પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના પ્રાચીન અને પવિત્ર મંદિરમાં દર્શન અને પૂજા- અર્ચના કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

અમદાવાદ

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ પ્રથમ વખત પંચમહાલ જિલ્લાના પ્રવાસે પધારેલા શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના પ્રાચીન અને પવિત્ર મંદિરમાં દર્શન અને પૂજા- અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. કાર્યકર્તા સર્વોપરીની વિચારધારાના પ્રખર સમર્થક ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પાવાગઢના બુથ પ્રમુખ શ્રી રવિભાઈ ચારણના નિવાસે જઈ સવારનો ચા-નાસ્તો કર્યો હતો તેમજ મલાવ-૩ ના બુથ પ્રમુખ શ્રી જીગરભાઇ પટેલના નિવાસસ્થાને બપોરનું ભોજન લીધું હતું. પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને કાલોલ સ્થિત કૃપાલુ આશ્રમ ખાતે વિશાળ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ બુથ પ્રમુખને પણ તેઓની સાથે મંચ પર સ્થાન આપ્યું હતું.

કાર્યકર્તાઓના વિશાળ સમૂહને સંબોધિત કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, 450 વર્ષ પછી પાવાગઢમાં મહાકાળી માતાજીના મંદિરે ધજા ચઢાવવાનો ગૌરવપૂર્ણ પ્રસંગ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં સાકાર થયો છે. ગુજરાત સહિત દેશભરના પવિત્ર યાત્રાધામોના સર્વાંગી વિકાસ માટે ભાજપા સરકાર સતત પ્રતિબદ્ધ છે. પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે કોટિ-કોટિ વંદન અર્પણ કરતાં તેમણે જણાવ્યું કે, બાળપણમાં જ માતા-પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ, મામાને ઘરે રહી અંત્યંત સંઘર્ષપૂર્ણ જીવન જીવ્યા બાદ દીનદયાળજીનો એકાત્મ માનવદર્શન અને અંત્યોદયનો વિચાર એ માત્ર સૂત્ર નથી, પરંતુ છેવાડાના માનવી સુધી સુખ-સુવિધા પહોંચાડવાનો સંકલ્પ છે. પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીની રાજકીય, આર્થિક અને સામાજીક રૂપરેખા રાષ્ટ્રમાટે એક અનમોલ ભેટ છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દેશની 140 કરોડ જનતાની સુખાકારી માટે 24 કલાક 365 દિવસ કાર્ય કરી રહ્યા છે અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના એકાત્મમાનવ દર્શનના વિચારને કાર્યરૂપ આપી રહ્યા છે.

શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, “મારા માટે એક આંખ એટલે જિલ્લાનો પ્રમુખ અને બીજી આંખ એટલે મારા બુથનો પ્રમુખ.” ભાજપનું શક્તિસ્થાન બુથ છે અને કાર્યકર્તા જ પાર્ટીનો આધારસ્તંભ છે. કાલોલ પ્રવાસ દરમિયાન બુથ પ્રમુખ ઘરે ચા-નાસ્તો અને ભોજન કરવાનો અવસર મળવાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે ભાજપ માટે કાર્યકર્તા પરિવાર સમાન છે. આ જ ભાજપની વિચારધારા છે.

તેમણે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી જે કહે છે તે કરે છે. જ્યોતિગ્રામ યોજના દ્વારા ગામડે ગામડે 24 કલાક વીજળી પહોંચાડવાનું ઐતિહાસિક કાર્ય થયું. ગોકુલ ગામ, સમરસ ગામ, વાઈબ્રન્ટ ગુજરાત, મહિલા સશક્તિકરણ, કૃષિ ક્રાંતિ, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવા અનેક પ્રકલ્પો દ્વારા ગુજરાત અને દેશ વિકાસના નવા શિખરો સર કરી રહ્યા છે. અગ્રેસર ગુજરાત એટલે જનતાનો ભાજપ પરનો વિશ્વાસ. અગ્રેસર ગુજરાત એટેલ વિકાસ, વિશ્વાસનો વિજય. આ માત્ર નારો નથી, પરંતુ 30 વર્ષથી ગુજરાતની જનતાએ આપેલા જનાદેશનું પ્રતિબિંબ છે. કોઇ પણ સમાજ વિકાસથી વંચિત ન રહી જાય તેની ચિંતા ભારતીય જનતા પાર્ટી ની સરકાર સતત કરતી આવી છે.

તેમણે જણાવ્યું કે 2004માં અટલબિહારી વાજપેયીજીની સરકારે આદિવાસીઓ માટે અલગ મંત્રાલય રચ્યું. ભગવાન બિરસામુંડાને સાચા અર્થમાં સન્માન આપવાનું કાર્ય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું. ગુજરાત અને દેશની જનતાએ વિકાસની રાજનીતિને સ્વીકારી છે. ન જાતિવાદ, ન પ્રાંતવાદ, પરંતુ સર્વાંગી વિકાસના એજન્ડા પર સતત ત્રણ-ત્રણ વખત ભાજપાને કેન્દ્રમાં બહુમતી મળી છે. ગુજરાતની જનતા અને દેશના 140 કરોડ લોકોનો વિશ્વાસ વડાપ્રધાન શ્રી મોદીજી અને ભાજપ પર અડગ છે, કારણ કે તેઓ છેવાડાના માનવીના કલ્યાણ માટે રાત-દિવસ કાર્યરત છે. દેશના 25 કરોડથી વધુ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવવાનું કામ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યુ છે.

આવનારી તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓના સંદર્ભમાં તેઓએ જણાવ્યું કે ભાજપ અવિરત સેવા કરતી પાર્ટી છે, ભાજપ ફક્ત ચૂંટણી માટે નહીં, જનસેવા માટે કાર્ય કરતી પાર્ટી છે. અટલજીના શબ્દો, “ખુદ સે બડા દલ અને દલ સે બડા દેશ” સુત્રને ભાજપના કાર્યકર્તાઓ સાર્થક કરી રહ્યા છે. ચૂંટણી આવે ત્યારે જ બહાર આવતી કોંગ્રેસને ગુજરાતની જનતાએ ઓળખી લીધી છે. કોંગ્રેસે વર્ષો સુધી વોટબેંકની રાજનીતિ કરી અને વિકાસના નામે શૂન્ય આપ્યું. કોંગ્રેસે માત્ર જનતાને છેતરવાનું અને ભરમાવવાનું કામ કર્યું છે. સમગ્ર પંચમહાલ જિલ્લામાં સમાવિષ્ટ 1400 બુથમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની 450થી વધુ યોજનાઓનો લાભ પ્રત્યેક ઘર સુધી પહોંચાડવા તેઓએ કાર્યકર્તાઓને આહ્વાન કર્યું હતું. કૃપાલુ સમાધી મંદિરની પવિત્ર જગ્યા પર આવી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ધન્યતા અનુભવી હતી.

આ વિશાળ સંમેલનમાં પ્રદેશ ભાજપા મહામંત્રીશ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી જયદ્રથસિંહ પરમાર, જિલ્લા ભાજપા અધ્યક્ષશ્રી મયંકભાઇ દેસાઇ, સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવ, ધારાસભ્યશ્રીઓ સહિત સ્થાનિક ભાજપા સંગઠનના પદાધિકારીઓ, ભાજપા આગેવાનો, અગ્રણીશ્રીઓ તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *