સોમનાથ સ્વાભિમાન પર્વ‘ અંતર્ગત સોમનાથ ખાતે આયોજિત ભવ્ય શૌર્ય યાત્રામાં સહભાગી થઈ દેવાધિદેવ મહાદેવના દર્શન કરી જંગી જાહેરસભાને સંબોધન કરતા દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી

BJP GUJARAT NEWS

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ગુજરાત પ્રવાસના બીજા દિવસે ગુજરાતની ધરતીના પનોતા પુત્ર અને દેશના લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સોમનાથ મંદિર પર થયેલા પ્રથમ આક્રમણના ૧૦૦૦ વર્ષ તથા પુનઃનિર્માણના ૭૫ વર્ષ નિમિત્તે આયોજિત ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ અંતર્ગત મંદિરની રક્ષા માટે પ્રાણ ન્યોછાવર કરનાર શૂરવિરોને સમર્પિત ‘શૌર્ય યાત્રા‘ માં સહભાગી થયા હતાં. દેવાધિદેવ મહાદેવ આધારિત થીમ પર અંત્યંત સુંદર રીતે શુશોભિત કરાયેલ શોર્ય સર્કલથી લઇ વીર હમીરજી ગોહિલની પ્રતિમાં સુધીના યાત્રાના સમગ્ર રૂટ પર સાધુ-સંતો, વિવિધ સમાજના અગ્રણીઓ અને સોમનાથવાસીઓ, સનાતનપ્રેમીઓ તેમજ દેશ-વિદેશથી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત શિવભકતોએ આ ઐતિહાસિક, અવિસ્મરણીય અને અદભૂત યાત્રાના સાક્ષી બની વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું “હર હર મહાદેવ”, “જય સોમનાથ” તેમજ “ભારત માતા કી જય” ના ગુંજારા સાથે ભવ્ય સ્વાગત કર્યુ હતું.

