ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભાજપાના રાષ્ટ્રીય પ્રવક્તાશ્રી ગોપાલ કૃષ્ણ અગ્રવાલે કેન્દ્રીય બજેટ 2026-27 સંદર્ભે ઇમ્પિરિયલ પેલેસ હોટલ, રાજકોટ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.
પ્રેસવાર્તાને સંબોધિત કરતા તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણજીએ રજૂ કરેલું કેન્દ્રીય બજેટ 21મી સદીના બીજા ક્વાર્ટરનું અત્યંત નિર્ણાયક બજેટ છે, ભારત પોતાની મજબૂત અર્થવ્યવસ્થા સાથે વૈશ્વિક અર્થવ્યવસ્થાને પણ નવી દિશા અને ગતિ આપી રહ્યું છે. આ હકીકતને યુરોપિયન યુનિયન અને આંતરરાષ્ટ્રીય નાણાંકોષ (IMF) જેવી પ્રતિષ્ઠિત વૈશ્વિક સંસ્થાઓ દ્વારા પણ સમર્થન આપવામાં આવી રહ્યું છે. દેશભરમાં બજેટ અંગે વ્યાપક અને સકારાત્મક ચર્ચાઓ ચાલી રહી છે. બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા જવાબદારીપૂર્વક, દૂરંદેશીતા અને રાષ્ટ્રહિતને કેન્દ્રમાં રાખીને કરવામાં આવી છે. બજેટમાં યુવાનો, મહિલાઓ, શ્રમિકો, ખેડૂતો અને વેપારી વર્ગ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી વિકસીત ભારતની સરંચના સાકાર કરવા પર ભાર મુકવામાં આવ્યો છે.
શ્રી અગ્રવાલે બજેટના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આ વર્ષે ₹12.50 લાખ કરોડનો જંગી ખર્ચ કરવાની જોગવાઈ કરી છે. રોડ, એક્સપ્રેસ-વે, રેલ કોરિડોર અને મેટ્રોના વિસ્તાર દ્વારા ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઘટાડી ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ અને ‘ઇઝ ઓફ લિવિંગ’ને પ્રોત્સાહન આપવામાં આવશે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આમૂલ પરિવર્તન લાવવા માટે MSME પર વિશેષ ભાર મુકાયો છે. વૈશ્વિક સપ્લાય ચેઇન સાથે ભારતીય ઉદ્યોગો જોડાય તે માટે કસ્ટમ ડ્યુટીનું સરળીકરણ કરવામાં આવ્યું છે. 38 દેશો સાથે થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)નો મહત્તમ લાભ ભારતીય ઉદ્યોગોને મળે તેવું આયોજન બજેટમાં છે.
તેઓએ કહ્યું કે, દેશમાં હાલ પોણા બે લાખ જેટલા સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે, જેને વધુ મજબૂતી અપાશે. સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે ₹40,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. AI, ડેટા સેન્ટર અને રિન્યુએબલ એનર્જી જેવા ઉભરતા ક્ષેત્રોમાં રોકાણ વધારી રોજગારીની નવી તકો ઉભી કરાશે. સરકારે રાજકોષીય ખાધ (Fiscal Deficit)ને 4.4% પર મર્યાદિત રાખવાનો અને મોંઘવારી દરને 2% થી નીચે રાખવાનો લક્ષ્યાંક રાખ્યો છે. બેંકિંગ સેક્ટરની મજબૂતી અને PSU દ્વારા મળતું જંગી ડિવિડન્ડ દેશની આર્થિક સ્થિતિ વધુ સુદ્રઢ હોવાનું પ્રમાણ છે.
ગુજરાત અંગે વાત કરતા શ્રી ગોપાલ કૃષ્ણ અગ્રવાલજીએ જણાવ્યું હતું કે, ગુજરાત માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં એન્ટરપ્રિન્યોરશિપ માટે જાણીતી ભૂમિ છે અને દેશની આર્થિક પ્રગતિમાં ગુજરાતનો ફાળો મહત્વપૂર્ણ રહ્યો છે. કેન્દ્રિય બજેટ ૨૦૨૬-૨૭માં એવી જોગવાઈઓ કરવામાં આવી છે કે જે રાજ્યો દેશને આર્થિક રીતે આગળ લઈ જવામાં અગ્રણિ ભૂમિકા ભજવે છે, તેમને વિશાળ તક મળશે. કેન્દ્ર સરકારની યોજનાઓ સાથે ઈન્ટિગ્રેટ થઈ કાર્ય કરવા ઇચ્છુક રાજ્યોને વિશેષ સહાય આપવામાં આવશે. કેમિકલ પાર્ક્સ, સિટી ઇકોનોમિક ઝોન, હેલ્થ હબ્સ તથા ઉત્પાદન ક્ષેત્રના વિકાસ દ્વારા ગુજરાત જેવા ઉદ્યોગપ્રધાન રાજ્યને વૈશ્વિક સપ્લાય ચેઇન સાથે જોડાઈ વધુ સ્પર્ધાત્મક બનવાની મોટી તક મળશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, હેલ્થ ટુરિઝમને વેગ આપવા માટે નવી મેડિકલ કોલેજો અને આધુનિક સુવિધાયુક્ત હોસ્પિટલોનું નિર્માણ કરાશે. પ્રવાસન ક્ષેત્રે ગાઇડોને તાલીમ આપી ‘આઇકોનિક ટુરિસ્ટ ડેસ્ટિનેશન’ વિકસાવવા પર ભાર મુકવામાં આવ્યો છે. આ બજેટ દેશની અર્થવ્યવસ્થાને ઝડપથી આગળ ધપાવી વૈશ્વિક સ્તરે ભારતને મજબૂત રાષ્ટ્ર તરીકે સ્થાપિત કરવાની દિશામાં ઐતિહાસિક પગલું સાબિત થશે.
આ પત્રકાર પરિષદમાં પ્રદેશ ભાજપા મહામંત્રીશ્રી અનિરૂદ્ધભાઈ દવે, રાજકોટ મહાનગર ભાજપા અધ્યક્ષ ડો. માધવભાઇ દવે, રાજકોટના મેયરશ્રી નયનાબેન પેઢડિયા, પ્રદેશ અગ્રણીશ્રી ધનસુખભાઇ ભંડેરી, શ્રી રાજુભાઇ ધ્રુવ સહિત ભાજપા આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
