ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહના વરદ હસ્તે અદ્યતન રમત ગમત સંકુલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતુ.
આ ઉપરાંત શ્રી શાહે માણસા ખાતે જ ગરીબો, જરૂરિયાતમંદ લોકો માટે કોઈપણ વ્યક્તિ ભૂખ્યું ન સુવે તેવા ઉમદા હેતુસર શાંતિબા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્વર્ગીય માતૃશ્રી કુસુમબાની સ્મૃતિમાં ચલાવવામાં આવતા નિ:શુલ્ક આહાર કેન્દ્ર ‘કુસુમબા અન્નક્ષેત્ર’ ખાતે ગરીબો સાથે ભોજન લીધું તેમજ ખબર-અંતર પૂછયા હતા.
માણસા ખાતે અર્બન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યના યુવક સેવા, સાંસ્કૃતિક અને રમત ગમત વિભાગ તથા સર્વોદય હાયર એજ્યુકેશન સોસાયટીના સંયુક્ત ઉપક્રમે સ્પોર્ટસની પ્રવૃત્તિઓને વેગવાન બનાવવા માટે રૂ. ૧૩૦૫ લાખના ખર્ચે આ અદ્યતન રમતગતમ સંકુલનું નિર્માણ કરવામાં આવનાર છે. આ સંકુલમાં રમતગમતને લગતા ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલ ઉપરાંત ૪૦૦ મી. એથ્લેટિક ટ્રેક સાથે ગ્રાસી ફૂટબોલ ગ્રાઉન્ડ, બે ટેનિસ કોર્ટ, બે વોલીબોલ કોર્ટ, બે બાસ્કેટ બોલ કોર્ટ, બે કબડ્ડી ગ્રાઉન્ડ સાથે ખો-ખો ગ્રાઉન્ડ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ સંકુલમાં ઇન્ડોર રમતો ઉપરાંત અન્ય રમતોના મેદાન બનાવવા માટે કુલ- ૧૫,૨૨૬ ચો.મીટર જગ્યા છે. ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલનો કુલ બિલ્ટઅપ વિસ્તાર ૨૯૦૦ ચો.મીટર છે. તેની સાથે આ સંકુલમાં ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલમાં વિવિધ સુવિઘાઓ જેવી કે, ૪ બેડમિન્ટન કોર્ટ, ૮ ટેબલ ટેનિસ કોર્ટ, બાસ્કેટ બોલ તથા વોલીબોલનાં કોર્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે.રમત ગમત માટેના આ પ્રકલ્પને પરિણામે વિસ્તારના યુવાઓને તાલીમ માટેની ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવાની સાથે કૌશલ્યને નીખારવામાં અત્યંત ઉપયોગી પુરવાર થશે.
ઉલ્લેખનીય છે કે ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં ભૌતિક વિકાસની સાથે માનવીય મૂલ્યોનું જતન થાય અને પર્યાવરણીનું સંવર્ધનની દીર્ઘ દ્રષ્ટિ સાથે શ્રી શાહના માર્ગદર્શન અને સીધી દેખરેખ હેઠળ વિકાસનો રોડમેપ આગળ વધી રહ્યો છે.
આ પ્રસંગે ભાજપા પ્રદેશ મહામંત્રી શ્રી રજનીકાંત પટેલ, મહેસાણાના સાંસદ શ્રીમતી શારદાબેન પટેલ, માણસાના ધારાસભ્ય શ્રી જે.એસ.પટેલ, ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અનિલભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, માણસા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પ્રિયંકાબેન પટેલ, સર્વોદય હાયર એજ્યુકેશન સોસાયટીનાં પ્રમુખ શ્રી શેઠશ્રી ધીરેન્દ્ર શાહ અને મંત્રી શ્રી ડો. વી.એન.શાહ, પૂર્વ ધારાસભ્ય શ્રી અમિત ચૌધરી, માણસાના સ્થાનિક અગ્રણીઓ, ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટીશ્રીઓ, કોલેજ પરિવાર, નેશનલ કક્ષાએ રમતગમતમાં મેડલ મેળવનાર ખેલાડીઓ, પદાધિકારીઓ સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..