શૌર્ય યાત્રામાં 108 અશ્વો, શંખ અને ડમરુના પ્રચંડ અને પવિત્ર ધ્વનિનાદ તેમજ ‘હર હર મહાદેવ‘ ની ગુંજ સાથે સોમનાથમાં આયોજિત ‘શૌર્ય યાત્રા‘માં અલૌકિક ભકિતમય વાતાવરણનું સર્જન થયું હતું. યાત્રામાં વિવિધ વેષભુષા, યક્ષજ્ઞાન, કુચિપૂડી નૃત્ય, મણિયારો રાસ, ભરતનાટયમ, સહિતના વિવિધ પરંપરાગત નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતાં. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ખુલ્લી કારમાં ઊભા રહી ઉલ્લાસભેર વિશાળ જનસમુદાયને વંદન કરી, શિવજીનું પ્રિય ડમરુ વગાડી સૌ નાગરિકોના અભિવાદનને આત્મીયતાપૂર્વક ઝીલ્યું હતું. શ્રી મોદીજીએ વીર હમીરજી ગોહિલ તેમજ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પૃષ્પાંજંલિ અર્પણ કરી વંદન કર્યા હતાં. ‘શૌર્ય યાત્રા‘ માં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહ્યાં હતાં. શોર્ય યાત્રા બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સોમનાથ મંદિરમાં દેવાધિદેવ મહાદેવજીની મહાપૂજા-અર્ચના, વૈદિક મંત્રોચ્ચાર અને જળાઅભિષેક કરી ૧૪૦ કરોડ દેશવાસીઓ સહિત સમગ્ર વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ‘સોમનાથ સ્વાભિમાન પર્વ‘ અંતર્ગત સોમનાથના સદભાવના ગ્રાઉન્ડ ખાતે જંગી જાહેરસભામાં ‘જય સોમનાથ’ અને ‘હર હર મહાદેવના‘ના પવિત્ર નાદ સાથે દેશવાસીઓને સંબોધતાં જણાવ્યું હતું કે, આજનો સમય અદભૂત છે, આ વાતાવરણ અદભૂત છે અને આ ઉત્સવ પણ અદભૂત છે. એક તરફ સ્વયં દેવાધિદેવ મહાદેવની પાવન ઉપસ્થિતિ, બીજી તરફ સમુદ્રની વિશાળ લહેરો, સૂર્યકિરણોની તેજસ્વી આભા, મંત્રોની ગુંજ અને આસ્થાથી છલકતું દિવ્ય વાતાવરણ સોમનાથને અલૌકિક તેજથી ઝળહળતું બનાવે છે. ભગવાન સોમનાથના આ પાવન ધામમાં શિવભક્તોની વિશાળ ઉપસ્થિતિએ આ કાર્યક્રમને વધુ દિવ્ય અને ભવ્ય બનાવ્યો છે.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, સોમનાથ મંદિરના અધ્યક્ષ તરીકે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં સક્રિય સેવા કરવાની તક મળવી એ તેમનું સૌભાગ્ય છે. ૭૨ કલાક સુધી અખંડ ઓમકાર નાદ, એક હજાર ડ્રોન દ્વારા સોમનાથના એક હજાર વર્ષની ગૌરવગાથાનું દર્શન, વૈદિક ગુરુકુળના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ અને આજે ૧૦૮ અશ્વો સાથે નીકળેલી શૌર્ય યાત્રા, આ તમામ દૃશ્યો મનને મંત્રમુગ્ધ કરી દે તેવા છે. આ અનુભૂતિને શબ્દોમાં વ્યક્ત કરવી શક્ય નથી; તેને માત્ર સમય જ સંકલિત કરી શકે એમ છે. આ સમગ્ર આયોજનમાં ગર્વ છે, ગરિમા છે, ગૌરવ છે; સાથે જ વૈભવની વિરાસત, આધ્યાત્મની અનુભૂતિ, આત્મિયતા અને સંસ્કૃતિનું જ્ઞાન સમાયેલું છે. મહાદેવના આશીર્વાદે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ‘ ને અનન્ય અને ઐતિહાસિક બનાવ્યું છે.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું કે, ૧૦૦૦ વર્ષ પહેલાં આ જ સ્થળ પર શું સ્થિતિ હશે? આસ્થા, વિશ્વાસ અને મહાદેવ માટે આપણા પૂર્વજોએ સર્વસ્વ ન્યોછાવર કર્યું છે. આક્રમણકારીઓ એ ૧૦૦૦ વર્ષ પહેલાં વિચાર્યું હશે કે તેઓ જીતી ગયા પણ, આજે એક હજાર વર્ષ પછી પણ સોમનાથ મહાદેવના મંદિર પર લહેરાતી ધ્વજા સમગ્ર પૃથ્વીનું આહ્વાન કરી રહી છે કે ભારતની શક્તિ અને સામર્થ્ય શું છે. પ્રભાસપાટણ તીર્થની માટીનો કણ-કણ શૌર્ય, પરાક્રમ અને વિરતાનું સાક્ષી રહ્યો છે. સોમનાથ મંદિરના આજના સ્વરૂપ માટે અનેક શિવભક્તોએ અને સંસ્કૃતિના ઉપાસકોએ તેમના પ્રાણોની આહુતિ આપી છે. જેમણે સોમનાથ મંદિરની રક્ષા અને મંદિરના પુનર્નિર્માણને પોતાનું જીવન ધ્યેયબનાવી સર્વસ્વ દેવાધિદેવ મહાદેવને અર્પણ કરી દીધું તે વીરોને શ્રી મોદીજીએ વંદન કર્યા હતાં.

શ્રી મોદીજીએ જણાવ્યું હતું કે, સોમનાથ મંદિરની પવિત્રતા ભગવાન શ્રી કૃષ્ણ સાથે પણ જોડાયેલી છે. મહાભારત કાળમાં પાંડવોએ પણ આ તીર્થમાં તપશ્ચર્યા કરી હતી. સોમનાથ મંદિરની સ્વાભિમાન યાત્રાને એક હજાર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, સાથે જ ૧૯૫૧માં થયેલા પુનર્નિર્માણના ૭૫ વર્ષ પણ પૂર્ણ થઈ રહ્યા છે. દુનિયાભરના શિવભક્તોને ‘સોમનાથ સ્વાભિમાન પર્વની શુભેચ્છા પાઠવતા તેમણે કહ્યું કે, આ અવસર ભારતની અગણિત આયામોને નમન અને વંદન કરવાનો સમય છે. ‘સોમનાથ સ્વાભિમાન પર્વ‘ એક હજાર વર્ષ પહેલાં થયેલા વિધ્વંસના સ્મરણ માટે નહીં, પરંતુ હજાર વર્ષની યાત્રાનું પર્વ છે, ભારતના અસ્તિત્વ અને અભિમાનનું પર્વ છે. સોમનાથ મંદિરને તોડવા એક વખત નહીં પરંતુ અનેક વખત દુષ્પ્રયાસ કરવામાં આવ્યા. તેવી જ રીતે વિદેશી આક્રાંતાઓ દ્વારા વર્ષો સુધી ભારતનો નાશ કરવાના પ્રયાસો થતા રહ્યા, પરંતુ ન તો સોમનાથ અને ન તો ભારતનો વિનાશ થયો. ભારત અને ભારતની આસ્થાના કેન્દ્ર એકબીજામાં સમાયેલા છે.

શ્રી મોદીજીએ સોમનાથ મંદિરના ઇતિહાસ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, એક હજાર વર્ષ પૂર્વે વર્ષ ૧૦૨૬ માં સૌપ્રથમ મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિરને તોડ્યું, પરંતુ સોમનાથનું પુનર્નિર્માણ થયું. રાજા કુમારપાળે ૧૨ મી સદીમાં મંદિરનો ભવ્ય જીર્ણોદ્ધાર કર્યો. ૧૩ મી શતાબ્દીના અંતમાં અલાઉદ્દીન ખીલજીએ સોમનાથ મંદિર પર ફરી આક્રમણનું દુ:સાહસ કર્યું. ૧૪ મી શતાબ્દીની શરૂઆતમાં જૂનાગઢના રાજા દ્વારા ફરીથી સોમનાથની પ્રતિષ્ઠા સંપન્ન કરવામાં આવી અને તેના અંત વર્ષમાં ફરી મુઝફ્ફર ખાને સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું, પરંતુ તે આક્રમણ નાકામ રહ્યું. ૧૫ મી શતાબ્દીમાં સુલતાન અહમદશાહે સોમનાથ મંદિરને દુષિત કરવાનો પ્રયાસ કર્યો અને તે જ શતાબ્દીમાં તેના પુત્ર સુલતાન મહેમુદ બેગડાએ સોમનાથ પર આક્રમણ કરી મંદિરને મસ્જિદ બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ મહાદેવના ભક્તોના પ્રયાસો થી મંદિર ફરી જીવંત થયું. ૧૭ મી અને ૧૮ મી સદીમાં ઔરંગઝેબે પણ સોમનાથ મંદિરને અપવિત્ર કરી મસ્જિદ બનાવવાનો પ્રયાસ કર્યો. ત્યારે પણ અહલ્યાબાઈ હોલકરે મંદિરની સ્થાપના કરી. સોમનાથનો ઇતિહાસ વિનાશ અને પરાજયનો ઇતિહાસ નથી. આ ઇતિહાસ વિજય અને પુનઃનિર્માણનો છે, આપણા પૂર્વજોના પરાક્રમનો છે અને આપણા પૂર્વજોના ત્યાગ તથા બલિદાનનો છે. આક્રમણકારો આવતા ગયા, મઝહબી આતંકના આક્રમણ થતાં રહ્યા પણ સોમનાથ મંદિર દરેક યુગમાં પુનઃસ્થાપિત થતું રહ્યું. વર્ષો સુધીનો સંઘર્ષ, લાંબો પ્રતિકાર, ધૈર્ય, સંસ્કૃતિમાં વિશ્વાસ અને આસ્થાનું દુનિયાના ઇતિહાસમાં આવું ઉદાહરણ મળવું મુશ્કેલ છે.

શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, ગઝનવીથી લઈને ઔરંગઝેબ સુધી આક્રાંતાઓએ સોમનાથ પર હુમલો કર્યો. તેમને લાગતું હતું કે તેમની તલવાર સનાતન સોમનાથને જીતી રહી છે. મઝહબી કટ્ટરપંથીઓ એ ન સમજી શક્યા કે જે સોમનાથને તેઓ તોડવા માંગતા હતા, તેના નામમાં જ ‘સોમ’ એટલે કે અમૃત જોડાયેલું છે.
સોમનાથની અંદર સદા મહાદેવના રૂપમાં ચૈતન્ય શક્તિ પ્રતિષ્ઠિત છે, જે કલ્યાણકારી છે અને પ્રચંડ શક્તિનો સ્ત્રોત છે. સોમનાથ મંદિરમાં બિરાજમાન મહાદેવનું એક નામ મૃત્યુજંય પણ છે, મૃત્યુજંય એટલે જેમણે પોતે મૃત્યુને જીતી લીધું છે, આ સૃષ્ટિ તેમનાથી ઉત્પન્ન થાય છે અને તેમનામાં જ સમાય છે. આપણે તો એ લોકો છીએ, જે કણ-કણમાં અને કંકર-કંકરમાં શંકરને જોઈ લઈએ છીએ; જીવમાં પણ શિવને જોઈએ છીએ. સોમનાથ મંદિરને ધ્વસ્ત કરવાની આશા સાથે આવેલા મઝહબી આક્રમણકારીઓ ઇતિહાસના પાનાઓમાં સમેટાઈ ગયા, જ્યારે સોમનાથ મંદિર એ જ વિશાળ દરિયાકિનારે ગગનચુંબી ધર્મધ્વજા સાથે અડીખમ ઊભું છે. સોમનાથ મંદિરનું શિખર માનવઘોષ કરી રહ્યું છે. ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ના અવસરને આપણે આપણા અસ્તિત્વ અને ઓળખને સશક્ત બનાવવા માટે ઉપયોગમાં લેવો જોઈએ.

શ્રી મોદીજીએ વધુમાં જણાવ્યું કે, કોઇ દેશ પાસે જો કોઇ 100 વર્ષ જૂની વિરાસત હોય તો તે દેશ તેને પોતાની ઓળખ બનાવી દુનિયા સામે પ્રસ્તૃત કરે છે અને ભારત પાસે સોમનાથ જેવા હજારો વર્ષ જૂના ઘણા પુણ્યસ્થાનો છે. આ સ્થળ આપણા સામર્થ્ય, પ્રતિરોધ, અને પરંપરાના પર્યાય રહ્યા છે. પરંતુ દુર્ભાગ્યથી આઝાદી પછી પણ ગુલામીની માનસિકતા વાળા લોકોએ તેનાથી દુર રહેવાનો પ્રયાસ કર્યો. ઇતિહાસને ભુલાવવાનો કુંઠિત પ્રયાસ કરવામાં આવ્યો. આપણે સૌ જાણીએ છીએ કે સોમનાથ મંદિરની રક્ષા માટે દેશે કેવા કેવા બલિદાન આપ્યા છે. વીર હમીરજી ગોહિલનું પરાક્રમ, વેગડા ભીલનું શૌર્ય, અનેક નાયકોનો ઇતિહાસ સોમનાથ મંદિર થી જોડાયેલો છે. મંદિર પર થયેલા આક્રમણના ઇતિહાસને પણ કેટલાક ઇતિહાસકારો અને રાજનેતાઓ દ્વારા વ્હાઇટવોશ કરવાનો પ્રયાસ થયો. સોમનાથ મંદિર એક વખત નહી પરંતુ વારંવાર તોડવામાં આવ્યું. મઝહબી ઉન્માદની માનસિકતાને કેવળ સાધારણ લૂંટ બતાવી ઢાંકવાના પ્રયાસો કરવામાં આવ્યા. જો સોમનાથ પર આક્રમણ આર્થિક લૂટ માટે કરવામાં આવ્યું હોત તો હજાર વર્ષ પહેલાની પ્રથમ લૂંટ પછી તે અટકી ગયા હોત પરંતુ સોમનાથની પવિત્રતાને નષ્ટ કરવાનો વારંવાર પ્રયાસ થયો, અને મંદિરનું સ્વરૂપ બદલવાની કોશિશ થઈ. આપણને ભણાવવામાં આવ્યું કે, સોમનાથને લૂંટવા માટે તોડવામાં આવ્યું હતું અને નફરત, અત્યાચાર અને આતંકનો અસલી ઇતિહાસ આપણાથી છુપાવી રાખ્યો. ધર્મ પ્રત્યે ઇમાનદાર કોઈપણ વ્યક્તિ આવી કટ્ટરપંથી વિચારોનું સમર્થન નહી કરે. પણ તુષ્ટિકરણના ઠેકેદારોએ કટ્ટરપંથી વિચારો સામે ઘૂંટણ ટેક્યા.

શ્રી મોદીજીએ જણાવ્યું કે, ભારત જ્યારે ગુલામીની બેડી માથી મુક્ત થયું અને સદરાર વલ્લભભાઇ પટેલે સોમનાથના પુનઃનિર્માણની શપથ લીધી ત્યારે તેમને પણ રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ૧૯૫૧ માં તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદના આવવાથી પણ આપત્તિ વ્યક્ત કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રના સર્વાધિક મશહૂર જામસાહેબ મહારાજા દિગ્વિજયસિંહ આગળ આવ્યા હતા તે સમયે જામસાહેબ સોમનાથ મંદિર માટેમોટું આર્થિક દાન આપ્યું હતું અને ટ્રસ્ટના પહેલા અધ્યક્ષ તરીકે ખૂબ મોટી જવાબદારી સંભાળી હતી. દુર્ભાગ્યથી દેશમાં આજે પણ દેશમાં એ તાકાતો સક્રીય છે જેમને સોમનાથ પુનઃનિર્માણનો વિરોધ કર્યો હતો. આજે તલવારોની જગ્યાએ બીજી રીતે ભારત સામે ષડયંત્રો થઇ રહ્યા છે એટલા માટે આપણે વધુ સાવધાન રહેવાની જરૂર છે. આપણે પોતાને શક્તિશાળી બનાવવાના છે, એકજૂટ થઇ રહી આવી તાકાતોને હરાવવાની છે, જે આપણને તોડવા મથી રહી છે. પાછલા 1 હાજર વર્ષોની યાત્રા આપણને આવનાર એક હજાર વર્ષો માટે તૈયાર રહેવા માટે પ્રેરણા આપે છે. દેશનું સાંસ્કૃતિક પુનઃજાગરણ કરોડો દેશવાસીઓમાં નવો વિશ્વાસ ભરી રહ્યું છે.

શ્રી મોદીજીએ વધુમાં જણાવ્યું કે, રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસર પર તેઓએ ભારત માટે દેવ થી દેશના વિઝન સાથે હજાર વર્ષનું વિરાટ સ્વપ્ન દેશ સમક્ષ રજૂ કર્યું હતું. આજે દેશવાસીઓના મનમાં વિકસિત ભારત માટે અનોખો વિશ્વાસ છે. ૧૪૦ કરોડ ભારતીયો ભવિષ્યના લક્ષ્યને ધ્યાનમાં રાખી સંકલ્પિત છે. ભારત પોતાના ગૌરવને નવી બુલંદી આપશે. આપણે ગરીબી સામેની લડાઈમાં જીતીશું અને વિકાસની નવી ઊંચાઈઓને આંબીશું. વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બનવાના લક્ષ્ય અને તેની આગળની સફર માટે પણ દેશ તૈયાર થઈ ગયો છે. સોમનાથ મંદિરની ઊર્જા આપણા સંકલ્પોને આશીર્વાદ આપી રહી છે. આજનું ભારત વિરાસતથી વિકાસની પ્રેરણા લઈને આગળ વધી રહ્યું છે. સોમનાથમાં પણ વિકાસ અને વિરાસત સાથેની ભાવના સતત સાકાર થઈ રહી છે.

વિસ્તારમાં થઈ રહેલા વિકાસકાર્યો અંગે વિસ્તૃત ચર્ચા કરતા તેમણે જણાવ્યું કે, કેશોદ એરપોર્ટનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે, જેથી દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ સીધા સોમનાથ પહોંચી શકે. અમદાવાદથી વેરાવળ વંદે ભારત ટ્રેન દ્વારા પ્રવાસીઓ અને તીર્થયાત્રીઓનો સમય બચી રહ્યો છે. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના, માધવપુર મેળાની લોકપ્રિયતાના રંગથી આપણી વિરાસત મજબૂત થઈ રહી છે. ગીરના સિંહના સંરક્ષણથી ક્ષેત્રનું સાંસ્કૃતિક આકર્ષણ વધી રહ્યું છે. પ્રભાસ પાટણ ક્ષેત્રમાં વિકાસના નવા આયામ રચાઈ રહ્યા છે. આ ક્ષેત્રમાં યાત્રાધામ સર્કિટનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. આજનું ભારત આસ્થાના સ્મરણ સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી અને ટેકનોલોજીની મદદથી ભવિષ્ય માટે પોતાને સશક્ત બનાવી રહ્યું છે.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું કે, આપણી સભ્યતાનો સંદેશ કોઈને પરાજિત કરવાનો નથી, પરંતુ જીવનને સંતુલનમાં રાખવાનો રહ્યો છે. આપણે ત્યાં શક્તિ વિનાશ કરવાનો અહંકાર આપતી નથી. તલવારની ધારથી ક્યારેય કોઈના દિલ જીતી શકાય નહીં. જે સભ્યતા બીજાનો નાશ કરીને આગળ વધવા માંગે છે, તે પોતે સમય સાથે ખોવાઈ જાય છે. તે આપણને સોમનાથના ઈતિહાસે શીખવ્યું છે. સૃજનનો માર્ગ લાંબો હોય છે પણ તે સ્થાયી અને ચિરંજીવી હોય છે. ભારતે દુનિયાને એ નથી શીખવ્યું કે બીજાને હરાવી કેવી રીતે જીતવું, પરંતુ દિલને જીતીને કેવી રીતે જીવી શકાય. અને આ જ વિચાર આજે દુનિયાની જરૂરત છે. સોમનાથના હજાર વર્ષોની ગાથા માનવતાને શીખ આપી રહી છે. આપણે વિકાસ તરફ આગળ વધીએ અને મનથી મનને જોડીને લક્ષ્ય પ્રાપ્ત કરીએ.આધુનિકતાને અપનાવીને આપણી ચેતનાને સંભાળી રાખીએ. મે-૨૦૨૭ સુધી આપણે સોમનાથ ઉપરના પ્રથમ આક્રમણ ના હજાર હજાર વર્ષની યાત્રાનું સ્મરણ આપણે દેશના ખૂણે-ખૂણે કરાવવાનું છે, દેશને આપણી વિરાસતનો પરિચય કરાવવાનો છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, સોમનાથ સ્વાભિમાન પર્વ દેશના આત્મસન્માન, અતૂટ આસ્થા અને અડગ સંકલ્પની ઉજવણી છે. બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથનું મંદિર માત્ર એક મંદિર નહીં, પરંતુ ભારતના આત્માનું પ્રતિક છે. ઇતિહાસ સાક્ષી છે કે છેલ્લા એક હજાર વર્ષમાં અનેક આક્રમણો છતાં આક્રાંતાઓ ભારતની આસ્થાને ક્યારેય તોડી શક્યા નથી અને આજે પણ ભગવાન સોમનાથ ભવ્યતા અને દિવ્યતાથી બિરાજમાન છે. સોમનાથ મંદિરની આસ્થા અનેક વીરોના ત્યાગ અને બલિદાનથી સિંચાઈ છે. જનમાનસમાં આ સ્વાભિમાનની જ્યોત પ્રજ્વલિત રહે એવો વિચાર માત્ર આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જેવા યુગપુરુષને જ આવે, વિકાસપુરુષ એવા વડાપ્રધાનશ્રી મોદીજી દેશને સતત પ્રેરણા આપી રહ્યા છે. સોમનાથ મંદિરની ગાથા વિનાશની નહીં, પરંતુ અડગ સ્વાભિમાન અને અસત્ય સામે ન ઝુકવાની વિરાસત છે. સરદાર વલ્લભભાઈ પટેલે દેશની આઝાદી બાદ સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો સંકલ્પ કર્યો હતો. સોમનાથ મંદિર માત્ર પથ્થર કે ઇંટોનું ચણતર નહીં, પરંતુ ભારતના આત્મવિશ્વાસ, આધ્યાત્મિકતા અને સરદાર સાહેબની દ્રઢ સંકલ્પ શક્તિનું પ્રતિક છે.

શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રદ્ધાની વિરાસતને જાળવી રાખીને આધુનિક કાયાકલ્પની સંસ્કૃતિ વિકસાવી છે. કાશી વિશ્વનાથ, કેદારનાથ, મહાકાલ, અયોધ્યામાં ભવ્ય રામમંદિર, પાવગઢમાં મહાકાલી માતાજી મંદિરનું ધ્વજારોહણ, અંબાજી ધામનો વિકાસ અને સોમનાથ સ્વાભિમાન પર્વ જેવી પહેલો વિકસિત ભારત–૨૦૪૭ના આધ્યાત્મિક સ્તંભ છે. તેમણે આહ્વાન કર્યું કે વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણને જીવનમંત્ર બનાવીએ. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સોમનાથ દાદાના ચરણોમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીને દીર્ઘાયુ અને અખંડ શક્તિની પ્રાપ્તિ માટે થાય અને ભગવાન સોમનાથજીની કૃપાથી તેમના નેતૃત્વમાં ભારત વિશ્વગુરુ બને તેવી પ્રાર્થના કરી હતી.

નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં યોજાયેલી ભવ્ય શૌર્યયાત્રા વર્ષો સુધી યાદગાર રહેશે. સોમનાથ કોઈ સામાન્ય મંદિર નથી, પરંતુ ભારતની આત્માએ આક્રમણકારીઓને આપેલો અડગ પડકાર છે. સરદાર પટેલે જણાવ્યું હતું કે ભારત ક્યારેય પોતાના સ્વાભિમાનનો સોદો નહીં કરે અને આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આ જ સંકલ્પ ભારતની નીતિ બની છે. ભારત આક્રમણકારોનું મહિમામંડન નહીં કરે અને પોતાની સંસ્કૃતિ પર ગર્વ રાખશે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિકાસના અનેક કાર્યોની સાથે વિરાસતને પણ સમાન ભાવથી સંભાળી છે.

આ જાહેર કાર્યક્રમમાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીશ્રીઓ શ્રી જીતુભાઇ વાધાણી, શ્રી અર્જુનભાઇ મોઢવાડીયા, શ્રી પ્રદ્યુમનભાઇ વાંજા, રાજ્યકક્ષાના મંત્રીશ્રી કૌશિકભાઇ વેકરિયા, સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા, પૂજ્ય સાધુ-સંતો તેમજ ભાજપા અગ્રણીશ્રીઓ, સ્થાનિક આગેવાનો, સમાજશ્રેષ્ઠીઓ તેમજ વિશાળ સંખ્યામાં સનાતનપ્રેમીઓ અને શિવભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *