ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ પ્રેરિત “રમશે બાળક ખીલશે બાળક’ પ્રકલ્પ અંતર્ગત આંગણવાડીના બાળકો માટે ચાલતા “મનોરંજન પ્રવાસમાં” ફન બ્લાસ્ટ, અમદાવાદ ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહભાગી થઈ બાળકો સાથે ગોષ્ઠિ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર સંસદીય ક્ષેત્રના ઉપક્રમે “રમશે બાળક ખીલશે બાળક” ઉમદા અભિયાન અંતર્ગત ગાંધીનગર સંસદીય ક્ષેત્રની આંગણવાડીના બાળકો માટે રમકડાં વિતરણ તેમજ મનોરંજન પ્રવાસ કાર્યરત છે. ગરીબ બાળકના જીવનમાંથી અસંતોષ દૂર થાય અને તેમના ચહેરા પર હાસ્ય રેલાવી શકાય, બાળપણને માણવાની આ બાળકોને મનોરંજન માટે સમાન તક મળે તેવા માનવીય સંવેદના સાથેના આ અભિગમના અનુસંધાને પ્રત્યેક મહિનાના બીજા અને ચોથા શનિવારે લોકસભામાં સમાવિષ્ટ વિભિન્ન વિધાનસભા ક્ષેત્રોની આંગણવાડીના બાળકો માટે મનોરંજન પ્રવાસ યોજવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાંથી બિન વપરાશી રમવા લાયક એકત્રિત કરાયેલા રમકડાઓનું વિતરણ પણ આ પ્રવાસ દરમિયાન કરવામાં આવી રહ્યું છે.
આ અનુપમ પહેલનો શુભારંભ વર્ષ ૨૦૨૩ના ઓગસ્ટ માસથી કરવામાં આવ્યો હતો. જેમાં પ્રત્યેક પ્રવાસમાં બે થી ત્રણ આંગણવાડીના ૩ થી ૬ વર્ષના બાળકોનો સમાવેશ કરવામાં આવે છે. ૨૦૨૩માં ૪૨૫ અને ૨૦૨૫ માં ૨૧૫ આંગણવાડીઓના સમાવેશ સાથે વર્તમાન સ્થિતિએ કુલ ૩૩૦૦ થી વધુ બાળકોને આ ઉમદા પ્રવાસનો આનંદ માણવા મળ્યો છે. ૧૪ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ શ્રી શાહ પણ આ મનોરંજન પ્રવાસમાં સ્વયં ઉપસ્થિત રહીને બાળકો સાથે ગોષ્ઠિ કરી ચૂક્યા છે.
આ અભિયાન હેઠળ જ ફન બ્લાસ્ટ, અમદાવાદ ખાતે આંગણવાડીના બાળકો માટે યોજાયેલ મનોરંજન પ્રવાસમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે ઉપસ્થિતિ રહી નાના ભૂલકાઓ સાથે ગોષ્ઠિ અને પ્રશ્નોતરી કરી હતી. તેમજ મનોરંજન પ્રવૃતિઓમાં ભૂલકાઓને સાથે રાખી સહભાગી થઈ રમકડાઓનું પણ વિતરણ કર્યું હતું. શ્રી પટેલે ભૂલકાઓ સાથે જ્ઞાન ગોષ્ઠિ કરતા દેશનાં વડાપ્રધાન, ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ કોણ છે તે અંગે કરેલ પ્રશ્નોતરીના ભૂલકાંઓએ સચોટ જવાબ પણ આપ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ બાળકોને વિવિધ ગેમ્સ રમતા નિહાળ્યા હતા તથા તેમની સાથે સંવાદ પણ સાધીને બાળકોની કાલીઘેલી વાતો સાંભળી હતી અને બાળકોને નાસ્તો કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીના હસ્તે બાળકોને રમકડાંનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. બાળકો સાથે સંવાદ સાધતાં અને વાતો કરતાં કરતાં મુખ્યમંત્રીશ્રી પદ કે હોદ્દાનો ભાર છોડીને બાળક સાથે બાળક બની ગયા હતા અને ‘દાદા’ બનીને ભૂલકાંઓ પર મબલખ વહાલ વરસાવ્યું હતું.
મનોરંજન પ્રવાસમાં સાણંદ અને દસ્ક્રોઈ તાલુકાની આંગણવાડીઓનાં ૨૭૫ જેટલાં બાળકો સહભાગી થયાં હતાં. સાણંદ નગરપાલિકામાં આવતી આંગણવાડીઓ ઉપરાંત ચેખલા, નીધરાડ, ગોધાવી, મણિપુર, ગરોડિયા, ગીબપુરા, લાયપુર, માધવનગર, ગોલવાડ, કાણેટી વગેરેની આંગણવાડીઓ તો દસ્ક્રોઈ તાલુકાના કાસિંદ્રા, લીલાપુર, રાહપુરા, ખોડીયાર, લપકામણ વગેરેની આંગણવાડીનાં બાળકો આ મનોરંજન પ્રવાસમાં સહભાગી બન્યાં હતાં.
ગાંધીનગર સંસદીય ક્ષેત્રના ઉપક્રમે યોજાયેલા આ મનોરંજન પ્રવાસ આંગણવાડીના ભુલકાઓએ મન ભરીને માણ્યો હતો.
આ પ્રસંગે ડે. મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગ દાણી, રાજકીય અગ્રણી શ્રી બિપીનભાઈ પટેલ (ગોતા), ફનબ્લાસ્ટના માલિક શ્રી મહેન્દ્રભાઈ પટેલ, મનોરંજન પ્રવાસ કાર્યક્રમના ઇન્ચાર્જ શ્રી ભાગ્યેશભાઈ પટેલ તથા એએમસીના પદાધિકારીશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ, કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
