ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ‘મોદી સરકાર‘ના કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭ સંદર્ભે ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુરની વિશેષ ઉપસ્થિતિમાં આજે વડોદરા ખાતે પ્રોફેશનલ મીટ યોજાઈ હતી. શહેરના આઇ.સી.એ.આઈ. ભવન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં શહેરના અગ્રણી ઉદ્યોગકારો, ચાર્ટડ એકાઉન્ટન્ટસ, વિવિધ ક્ષેત્રના પ્રોફેશનલ્સ અને પ્રબુદ્ધ નાગરિકો સમ્મિલિત થયા હતાં.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ શ્રી અનુરાગ ઠાકુરે તેમના સંબોધનમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળના કેન્દ્ર સરકારના બજેટ અને વિઝનને લોકકલ્યાણકારી ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ બજેટ ‘ગ્રેઈન થી ગીગાબાઈટ’ સુધીના તમામ ક્ષેત્રને સમાવતું અને ‘જન વિશ્વાસ થી જન કલ્યાણ’ના મંત્રને સાર્થક કરતું બજેટ છે. ગત વર્ષે 50.65 લાખ કરોડનું બજેટ હતું, જ્યારે આ વર્ષે 53.47 લાખ કરોડનું બજેટ રજૂ થયું છે. પબ્લિક કેપિટલ એક્સપેન્ડિચર વધારી 12.20 લાખ કરોડ કરવામાં આવ્યું છે, જેના પરિણામે ઇન્ફ્રાસ્ટ્રકચર વિકાસ અને પ્રાઇવેટ સેક્ટરના રોકાણ સાથે કુલ ૧૭ લાખ કરોડ રૂપિયાની લિક્વિડિટી બજારમાં આવતા રોજગાર અને સ્વરોજગારના નવા દ્વાર ખુલશે.
ડિજિટલ ક્ષેત્રે ભારતની સિદ્ધિઓ વર્ણવતા તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જ્યારે ડિજિટલ પેમેન્ટની વાત કરી ત્યારે વિપક્ષી નેતા મજાક ઉડાવતા હતા, પરંતુ આજે એક ‘ચાયવાલા’ ના નેતૃત્વમાં ભારતે ગામડે-ગામડે 5G પહોંચાડ્યું છે. આજે વિશ્વના કુલ ડિજિટલ પેમેન્ટના 50% એકલા ભારતમાં થાય છે. સરકારે 5G અને ગામડે-ગામડે સસ્તો ડેટા પહોંચાડ્યો છે. સ્ટાર્ટઅપ ક્ષેત્રે પણ 2014માં માત્ર 354 સ્ટાર્ટઅપ હતા જે આજે વધીને 2.04 લાખ થયા છે, જેમાં 120 યુનિકોર્ન છે જેનાથી દેશમાં અંદાજે 20 લાખ લોકોને રોજગારી મળી છે.
શ્રી અનુરાગ ઠાકુરે વધુમાં જણાવ્યું કે, અંગ્રેજોના સમયના જટિલ ક્રિમિનલ કાયદાઓને બદલીને મોદી સરકારે વેપારીઓ માટે ભયમુક્ત વાતાવરણ ઉભું કર્યું છે. નાની ભૂલો માટે જેલના બદલે દંડની જોગવાઈ કરીને ‘ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ પર ભાર મૂકવામાં આવ્યો છે. તેઓએ કહ્યું કે, ડિફેન્સ અને મેન્યુફેક્ચરિંગમાં ભારત હવે આયાતકાર નહીં પણ નિકાસકાર બન્યું છે. સંરક્ષણ એક્સપોર્ટ 830 કરોડથી વધીને 26,000 કરોડે પહોંચ્યું છે અને મોબાઈલ ઉત્પાદનમાં 99.5% ઘરેલુ ઉત્પાદન સાથે દેશે સ્વનિર્ભરતા મેળવી છે. ગુજરાત માટે વિશેષ જાહેરાતો કરતા તેમણે જણાવ્યું કે, બાયો ફાર્મા શક્તિ પ્રોગ્રામ હેઠળ 10,000 કરોડની જોગવાઈનો મોટો લાભ ગુજરાતને મળશે. સુરત માટે નવો ફ્રેટ કોરિડોર, ગાંધીનગરમાં ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન હબ અને ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ માટે ગુજરાતને સેન્ટર ઓફ એક્સલન્સ બનાવવાની દિશામાં સરકાર મક્કમ છે. સેમિકન્ડક્ટર મિશન ૨.૦ અને કેમિકલ હબ માટે પણ કરોડોની જોગવાઈ કરવામાં આવી છે.
તેઓએ જણાવ્યું હતું કે, સરકારે ટેક્સ પ્રણાલીને વધુ સરળ બનાવવા માટે નવો ઇન્કમટેક્સ એક્ટ અમલી બનાવ્યો છે અને TDS દરમાં 2% થી ઘટાડીને 1% કર્યો છે. સામાજિક ક્ષેત્રે ‘લખપતિ દીદી’ યોજના હેઠળ 3 કરોડ મહિલાઓને સક્ષમ બનાવવાનું લક્ષ્ય છે, જેમાંથી 2 કરોડ મહિલાઓ લક્ષ્ય હાંસલ કરી ચુકી છે. છેલ્લા 11 વર્ષમાં દેશમાં મેડિકલ કોલેજોની સંખ્યા 350 થી વધીને 760 થઈ છે, જ્યારે IIT, IIM અને એઇમ્સ જેવી સંસ્થાઓમાં પણ મોટો વધારો થયો છે. દેશમાં 74 એરપોર્ટ હતા જે વધીને 165 થયા છે અને વોટર વે ની સંખ્યા 1 થી વધીને 100 થઈ છે. ‘નળ સે જળ’ યોજના હેઠળ 13 કરોડ નવા ઘરોમાં પાણી પહોંચાડીને અને ગામડે-ગામડે વીજળી તેમજ પાકા રસ્તાઓ બનાવીને મોદી સરકારે ‘અંત્યોદય’ના સંકલ્પને ખરા અર્થમાં ચરિતાર્થ કર્યો છે. કોંગ્રેસના શાસનમાં ૧૨ માંથી ૧૧ બેંકો ડૂબવાના આરે હતી, તે આજે મોદી સરકારના રિફોર્મ્સને કારણે સવા લાખ કરોડથી વધુનો નફો કરી રહી છે. એકલી SBI બેંકનો વાર્ષિક નફો 72 હજાર કરોડ રૂપિયા છે. આ બજેટ 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ બનાવવા માટેનો મજબૂત રોડમેપ છે.
રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે રાહુલ ગાંધીને આડેહાથ લેતા શ્રી ઠાકુરે સવાલ કર્યો હતો કે, “જ્યારે ડોકલામની ઘટના બની અને ચીન ઘૂસણખોરીનો પ્રયાસ કરતું હતું, ત્યારે રાહુલ ગાંધી ચીની એમ્બેસેડર સાથે દિલ્હીના બંધ રૂમમાં શું કરી રહ્યા હતા?” તેમણે સ્પષ્ટ કર્યું કે મોદી સરકારમાં સેનાને ખુલ્લી છૂટ આપવામાં આવી છે અને ભારત આજે દુનિયાના કોઈપણ દેશ સામે ઝૂક્યા વગર આંખમાં આંખ મિલાવીને વાત કરે છે. જે કોંગ્રેસ 60 વર્ષમાં ન કરી શકી તે મોદી સરકારે 11 વર્ષમાં કરી બતાવ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પોતે દરેક દિવાળી પરિવાર સાથે નહીં પણ દેશના જવાનો સાથે સરહદ પર ઉજવે છે, તેથી દેશની સુરક્ષા બાબતે કોંગ્રેસના જ્ઞાનની દેશને જરૂર નથી.
શ્રી અનુરાગ ઠાકુરે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળના 11 વર્ષના ભ્રષ્ટાચારમુક્ત શાસન અને ઇમાનદાર પ્રયાસોથી ભારત 2047 સુધીમાં ચોક્કસપણે ‘વિકસિત ભારત’ બનશે. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાન અધ્યક્ષ અને વડોદરાના સાંસદ ડો. હેમાંગભાઈ જોષી એ પ્રાસંગિક સંબોધન કરી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં વૈશ્વિક સ્તરે ભારતની વધતી તાકાત અને બજેટની વિકાસ અને જનહિતને સુનિશ્ચિત કરતી જોગવાઇઓ અંગે વાત કરી હતી. વડોદરા મહાનગર ભાજપા અધ્યક્ષશ્રી ડૉ. જયપ્રકાશ સોનીએ સ્વાગત પ્રવચન કર્યું હતું.
આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રીશ્રી ડો.મનીષાબેન વકિલ, પ્રદેશ ભાજપા યુવા મોરચાના પ્રમુખ અને વડોદરાના સાંસદશ્રી ડો.હેમાંગભાઇ જોષી, પ્રદેશ ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલ, કેન્દ્રીય બજેટ જનજાગરણ અભિયાનના પ્રદેશ ઇન્ચાર્જ શ્રી જૈનિકભાઇ વકીલ, મેયરશ્રી પિન્કીબેન સોની, વડોદરા મહાનગર ભાજપા અધ્યક્ષશ્રી ડૉ. જયપ્રકાશ સોની, ધારાસભ્યશ્રીઓ શ્રી યોગેશભાઈ પટેલ, શ્રી કેયુરભાઈ રોકડિયા, અભિયાનના પ્રદેશ સહ-ઇન્ચાર્જ શ્રી મયુરભાઈ સુથાર સહિત સ્થાનિક ભાજપા આગેવાનો અને અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
