પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા હેઠળ ગુજરાત સહિત દેશભરમાં ‘સોમનાથ સ્વાભિમાન પર્વ‘નો આજથી પ્રારંભ

અમદાવાદ

તા.- 08/01/2026 : ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા હેઠળ ગુજરાત સહિત દેશભરમાં ‘સોમનાથ સ્વાભિમાન પર્વ‘નો આજથી શુભારંભ થયો છે. એક હજાર વર્ષ પૂર્વે સોમનાથ મંદિરે મહમૂદ ગઝનવી દ્વારા કરાયેલું ઇતિહાસનું પહેલું આક્રમણ સહન કર્યું હતું. ત્યારબાદ થયેલા અનેક હુમલાઓ પણ દેશવાસીઓની શાશ્વત આસ્થા અને શ્રદ્ધાને ડગાવી શક્યા નહી અને તેના પરિણામે ભારતની સાંસ્કૃતિક એકતાની ભાવનાની પ્રતીતિ કરાવતું ગગનચુંબી સોમનાથ મંદિર આજે આપણી સમક્ષ ઊભું છે.

‘સોમનાથ સ્વાભિમાન પર્વ‘ અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર સ્થિત પૌરાણિક ધોળેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાદેવની પૂર્જા અર્ચના કરી સૌના મંગલ માટે ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ ધોળેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણમાં ૭૨ કલાક સુધી ચાલનારા ઓમકારનાદ મંત્ર ધ્વનિ કાર્યક્રમમાં જોડાયા હતા. આ પ્રસંગે ગાંધીનગર શહેર ભાજપ અધ્યક્ષ ડો. આશિષકુમાર દવે, મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ધારાસભ્યશ્રીઓ સહિત સંગઠનના પદાધિકારીઓ અને આગેવાનો, કાર્યકર્તાઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ શ્રી નીલકંઠ મહાદેવ મંદિર, અસારવા, અમદાવાદ ખાતે દેવાધિદેવ મહાદેવના ચરણોમાં શિશ ઝુકાવી ભક્તિભાવપૂર્વક પૂજા કરી સર્વજનના કલ્યાણની કામના કરી હતી. પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ મોટી સંખ્યામાં નગરજનો અને શિવભક્તોની ઉપસ્થિતિમાં અવિરત ૭૨ કલાક ચાલનારા શિવ ધુન અને કીર્તનના કાર્યક્રમમાં સહભાગી થયા હતાં. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રીશ્રી પ્રશાંતભાઈ કોરાટ, રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીશ્રી દર્શનાબેન વાઘેલા, પ્રદેશ મુખ્ય પ્રવક્તાશ્રી ડૉ. અનિલભાઈ પટેલ, મહાનગર ભાજપા અધ્યક્ષશ્રી પ્રેરકભાઈ શાહ, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સાંસદશ્રી દિનેશભાઈ મકવાણા, ધારાસભ્યશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

‘સોમનાથ સ્વાભિમાન પર્વ‘ અંતર્ગત તા. ૮ થી ૧૧ જાન્યુઆરી દરમિયાન ગુજરાતના ૨૪૩ શિવ મંદિરોમાં ૭૨ કલાક અને ૧૦૦૦ શિવ મંદિરોમાં એકદિવસીય ઓમકાર જાપ અને કીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, પ્રદેશ પદાધિકારીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સ્થાનિક સંગઠન અને ચૂંટાયેલી પાંખ સહિત ભાજપાના કાર્યકર્તાઓ ઉત્સાહભેર જોડાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *