું નથી?

તેમણે જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં આજે રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓ સિવાય કોઈ સુરક્ષિત નથી. કારણ કે મમતાદીદીની સરકાર ગેરકાયદેસર ઘુસણખોરોને સુરક્ષા આપી રહી છે, જે તેમની વોટ બેંક છે. TMC ઘુસણખોરો અને ખોટા મતદારોના દમ પર ચૂંટણી જીતવા માગે છે. જ્યારે ચૂંટણી આયોગ મતદાર યાદીની ચકાસણી શરૂ કરે છે, ત્યારે TMC સંવિધાનિક સંસ્થાઓ પર જુઠ્ઠા આક્ષેપો કરવા લાગે છે, કારણ કે આ પ્રક્રિયા તેમની વોટ બેંકને નુકસાન પહોંચાડનારી છે. ઉત્તર દિનાજપુરના ચાકુલિયામાં BDO ઓફિસમાં SIR સુનાવણી દરમિયાન TMCના તોફાનીઓએ ઓફિસમાં આગ લગાવી, મશીનરી તોડી નાખી અને અધિકારીઓ પર હુમલો કર્યો. આ માટે બહાનું આપવામાં આવ્યું કે ‘લઘુમતીઓના નામ દૂર કરવામાં આવી રહ્યા છે’, જ્યારે હકીકત એ છે કે ગેરકાયદે મતદારોને બચાવવા માટે આ હિંસા કરવામાં આવી.

શ્રી વિશ્વકર્માએ કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં ઘણા વર્ષોથી મતદાર યાદીમાં લાખો ગેરકાયદેસર નામો હોવાના આરોપો છે. અનેક રિપોર્ટ્સ દર્શાવે છે કે 2011 થી 2019 દરમિયાન રાજ્યમાં વસ્તી રચનામાં અસ્વાભાવિક ફેરફાર થયો છે. ચૂંટણી પંચ દ્વારા શરૂ કરાયેલી વિશેષ મતદારયાદી સુધારણા(SIR) મમતા દીદી અને તેમની પાર્ટીને આંખમાં કણાની જેમ ખુચે છે. કેન્દ્ર સરકાર દ્વારા બાંગ્લાદેશ સીમા પર વાડ બાંધવા માટે જમીન માંગવામાં આવી હતી, પરંતુ TMC સરકારે સહકાર આપવાનો ઇનકાર કર્યો. 72 સંવેદનશીલ વિસ્તારોમાં બોર્ડર ફેન્સિંગ માટે જમીન ન આપવાનો નિર્ણય દેશની સુરક્ષા સાથે સીધો ખિલવાડ છે.

અંતમાં શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ કહ્યું કે, આજે સમગ્ર દેશ મમતા બેનર્જી પાસેથી જવાબ માંગે છે કે, શું અશોક દાસની પત્ની અને અનાથ બાળકને ન્યાય મળશે? શું જવાબદાર TMC નેતાઓ સામે કાર્યવાહી થશે કે તેમને પુરસ્કાર મળશે? શું પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચની સ્વતંત્ર પ્રક્રિયાનું પાલન કરવું હવે મૃત્યુદંડ સમાન બની ગયું છે? આ લડાઈ કોઈ પક્ષ સામે નથી, પરંતુ ભય, દમન અને ચૂંટણીમાં છેતરપિંડીના રાજકારણ સામે છે. ભાજપ આ દમનકારી શાસન સામે ચૂપ નહીં રહે અને શ્રી અશોક દાસને ન્યાય મળે ત્યાં સુધી તથા પશ્ચિમ બંગાળ ભયમુક્ત ન થાય ત્યાં સુધી આ સંઘર્ષ ચાલુ રાખશે.

આ પત્રકાર પરિષદમાં પ્રદેશ ભાજપા મહામંત્રીશ્રી પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ ભાજપના મુખ્ય પ્રવક્તાશ્રી ડૉ. અનિલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *