કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭ સંદર્ભે સુરત ખાતે પત્રકાર પરિષદને સંબોધતા પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાની

BJP GUJARAT NEWS અમદાવાદ

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ રજૂ થયેલા કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭ સંદર્ભે આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ સુરત ખાતે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.

શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્તવ્ય પરાયણતાના પથ પર ચાલી દુરંદેશી અને સંકલ્પિત નેતૃત્વ થકી દેશના સામર્થ્યને મજબૂત બનાવવાનું કાર્ય કર્યું છે. આ બજેટના માધ્યમથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રગતિશીલ ભારત થી વિકસિત ભારતના નિર્માણની જે દિશા દર્શાવી છે તેને દેશના નાગરિકોએ વ્યાપક સ્વીકાર અને સમર્થન આપ્યું છે. મેન્યુંફેકચરિંગ, MSME, બાયોફાર્મા અને ક્રિએટીવ ઇકોનોમિ માટે કરવામાં આવેલી જોગવાઇઓને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના મહિલા સશક્તિકરણના સંકલ્પ હેઠળ ૧૦ કરોડ મહિલાઓ સેલ્ફ હેલ્પ ગ્રુપ મારફતે અર્થવ્યવસ્થામાં યોગદાન આપી રહી છે, તેમના માટે ‘શી-માર્ટ’ની જાહેરાત એક મહત્વપૂર્ણ પગલું છે.

તેઓએ કહ્યું કે, બાયોફાર્મા શક્તિ મિશન માટે રૂ.૧૦,૦૦૦ કરોડની જોગવાઇ કરી પ્રધાનમંત્રીશ્રીએ ભારતને વૈશ્વિક આરોગ્ય ક્ષેત્રમાં ભારતને આગળ લાવવા પર ભાર મૂક્યો છે..આજે વિશ્વમાં કુલ રસી ઉત્પાદનનો અંદાજે ૬૦ ટકા હિસ્સો ભારત અને ભારતીય કંપનીઓ દ્વારા પૂરો પાડવામાં આવે છે તે શ્રી મોદીજીના દુરંદેશી નિર્ણયોના પરિણામરૂપ છે. તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં અનેક MSME ઉદ્યોગો છે. MSME ક્ષેત્ર માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ બજેટમાં વિવિધ જોગવાઇ કરવામાં આવી છે, જેનો સુરતના ઉદ્યોગકારોને પણ લાભ મળશે.

શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે, ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્ષેત્રે પ્રધાનમંત્રીશ્રી મોદીજીના વિશેષ ધ્યાનના કારણે ૨૦૧૪માં જ્યાં ૪ મિલિયન ડોલરના એક્સપોર્ટની ચર્ચા થતી હતી ત્યાં આજે ૩૭ મિલિયન ડોલરના એક્સપોર્ટ સુધી ભારત પહોંચ્યું છે. ભારતને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન અને એક્સપોર્ટમાં પ્રથમ ક્રમે પહોંચાડવાની સ્પષ્ટ રૂપરેખા આ બજેટમાં દેખાય છે.

શ્રીમતી ઈરાનીએ વધુમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ વિવિધ રિફોર્મસ થકી અત્યાર સુધી ૩૫૦થી વધુ સુધારા અમલમાં મૂકાયા છે, જેમાં GST રિફોર્મ, લેબર કોડ નોટિફિકેશન અને ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર જેવા મહત્વપૂર્ણ નિર્ણયો સામેલ છે. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ અંગે ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા જાહેર કરેલા ટેક્સટાઇલ પાર્ક અને નેશનલ ટેક્નિકલ ટેક્સટાઇલ મિશનના તેમજ EU અને US સાથેની ટ્રેડ ડીલ બાદ ટેક્સટાઇલ ઉદ્યોગને નવી ગતિ મળશે.

આ પત્રકાર પરિષદમાં પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલ, સુરત મહાનગરના અધ્યક્ષશ્રી પરેશભાઈ પટેલ, રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઈ મોદી સહિત ભાજપા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. પત્રકાર પરિષદ પૂર્વે શ્રીમતી સ્મૃતિ ઈરાનીની વિશેષ ઉપસ્થિતિમાં સુરતના વિવિધ ઇન્ડસ્ટ્રી એસોસિએશન અને પ્રોફેશનલ્સ સાથે બજેટ સંદર્ભે સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *